28.9 C
Ahmedabad
Tuesday, July 14, 2026

‘દ ઓડિસી’ના નિર્માતા એમા થોમસનું નિવેદન: “ભારત સિનેમા પ્રેમી દેશ, હોલીવુડ માટે અહીં છે મોટી સંભાવનાઓ”


‘દ ઓડિસી’ (The Odyssey) ફિલ્મના નિર્માતા એમા થોમસને એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પૂછવામાં આવ્યું હતું કે, શું ભારત વૈશ્વિક સિનેમાના બોક્સ ઓફિસનું સૌથી મોટું બજાર બની શકે છે? આ પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું, “હા, ભારત સ્પષ્ટપણે એવું બજાર છે જેને સિનેમા પ્રત્યે ખૂબ પ્રેમ છે. અહીં બોલીવુડની સાથે સાથે ભારતીય સિનેમાની સમૃદ્ધ પરંપરા છે. મને આનંદ છે કે હોલીવુડ પણ હવે તેની ફિલ્મોને અહીં લાવવાની સંભાવનાઓ જોઈ રહ્યું છે.”

“ફિલ્મોને ભારત સુધી લાવવી અમારા માટે ગર્વની વાત”

એમા થોમસે વધુમાં ઉમેર્યું, “હોલીવુડમાં લાંબા સમયથી એવી ચર્ચા ચાલી રહી છે કે, લોકો હવે સિનેમાઘરોમાં જવાનું ઓછું કરી રહ્યા છે. પરંતુ મને લાગે છે કે ભારત આપણને બતાવી રહ્યું છે કે સિનેમાનું અસલી ભવિષ્ય થિયેટરોમાં જ છે. અમને ખુશી છે કે, હોલીવુડની ફિલ્મો ભારતમાં સારું પ્રદર્શન કરી રહી છે. અમે એવી ફિલ્મો બનાવવાનું પસંદ કરીએ છીએ જે વિશ્વભરના લોકો સાથે જોડાઈ શકે, તેથી અમારી ફિલ્મોને ભારત સુધી લાવવી એ અમારા માટે મોટા સન્માનની વાત છે.”

ક્યારે રિલીઝ થશે ‘દ ઓડિસી’?

તમને જણાવી દઈએ કે ‘દ ઓડિસી’ હોમરના પ્રખ્યાત મહાકાવ્ય પર આધારિત ફિલ્મ છે. આ ફિલ્મનું નિર્દેશન ક્રિસ્ટોફર નૉલન દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મમાં મેટ ડેમન, ટૉમ હોલેન્ડ, એન હેથવે, ઝેન્ડાયા, લુપિતા ન્યોંગો, રોબર્ટ પેટિનસન અને ચાર્લીઝ થેરોન જેવા દિગ્ગજ કલાકારો મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મને સંપૂર્ણપણે IMAX કેમેરા પર શૂટ કરવામાં આવી છે અને તે 17 જુલાઈ 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

હોમરના પ્રખ્યાત મહાકાવ્યો: ‘ઇલિયડ’ અને ‘ઓડિસી’

હોમર દ્વારા રચિત બે મહાન મહાકાવ્યો ‘ઇલિયડ’ અને ‘ઓડિસી’ ગ્રીક સાહિત્યના પાયાના પથ્થર માનવામાં આવે છે. આ બંને કૃતિઓ પાશ્ચાત્ય સાહિત્યમાં અત્યંત મહત્વનું સ્થાન ધરાવે છે અને સદીઓથી વિશ્વભરના લેખકો તથા ફિલ્મ નિર્માતાઓને પ્રેરણા આપતી રહી છે.

૧. ઇલિયડ (The Iliad) આ મહાકાવ્ય મુખ્યત્વે ‘ટ્રોજન યુદ્ધ’ની કથા પર આધારિત છે. આ વાર્તા યુદ્ધના દસમા વર્ષના અંતિમ તબક્કાની છે, જે મહાન ગ્રીક યોદ્ધા ‘એકિલીસ’ના ક્રોધ અને તેના પરિણામો પર કેન્દ્રિત છે. ગ્રીક રાજા એગમેમનોન અને એકિલીસ વચ્ચેના વિવાદને કારણે યુદ્ધનું સ્વરૂપ કેવી રીતે બદલાય છે અને ટ્રોય શહેરના ભાવિ પર તેની શું અસર પડે છે. તેનું વર્ણન આ કાવ્યમાં કરવામાં આવ્યું છે.

૨. ઓડિસી (The Odyssey) ‘ઓડિસી’ એ ઇથાકાના રાજા ‘ઓડિસિયસ’ની ટ્રોજન યુદ્ધ પછીની લાંબી અને સંઘર્ષપૂર્ણ ઘરવાપસીની ગાથા છે. તેમને ઘરે પહોંચવામાં દસ વર્ષ જેટલો લાંબો સમય લાગે છે. જે દરમિયાન તેઓ સમુદ્રના દેવ પોસાઇડનનો કોપ, સાયક્લોપ્સ જેવા રાક્ષસો અને જાદુઈ સ્ત્રીઓ સહિતની અનેક વિકટ પરિસ્થિતિઓનો સામનો કરે છે. બીજી તરફ, તેમની ગેરહાજરીમાં તેમનો પરિવાર અને પત્ની પેનેલોપ દુશ્મનોથી ઘેરાયેલા હોય છે. ઓડિસિયસ કેવી રીતે આ મુસીબતો પાર કરી ઘરે પહોંચે છે અને પોતાના પરિવારને બચાવે છે. તે આ મહાકાવ્યનો મુખ્ય વિષય છે.

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -