વૈશ્વિક તેલ બજાર માટે મોટી રાહત: હોર્મુઝ જળમાર્ગ ખૂલતા ઘટશે મોંઘવારી, ટ્રમ્પ-ઈરાન સમજૂતીથી ક્રૂડના ભાવમાં કડાકો

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની એક મહત્વપૂર્ણ ઘોષણાએ વૈશ્વિક ઊર્જા બજાર અને ભારત જેવા તેલ આયાતકાર દેશો માટે મોટી રાહતની લહેર દોડાવી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા લાંબા સમયના તણાવનો અંત લાવતા, બંને દેશો વચ્ચે એક ઐતિહાસિક સમજૂતી થઈ છે. જેના ભાગરૂપે વિશ્વના સૌથી વ્યસ્ત અને મહત્વપૂર્ણ તેલ પરિવહન માર્ગ ‘હોર્મુઝ જળમાર્ગ’ (Strait of Hormuz) ને ફરીથી સંપૂર્ણ રીતે ખોલી દેવાનો અને વેપારિક અવરજવર સામાન્ય કરવાનો નિર્ણય લેવાયો છે. સ્વિટ્ઝર્લૅન્ડમાં સહી થનારા આ કરારને વૈશ્વિક અર્થતંત્ર માટે ગેમ-ચેન્જર માનવામાં આવી રહ્યો છે.
આ નિર્ણયની સીધી અસર આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવ પર જોવા મળી છે. એક સમયે યુદ્ધ અને સપ્લાય ચેઈનમાં વિક્ષેપને કારણે જે ક્રૂડ ઓઈલના ભાવ પ્રતિ બેરલ 119 ડોલરની ઊંચી સપાટી સુધી પહોંચી ગયા હતા. તેમાં મોટો ઘટાડો નોંધાયો છે. હાલમાં બ્રેન્ટ ક્રૂડનો ભાવ લગભગ 4 ટકાના ઘટાડા સાથે 84 ડોલર પ્રતિ બેરલની આસપાસ આવી ગયો છે. જે આવનારા સમયમાં ઈંધણ આધારિત મોંઘવારી પર લગામ લગાવવા માટે મહત્વનું પગલું સાબિત થશે.
ભારત માટે આ વિકાસ અત્યંત મહત્વપૂર્ણ છે. ભારત પોતાની કુલ ઊર્જા જરૂરિયાતોનો મોટો હિસ્સો આયાત પર નિર્ભર હોવાથી, ખાડી દેશોમાંથી આવતા કાચા તેલ માટે હોર્મુઝ જળમાર્ગ એક જીવાદોરી સમાન છે. આ માર્ગ ફરીથી ધમધમતો થવાથી શિપિંગ ખર્ચમાં ધરખમ ઘટાડો થશે અને સપ્લાય અંગેની અનિશ્ચિતતા દૂર થશે. નિષ્ણાતો માને છે કે, આનાથી લાંબા ગાળે દેશમાં ઈંધણના ભાવમાં સ્થિરતા આવી શકે છે.
જોકે, સ્થાનિક સ્તરે રાહતનો અહેસાસ થવામાં હજુ થોડો સમય લાગી શકે છે. અગાઉ, તેલના ભાવમાં થયેલા અસાધારણ ઉછાળાને પગલે પેટ્રોલ-ડીઝલના ઉત્પાદન ખર્ચમાં વધારો થતાં સરકાર દ્વારા પ્રતિ લિટર 7.50 રૂપિયા સુધીનો વધારો ઝીંકવામાં આવ્યો હતો. આ ઉપરાંત, સીએનજીમાં કિલો દીઠ 6 રૂપિયા અને ઘરગથ્થુ એલપીજી સિલિન્ડર પર 89 રૂપિયાનો બોજ નાગરિકો પર પડ્યો હતો. ઉદ્યોગ જગતના સૂત્રોના મતે, સરકારી તેલ માર્કેટિંગ કંપનીઓ હજુ પણ ગ્રાહકોને રાહત દરે ઈંધણ વેચવાના કારણે દરરોજ અંદાજે 650 કરોડ રૂપિયાનું નુકસાન સહન કરી રહી છે. ત્યારે આંતરરાષ્ટ્રીય ભાવમાં થયેલો આ ઘટાડો કંપનીઓની નાણાકીય સ્થિતિ સુધારવામાં પણ મદદરૂપ થશે.
- Advertisement -
- Advertisement -