ગાંધીનગર સ્થિત ગુજરાત લોકભવન ખાતે આયોજિત ભવ્ય શ્રીરામકથાના છઠ્ઠા દિવસે સુપ્રસિદ્ધ કથાવાચક આચાર્ય શ્રી કુલદીપજી મહારાજે રામાયણના અત્યંત કરુણ અને હૃદયસ્પર્શી પ્રસંગોનું જીવંત વર્ણન કર્યું હતું. કથા દરમિયાન ભગવાન શ્રીરામનું વનપ્રસ્થાન, રાજા દશરથનો દેહવિલય અને રામ-ભરતના અદ્ભુત ભ્રાતૃપ્રેમના પ્રસંગોએ ઉપસ્થિત શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા.
કર્મના સિદ્ધાંત અને રાજા દશરથનો દેહત્યાગ
કથાના છઠ્ઠા દિવસે આચાર્યશ્રીએ જણાવ્યું હતું કે, ભગવાન શ્રીરામનો વનવાસ એ માત્ર સંજોગ નથી. પરંતુ તે ‘કર્મ ફળના સિદ્ધાંત’નું પ્રત્યક્ષ પરિણામ છે. રાજા દશરથે રાત્રિના સમયે માતા કૌશલ્યા સમક્ષ શ્રવણના માતા-પિતા દ્વારા અપાયેલા શ્રાપને યાદ કરતા સ્વીકાર્યું હતું કે, મનુષ્યે પોતાના કર્મોનું ફળ ભોગવવું જ પડે છે.
આ સંદર્ભમાં આચાર્યશ્રીએ મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના વિચારોને ટાંકીને કર્મના અટલ સિદ્ધાંતની ઊંડી સમજૂતી આપી હતી. ‘હાય રામ, હાય રામ’ના આર્તસ્વર સાથે રાજા દશરથના દેહત્યાગના કરુણ પ્રસંગે સમગ્ર શ્રોતાગણ ભાવવિભોર થઈ ગયો હતો.
ત્યાગ અને સમર્પણ: રામ-ભરતનો અજોડ ભ્રાતૃપ્રેમ
ભરતજીના આદર્શ પાત્ર પર પ્રકાશ પાડતા આચાર્યશ્રીએ જણાવ્યું કે, “ત્યાગ અને સમર્પણ હંમેશા બંને પક્ષે હોવા જોઈએ.” જ્યારે ભરતજીને સત્યની જાણ થઈ, ત્યારે તેમણે માતા કૈકેયીને કઠોર શબ્દોમાં ઠપકો આપ્યો અને અયોધ્યાની રાજસત્તાનો ત્યાગ કરી શ્રીરામને પરત લાવવા વન તરફ પ્રયાણ કર્યું. ભાઈઓ વચ્ચેના આ દિવ્ય પ્રેમને આચાર્યશ્રીએ એક અત્યંત સુંદર પંક્તિ દ્વારા રજૂ કર્યો હતો:
“રાજગાદી કી ગેંદ બનાકર ખેલન લગે ખિલાડી,
ઉધર રામ ને ઇધર ભરત ને દોનો ને ઠોકર મારી.”
જ્યારે ભરતજી શ્રીરામને પરત લાવવામાં સફળ ન થયા, ત્યારે તેમણે પ્રભુની ચરણ પાદુકાને મસ્તક પર ધારણ કરી અયોધ્યા પરત ફરવાનો નિર્ણય લીધો. તેમણે પ્રતિજ્ઞા કરી કે, જો ૧૪ વર્ષ પૂર્ણ થતાં જ શ્રી રઘુવીર અયોધ્યા નહીં ફરે, તો તેઓ અગ્નિસમાધિ લેશે. આ અજોડ વચનબદ્ધતા અને ભ્રાતૃપ્રેમ જોઈ નગરજનોની આંખો ભીની થઈ ગઈ હતી.
સમાજ માટે કથાનો સંદેશ
આચાર્યશ્રીએ અંતમાં ગહન સંદેશ આપતાં કહ્યું કે, રામાયણ એ માત્ર એક ધાર્મિક પુસ્તક નથી. પરંતુ સુખી જીવન જીવવાની જીવંત માર્ગદર્શિકા છે. જો આજના સમયમાં લોકોમાં રામ અને ભરત જેવા ત્યાગ અને સમર્પણની ભાવના કેળવાય, તો પરિવાર અને સમાજમાંથી ક્લેશ સદા માટે નષ્ટ થઈ જાય.
મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિ
આજના કથા સત્રનો પ્રારંભ મંગલ દીપ પ્રાગટય અને આચાર્ય શ્રી કુલદીપજી મહારાજના ભાવભર્યા ફૂલહાર સન્માન સાથે થયો હતો. આ પ્રસંગે રાજ્યના અનેક અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા:
-
શ્રી આચાર્ય દેવવ્રતજી – માનનીય રાજ્યપાલ, ગુજરાત
-
શ્રી પરષોત્તમભાઈ રૂપાલા – માનનીય લોકસભા સાંસદ
-
પદ્મશ્રી ડૉ. જે.એમ. વ્યાસ – કુલપતિ, નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી (NFSU)
-
પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા – અગ્રણી ઉદ્યોગપતિ
-
શ્રી રામ સિંહ કુલહરી – સુપ્રસિદ્ધ સામાજિક કાર્યકર્તા

