દક્ષિણ ભારતની નાઈટિંગેલ એસ. જાનકીનું નિધન: રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય
દક્ષિણ ભારતની નાઈટિંગેલ તરીકે ઓળખાતા દિગ્ગજ ગાયિકા એસ. જાનકીનું શનિવારે નિધન થયું.તેમના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઊંડી શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. સાથે જ, કર્ણાટકના મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે તેમના અંતિમ સંસ્કાર દરમિયાન તેમને સંપૂર્ણ રાજકીય સન્માન આપવાની જાહેરાત કરી છે. પરિવારના સભ્યોએ પણ ગાયિકાના નિધન પર શોક વ્યક્ત કર્યો. અને તેમની સાથેના આત્મીય સંબંધોને યાદ કર્યા છે.
પૌત્રી અપ્સરા વ્યદ્યુલાએ વ્યક્ત કર્યું દુઃખ
દિગ્ગજ ગાયિકા એસ. જાનકીની પૌત્રી અપ્સરા વ્યદ્યુલાએ પોતાની દાદીના અવસાન પર શોક વ્યક્ત કરતા કહ્યું, “આ સમગ્ર દેશ માટે દુઃખનો દિવસ છે. તેઓ અમારા માટે ઈશ્વરની અમૂલ્ય ભેટ હતા. હું અત્યંત નસીબદાર છું કે તેઓ મારા દાદી હતા.” હાલમાં ગાયિકાના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે મહારાજા ગ્રાઉન્ડ ખાતે રાખવામાં આવ્યો છે, જ્યાં મોટી સંખ્યામાં પ્રશંસકો તેમને સંગીતમય શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
પીએમ મોદીએ ટ્વિટર પર આપી શ્રદ્ધાંજલિ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘X’ (ટ્વિટર) પર લખ્યું, “પ્રખ્યાત ગાયિકા એસ. જાનકી અમ્માનું નિધન સંગીત અને સંસ્કૃતિની દુનિયા માટે મોટી ખોટ છે. વિવિધ ભાષાઓમાં ગવાયેલા તેમના ગીતો પેઢી દર પેઢી લોકપ્રિય રહ્યા છે. તેમણે પોતાની અવાજ દ્વારા દરેક લાગણીને જીવંત કરી હતી. તેમનો મધુર અવાજ આવનારા વર્ષો સુધી લોકોને મંત્રમુગ્ધ કરતો રહેશે. દુઃખની આ ઘડીમાં તેમના પરિવાર અને અસંખ્ય પ્રશંસકો પ્રત્યે મારી સંવેદનાઓ. ઓમ શાંતિ.”
મુખ્યમંત્રીએ કરી રાજકીય સન્માનની જાહેરાત
કર્ણાટકના મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે જણાવ્યું કે, રાજ્ય સરકાર મૈસુરમાં તેમના અંતિમ સંસ્કાર દરમિયાન સંપૂર્ણ રાજકીય સન્માન આપશે. તેમણે કહ્યું, “એસ. જાનકી ભારતના સૌથી લોકપ્રિય ગાયિકાઓમાંના એક હતા, જેમણે વિવિધ ભાષાઓમાં ૪૦,૦૦૦થી વધુ ગીતો રેકોર્ડ કર્યા હતા. તેમનું પહેલું અને છેલ્લું ગીત મૈસુરમાં જ રેકોર્ડ થયું હતું. તેઓ મૈસુરને ખૂબ પ્રેમ કરતા હતા અને ત્યાં જ તેમના અંતિમ દિવસો વિતાવવા માંગતા હતા. તેમની ઈચ્છા મુજબ પરિવારજનોએ મૈસુરમાં જ અંતિમ સંસ્કારનો નિર્ણય લીધો છે.”
મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું કે, તેમને ભારતના રાષ્ટ્રપતિ તરફથી ચાર રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો અને દેશભરમાંથી ૩૩ મોટા સન્માન મળ્યા હતા. તેમની વિરાસતને સુરક્ષિત રાખવા માટે સરકાર ફિલ્મ જગતના સાથીઓ સાથે ચર્ચા કરશે જેથી આવનારી પેઢી તેમને યાદ રાખી શકે.
૨૦ ભાષાઓમાં રેકોર્ડ કર્યા હતા ૪૮,૦૦૦થી વધુ ગીતો
દક્ષિણ ભારતની નાઈટિંગેલ અને ‘જાનકી અમ્મા’ તરીકે જાણીતા એસ. જાનકીએ ૨૦ વર્ષની ઉંમરે સંગીત કારકિર્દીની શરૂઆત કરી હતી. છ દાયકા લાંબી સફરમાં તેમણે તેલુગુ, તમિલ, કન્નડ, મલયાલમ અને હિન્દી સહિત લગભગ ૨૦ ભાષાઓમાં ૪૮,૦૦૦થી વધુ ગીતો ગાઈને સંગીત પ્રેમીઓના દિલ જીત્યા હતા.
- Advertisement -
- Advertisement -