38.6 C
Ahmedabad
Monday, June 15, 2026

“પલંગવશ આધેડ પગભર થયા: અમીરગઢના બાબુભાઈને ‘સર્વાઇકલ માયલોપથી’ની ગંભીર બીમારીમાંથી મુક્તિ અપાવતી બનાસ સિવિલની ટીમ”


બનાસકાંઠા જિલ્લાની આરોગ્ય સેવાઓ માટે ગૌરવરૂપ કિસ્સો પાલનપુર સ્થિત બનાસ જનરલ સિવિલ હોસ્પિટલમાંથી સામે આવ્યો છે. ગરદનના ભાગે કરોડરજ્જુ પર અસહ્ય દબાણના કારણે પથારીવશ થઈ ગયેલા એક 50 વર્ષીય આધેડ દર્દીનું સિવિલના તબીબોએ આધુનિક ટેકનોલોજીની મદદથી અત્યંત જટિલ અને સફળ ઓપરેશન પાર પાડ્યું છે. ખાનગી હોસ્પિટલોના મોંઘા ખર્ચ સામે બનાસ સિવિલ હોસ્પિટલે ગરીબ પરિવારના દર્દીને વિનામૂલ્યે શ્રેષ્ઠ સારવાર આપીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

મળતી વિગતો અનુસાર, અમીરગઢ તાલુકાના અરણીવાડા ગામના વતની 50 વર્ષીય બાબુભાઈ છેલ્લા એક વર્ષથી ચાલવામાં, ઊઠવા-બેસવામાં તેમજ દૈનિક કામગીરી કરવામાં ભારે અસમર્થતા અનુભવી રહ્યા હતા. તેમના હાથ અને પગમાં સતત અસહ્ય ઝણઝણાટી અને દુખાવાના કારણે તેમનું જીવવું મુશ્કેલ બની ગયું હતું. આ બીમારી માટે પરિવારે અનેક ખાનગી હોસ્પિટલોના ઉંબરા ઘસ્યા અને મોંઘી દવાઓ લીધી હોવા છતાં કોઈ જ રાહત મળી નહોતી. અંતે હારીને પરિવારજનો દર્દીને બનાસ જનરલ સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા, જ્યાં ઓર્થોપેડિક વિભાગના સ્પાઇન સર્જન દ્વારા દર્દીની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. તબીબોએ જરૂરી MRI, CT સ્કેન, એક્સ-રે અને બ્લડ રિપોર્ટ કરાવ્યા બાદ દર્દીને ‘સર્વાઇકલ માયલોપથી’ (Cervical Myelopathy) નામની ગંભીર બીમારી હોવાનું સચોટ નિદાન કર્યું હતું.

તબીબોના જણાવ્યા અનુસાર, આ ગંભીર બીમારીમાં ગરદનના ભાગે કરોડરજ્જુ (Spinal Cord) પર નસોનું ભારે દબાણ આવી જાય છે. જેના કારણે હાથ-પગની શક્તિ ક્ષીણ થઈ જાય છે. દર્દી બાબુભાઈની સ્થિતિ એટલી નાજુક હતી કે તેઓ કોઈના ટેકા વગર ઊભા પણ રહી શકતા નહોતા. આ પડકારજનક સ્થિતિને ધ્યાનમાં રાખીને સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. સુનિલભાઈ જોશીના સીધા માર્ગદર્શન હેઠળ સ્પાઇન સર્જન ડૉ. ધવલ, ડૉ. નવેન્દુ અને ડૉ. નરેશની વિશેષ ટીમે ઓપરેશનનો નિર્ણય લીધો હતો. આ જટિલ સર્જરીમાં ઉત્તર ગુજરાતમાં પ્રથમ વખત કહી શકાય તેવી અદ્યતન ‘અલ્ટ્રાસોનિક બોન સ્કેલ્પેલ’ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ આધુનિક ટેકનોલોજીની ખાસિયત એ છે કે તેનાથી કરોડરજ્જુ અને આસપાસની અત્યંત નાજુક નસોને સહેજ પણ નુકસાન પહોંચાડ્યા વિના માત્ર નડતરરૂપ હાડકાને જ ચોકસાઈપૂર્વક કાપી શકાય છે. જેથી સર્જરી સંપૂર્ણ સુરક્ષિત બને છે.

એનેસ્થેસિયા વિભાગના ડૉ.રિદ્ધિ, ડૉ.શ્રેયા અને ડૉ.કૌશલ્યાની ટીમની કુશળતા અને સર્જન્સની એક કલાકની ભારે જહેમતના અંતે આ ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું. તબીબોની આ કમાલનો ચમત્કાર સર્જરીના બીજા જ દિવસે જોવા મળ્યો હતો. જ્યારે દર્દી બાબુભાઈ કોઈ પણ જાતના ટેકા વિના હોસ્પિટલના વોર્ડમાં સામાન્ય રીતે ચાલતા થઈ ગયા હતા. માત્ર બે જ દિવસમાં તેમના હાથ-પગની વર્ષો જૂની નબળાઈ અને ઝણઝણાટી ગાયબ થઈ ગઈ હતી. બનાસ સિવિલમાં યોગ્ય નિદાન, અનુભવી તબીબોની ટીમ અને અત્યંત આધુનિક ટેકનોલોજીના સમન્વયથી પોતાનો સ્વજન પુનઃ ચાલતો થતાં પરિવારજનોની આંખો ખુશીથી છલકાઈ ગઈ હતી. દસ દિવસની લાંબી અને સફળ સારવાર બાદ ઓપરેશનના પાંચમા દિવસે દર્દી સંપૂર્ણ સ્વસ્થ થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. વિદાય વેળાએ ભાવુક થયેલા પરિવારે સિવિલના તમામ તબીબો અને નર્સિંગ સ્ટાફનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -