UAEમાં ગમખ્વાર માર્ગ અકસ્માતમાં 14નાં મોત, 4 ભારતીય નાગરિકોના કરુણ મોત; મૃતકોમાં ગુજરાતનો 13 વર્ષનો કિશોર અને કેરળના એક જ પરિવારના 3 સભ્યોનો સમાવેશ
સંયુક્ત આરબ અમીરાત (UAE)ના ફુજૈરાહમાં ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાતાં 14 લોકોનાં મોત થયા છે, જ્યારે 30 લોકો ઘાયલ થયા છે. આ દુર્ઘટનામાં ચાર ભારતીય નાગરિકોએ જીવ ગુમાવ્યા છે. મૃતકોમાં ગુજરાતનો 13 વર્ષનો કિશોર અને કેરળના એક જ પરિવારના ત્રણ સભ્યોનો સમાવેશ થાય છે. ગુરુવારે વહેલી સવારે ટ્રકો સહિત કુલ 23 વાહનો વચ્ચે થયેલી ટક્કરને પગલે આ ભયાનક અકસ્માત સર્જાયો હતો.
મૃતકોમાં UAEના 10 નાગરિકો
UAEના ગૃહ મંત્રાલયે શનિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી આપતાં જણાવ્યું હતું કે મૃતકોની ઓળખની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 14 મૃતકોમાં 10 UAEના અને ચાર ભારતીય નાગરિકો હોવાનું સામે આવ્યું છે. અકસ્માતમાં ઘાયલ થયેલા 30 લોકોમાં UAEના 8, જોર્ડનના 2, ભારતના 7, પાકિસ્તાનના 2, ઇજિપ્તના 3, ઓમાનના 6 અને બ્રાઝિલના 2 નાગરિકોનો સમાવેશ થાય છે.
પરિવાર સાથે UAE ફરવા ગયેલા ગુજરાતી કિશોરનું મોત
એક ન્યૂઝ’ના શનિવારે પ્રસિદ્ધ થયેલા અહેવાલ અનુસાર, અકસ્માતમાં જીવ ગુમાવનાર ગુજરાતના કિશોરની ઓળખ આતિફ મોહમ્મદ ઇમરાન મન્સૂરી તરીકે થઈ છે. તે પોતાના પરિવાર સાથે UAE ફરવા ગયો હતો. પરિવાર ભારત પરત ફરવા માટે ફુજૈરાહ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરફ જઈ રહ્યો હતો, ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. અકસ્માતમાં આતિફનાં માતા-પિતા અને મોટી બહેન પણ ઘાયલ થયાં છે. હાલમાં તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
કેરળના એક જ પરિવારના ત્રણ સભ્યોનાં મોત
અકસ્મતમાં જીવ ગુમાવનારા અન્ય ત્રણ ભારતીયો કેરળના મલપ્પુરમ જિલ્લાના વેંગારાના એક જ પરિવારના સભ્યો હતા. કેરળના મુખ્યમંત્રી વી.ડી. સતીશને મૃતકોની ઓળખ મોહમ્મદ અસમીલ, તેની જોડિયા બહેન મિસ્ના જુબિન અને તેમના ત્રણ વર્ષના ભત્રીજા મોહમ્મદ ફૈસ તરીકે કરી છે. એક જ પરિવારના ત્રણ સભ્યોનાં મોતથી કેરળમાં શોકની લાગણી ફેલાઈ છે.
દરમિયાન દુબઈમાં આવેલા ભારતીય વાણિજ્ય દૂતાવાસના એક અધિકારીએ ફુજૈરાહની હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેમણે અકસ્માતમાં ભોગ બનેલા લોકોના પરિવારજનો સાથે મુલાકાત કરી અને ઘાયલ ભારતીય નાગરિકોની સ્થિતિ અંગે માહિતી મેળવી હતી.
ભારતીય દૂતાવાસે વ્યક્ત કર્યો શોક
ભારતીય મિશને શુક્રવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને આ દુર્ઘટના અંગે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી હતી. પોસ્ટમાં જણાવાયું હતું કે દુબઈ અને ઉત્તરી અમીરાતમાં આવેલા ભારતીય વાણિજ્ય દૂતાવાસના અધિકારીએ ફુજૈરાહની હોસ્પિટલની મુલાકાત લઈને અકસ્માતના પીડિતોના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી અને અમૂલ્ય જીવ ગુમાવનારા લોકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
- Advertisement -
- Advertisement -