PM મોદીને મળ્યા ક્રિકેટર રિંકુ સિંહ, પ્રિયા સરોજ સાથેના લગ્નમાં હાજર રહેવા પાઠવ્યું આમંત્રણ
ભારતીય ક્રિકેટર રિંકુ સિંહે સમાજવાદી પાર્ટીનાં સાંસદ પ્રિયા સરોજ સાથે થનારા લગ્ન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું છે. લગ્ન પહેલાં રિંકુએ પોતાના પરિવાર સાથે વડાપ્રધાન મોદીની મુલાકાત કરી હતી અને તેમને રૂબરૂ લગ્નનું આમંત્રણ પાઠવી આશીર્વાદ મેળવ્યા હતા.
રિંકુએ સોશિયલ મીડિયા પર શેર કરી તસવીર
રવિવારે રિંકુ સિંહે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વડાપ્રધાન મોદી સાથેની મુલાકાતની તસવીર શેર કરી હતી. આ સાથે તેણે લખ્યું હતું કે, પરિવાર સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને મળીને તેમને પોતાના લગ્નમાં આમંત્રિત કરવાની અને તેમના આશીર્વાદ મેળવવાની તક મળી તે મારા માટે ગૌરવની વાત છે. આ અમારા પરિવાર માટે ખરેખર એક ખાસ ક્ષણ છે.
લગ્નની તૈયારીઓ વચ્ચે રિંકુ અને તેમનો પરિવાર દેશની અનેક જાણીતી હસ્તીઓને આમંત્રણ આપી રહ્યો છે. આ પહેલાં રિંકુના પરિવારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પણ લગ્નનું આમંત્રણ આપ્યું હતું.
4 ડિસેમ્બરે લખનઉમાં યોજાશે લગ્ન
રિંકુની માતા બીના દેવી, ભાઈ સોનુ સિંહ અને બહેન નેહા સિંહે લખનઉમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને જઈને યોગી આદિત્યનાથને લગ્નનું આમંત્રણ કાર્ડ આપ્યું હતું. આ લગ્ન સમારોહમાં હાજરી આપવા માટે તેમને 4 ડિસેમ્બરના રોજ આમંત્રિત કરવામાં આવ્યા છે.
રિંકુ સિંહ અને પ્રિયા સરોજનાં લગ્ન લખનઉમાં યોજાવાનાં છે. આ લગ્નમાં ક્રિકેટ અને રાજકીય જગતની અનેક જાણીતી હસ્તીઓ ઉપસ્થિત રહે તેવી શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે, રિંકુ સિંહ અને પ્રિયા સરોજની સગાઈ 8 જૂન, 2025ના રોજ લખનઉમાં થઈ હતી. સગાઈના આશરે દોઢ વર્ષ બાદ બંને લગ્નગ્રંથિથી જોડાવા જઈ રહ્યાં છે. રિંકુ ભારતીય ક્રિકેટ ટીમના મર્યાદિત ઓવરના ફોર્મેટમાં મહત્વનું સ્થાન ધરાવે છે. જ્યારે પ્રિયા સરોજ સમાજવાદી પાર્ટીનાં સાંસદ તરીકે લોકસભામાં માછલીશહર બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે.
- Advertisement -
- Advertisement -