આજે ૨૬મી જૂન એટલે ‘આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસ’. દેશની સૌથી લાંબી દરિયાઈ સીમા ધરાવતા ગુજરાતને ડ્રગ્સનું એપીસેન્ટર બનાવવામાં નિષ્ફળ ગયેલા ડ્રગ માફિયાઓ આજે ગુજરાતના માર્ગેથી અન્ય રાજ્યમાં માલ લઈ જતા પણ ધ્રુજી રહ્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાત પોલીસે નાર્કોટિક્સ માફિયાઓ પર સકંજો કસીને રૂ. ૧૩,૬૦૦ કરોડથી વધુની કિંમતનો નશાનો કારોબાર ઝડપી પાડી આંતરરાષ્ટ્રીય સ્મગલિંગ નેટવર્કની કમર તોડી નાખી છે. રાજ્યને ‘ડ્રગ ફ્રી સ્ટેટ’ બનાવવાના સંકલ્પ સાથે પોલીસ અને સુરક્ષા એજન્સીઓ નશાના કાળા કારોબાર પર સતત પ્રહાર કરી રહી છે.
રાજ્યના પોલીસ વડા શ્રી જી. એસ. મલિકે આ અંગે વિગતો આપતા સ્પષ્ટ કર્યું છે કે ડ્રગ્સ માફિયાઓ સામે રાજ્ય સરકારે અપનાવેલી ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ માત્ર કાગળ પૂરતી સીમિત રહી નથી, પરંતુ ધરાતલ પર તેનો કડક અમલ થયો છે. છેલ્લા પાંચ વર્ષમાં ડ્રગ્સની હેરાફેરી અને વેપાર વિરુદ્ધ ઐતિહાસિક કાર્યવાહી કરતા ૩,૭૦૦થી વધુ ગુના નોંધવામાં આવ્યા છે. આ સાથે જ નશાના કાળા કારોબાર સાથે સંકળાયેલા ૫,૩૪૬ આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવાયા છે. પોલીસે આશરે ૧.૩૬ લાખ કિલોગ્રામ ડ્રગ્સનો જથ્થો જપ્ત કરી માત્ર ગુજરાત જ નહીં, પરંતુ અન્ય રાજ્યોના યુવાધનને પણ બરબાદ થતું અટકાવ્યું છે.
આ અભૂતપૂર્વ સફળતા પાછળ રાજ્ય સરકારની પ્રોત્સાહક નીતિઓનો સિંહફાળો રહ્યો છે. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના નેતૃત્વ હેઠળ ગુજરાત દેશનું પ્રથમ એવું રાજ્ય બન્યું છે જેણે ડ્રગ નેટવર્કનો પર્દાફાશ કરનારા પોલીસ અધિકારીઓ અને બાતમીદારો માટે સત્તાવાર ‘ડ્રગ રિવોર્ડ પોલિસી’ અમલી બનાવી છે. પોતાના જીવના જોખમે આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટનો પર્દાફાશ કરનારા પોલીસ કર્મીઓને પરંપરાગત મર્યાદાઓથી ઉપર ઉઠીને ‘આઉટ-ઓફ-ટર્ન પ્રમોશન’ આપવાના ઐતિહાસિક નિર્ણયથી પોલીસ બેડાના જુસ્સામાં જબરદસ્ત વધારો નોંધાયો છે.
આધુનિક યુગના હાઇટેક માફિયાઓને મહાત આપવા ગુજરાતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત દેશના પ્રથમ ‘NARIT’ સોફ્ટવેરને મેદાનમાં ઉતાર્યું છે. ગુનેગારોની પ્રોફાઇલિંગ, ડાર્ક વેબના તાર અને આંતરરાષ્ટ્રીય કનેક્શન હવે સેકન્ડોમાં સ્કેન થાય છે. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય સપ્લાય ચેઈન તોડવા માટે ખાસ એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF)ની રચના કરવામાં આવી છે. હવે માત્ર ATS કે SOG જ નહીં, પરંતુ સ્થાનિક પોલીસ સ્ટેશનોને પણ નાર્કોટિક્સના કેસની તપાસ માટે સંપૂર્ણ સત્તા આપવામાં આવી છે, જે ‘ટોપ ટૂ બોટમ’ એપ્રોચનું ઉત્તમ ઉદાહરણ છે. વર્ષ ૨૦૨૦ના ૩૧૫ કેસની સરખામણીએ ચાલુ વર્ષે માત્ર પાંચ મહિનામાં ૫૮૪ કેસ નોંધાયા છે, જે ડ્રગ્સનો વ્યાપ નહીં, પરંતુ પોલીસની આક્રમક સર્વેલન્સ ક્ષમતા દર્શાવે છે.
“આ લડાઈ માત્ર ગુનેગારોને પકડવા પૂરતી સીમિત નથી, પરંતુ નશાના દલદલમાં ધકેલાઈ ગયેલા રાજ્યના યુવાધનને સુરક્ષિત બહાર કાઢવાની પણ છે.” – નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી

