38.6 C
Ahmedabad
Monday, June 15, 2026

ગાંધીનગરના ધણપમાં ખૂની ખેલ: MPથી ભાગેલા પ્રેમીએ હોટલમાં પ્રેમિકાનું ગળું કાપી પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો


મધ્યપ્રદેશથી ભાગીને ગુજરાત આવેલા એક પ્રેમી પંખીડાનો ગાંધીનગર નજીક અત્યંત કરુણ અને લોહીયાળ અંત આવ્યો છે. ચિલોડા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ધણપ ગામના હાઇવે પરની હોટલ ‘રોયલ ફોર્ટ’માં મોડી રાત્રે પ્રેમીએ હોટલના રૂમમાં જ પોતાની પ્રેમિકાનું ચપ્પા વડે નિર્મમતાથી ગળું કાપી હત્યા કરી નાખી હતી. પ્રેમિકાની હત્યા કર્યા બાદ પ્રેમીએ પોતે પણ તે જ ચપ્પાથી પોતાનું ગળું કાપી આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.

પોલીસના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, મધ્યપ્રદેશના વતની એવા આ પ્રેમી પંખીડા થોડા દિવસો પહેલાં પોતાના ઘરેથી ભાગીને ગુજરાતના રાજકોટ તરફ નાસી આવ્યા હતા. આ મામલે મધ્યપ્રદેશમાં પ્રેમિકાના પરિવારજનોએ ગુમસુદગી અને અપહરણની ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે મધ્યપ્રદેશ પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી બંનેનું લોકેશન રાજકોટ શોધી કાઢ્યું હતું. દીકરીને પરત મેળવવા માટે મધ્યપ્રદેશ પોલીસના બે જમાદારો અને પ્રેમિકાના પરિવારના બે સગા ભાઈઓ તાત્કાલિક રાજકોટ પહોંચ્યા હતા. તેઓ રાજકોટથી પ્રેમી પંખીડાનો કબ્જો મેળવીને ખાનગી વાહન દ્વારા વાયા ગાંધીનગર થઈ મધ્યપ્રદેશ જવા રવાના થયા હતા.

રાજકોટથી લાંબી મુસાફરી અને સતત ડ્રાઇવિંગના કારણે પોલીસ કર્મચારીઓ અને પરિવારના સભ્યો ભારે થાકી ગયા હોવાથી, તેમણે રાત્રિ રોકાણ માટે ચિલોડા-હિંમતનગર હાઇવે પર ધણપ ગામ નજીક આવેલી હોટલ રોયલ ફોર્ટમાં એક રૂમ રાખ્યો હતો. તકેદારીના ભાગરૂપે હોટલના એક જ રૂમમાં બંને પોલીસ કર્મચારીઓ, પ્રેમિકાના સગાઓ અને આ પ્રેમી પંખીડા સાથે સુતા હતા, તેમજ બંનેને રૂમમાં અલગ-અલગ જગ્યાએ સુવડાવવામાં આવ્યા હતા. જોકે, લાંબી સફરના કારણે મોડી રાત્રે પોલીસ જવાનો અને સગાઓ ગાઢ નિદ્રામાં સરી પડ્યા હતા. આ જ સમયનો ફાયદો ઉઠાવીને પ્રેમી અને પ્રેમિકા એકબીજાની નજીક આવ્યા હતા અને અગમ્ય કારણોસર પ્રેમીએ ઠંડા કલેજે પ્રેમિકાને પોતાના ખોળામાં સુવડાવી તેનું ગળું રેંસી નાખ્યું હતું. ત્યારબાદ તેણે પોતાના ગળા પર પણ ચપ્પાના ઘા ઝીંકી દીધા હતા.

રાત્રે આશરે બે વાગ્યાની આસપાસ રૂમમાં કંઈક અજુગતો અવાજ આવતાં એક પોલીસ કર્મચારી અચાનક જાગી ગયો હતો અને રૂમનો લોહીલુહાણ નજારો જોઈને તેના હોશ ઊડી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ચિલોડા પોલીસનો કાફલો તાત્કાલિક હોટલ પર દોડી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી લોહીલુહાણ હાલતમાં પ્રેમિકાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો, જ્યારે ગંભીર હાલતમાં તરફડિયાં મારી રહેલા પ્રેમીને તાત્કાલિક સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યાં તેની સ્થિતિ અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક પ્રેમિકાની ઓળખ 21 વર્ષીય રજની બ્રજલાલ ધાકડ તરીકે અને ખૂની ખેલ ખેલનાર 24 વર્ષીય પ્રેમીની ઓળખ સંતોષ ઉધમ જાટવ તરીકે થઈ છે. ચિલોડા પોલીસે આ મામલે ગુનો નોંધીને હોટલ સ્ટાફ અને મધ્યપ્રદેશ પોલીસની હાજરીમાં આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -