રાહુલ ગાંધીને પૂછાયું – હવે ગર્લફ્રેન્ડ ક્યાં છે? સ્મિત સાથે આપ્યો જવાબ, કહ્યું – હવે મિત્ર છે
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સોમવારે પોતાના અંગત જીવન સાથે જોડાયેલો એક રસપ્રદ પ્રસંગ જાહેર કર્યો હતો. કોંગ્રેસ સંસદીય પક્ષનાં અધ્યક્ષ સોનિયા ગાંધીના સંસ્મરણો પર આધારિત પુસ્તક ‘બિલોન્ગિંગ : અ જર્ની ઓફ લવ’ના વિમોચન કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ પોતાની ગર્લફ્રેન્ડનો ઉલ્લેખ કર્યો હતો. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ એક વ્યક્તિએ તેમને પૂછ્યું કે તેમની ગર્લફ્રેન્ડ હવે ક્યાં છે? ત્યારે રાહુલ ગાંધીએ સ્મિત સાથે જવાબ આપ્યો હતો કે, ‘હવે તે મારી મિત્ર છે.’
માતા-પિતાની પહેલી મુલાકાતનો કિસ્સો સંભળાવ્યો
કાર્યક્રમ દરમિયાન રાહુલ ગાંધીએ પોતાના માતા-પિતા રાજીવ ગાંધી અને સોનિયા ગાંધીની પહેલી મુલાકાત સાથે જોડાયેલો રસપ્રદ પ્રસંગ પણ શેર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે પરિવારમાં એવી વાતો થતી રહી છે કે બંનેની પહેલી મુલાકાત બ્રિટનના કેમ્બ્રિજમાં આવેલા ‘વર્સિટી રેસ્ટોરન્ટ’માં થઈ હતી. રાહુલે વધુમાં જણાવ્યું હતું કે ઘણા વર્ષો બાદ તેઓ પણ પોતાની ગર્લફ્રેન્ડ સાથે આ જ રેસ્ટોરન્ટમાં ગયા હતા.
કાર્યક્રમ પૂર્ણ થયા બાદ બહાર નીકળતી વખતે એક વ્યક્તિએ તેમને ગર્લફ્રેન્ડ વિશે સવાલ કર્યો હતો. જેના જવાબમાં રાહુલે હળવા અંદાજમાં કહ્યું હતું કે, ‘હવે તે મારી મિત્ર છે.’
પરિવારના મુશ્કેલ સમયને યાદ કરી ભાવુક થયા રાહુલ
કાર્યક્રમ દરમિયાન રાહુલ ગાંધી પરિવારના મુશ્કેલ સમયને યાદ કરતાં ભાવુક પણ થયા હતા. તેમણે કહ્યું હતું કે પરિવારે પહેલાં પોતાના મુખ્ય આધાર ઇન્દિરા ગાંધીને ગોળી વાગતી જોઈ અને ત્યારબાદ પોતાના સૌથી મોટા સહારા રાજીવ ગાંધીને ગુમાવ્યા હતા.
રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે તેમની માતા સોનિયા ગાંધીની યાદશક્તિ ખૂબ જ તેજ છે અને તેઓ ક્યારેય કંઈ ભૂલતાં નથી. જોકે, રાજીવ ગાંધીના મૃત્યુ સાથે જોડાયેલી ઘટનાઓ વિશે પૂછવામાં આવે ત્યારે તેમને કંઈ યાદ રહેતું નથી.
તેમણે કહ્યું હતું કે આ પુસ્તક સોનિયા ગાંધી અને તેમની પુત્રી પ્રિયંકા ગાંધીએ સાથે મળીને તૈયાર કર્યું છે. રાજીવ ગાંધીના નિધન બાદ સોનિયા ગાંધીના જીવનમાં મોટો બદલાવ આવ્યો હતો. અગાઉ હંમેશાં હસતાં અને ખુશમિજાજ રહેતાં તેમનાં વ્યક્તિત્વમાં ત્યારબાદ એક નવો બદલાવ જોવા મળ્યો હતો.
સોનિયા ગાંધીએ પુસ્તક લખવાનું કારણ જણાવ્યું
આ પ્રસંગે સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે તેમના પરિવાર અને અંગત જીવન વિશે લાંબા સમયથી અનેક પ્રકારની વાતો કરવામાં આવી છે, જેમાંથી મોટાભાગની વાતો સત્યથી વેગળી છે. તેમના સાસુ, પતિ, પુત્ર અને પુત્રી વિશે પણ અનેક એવી વાતો ફેલાવવામાં આવી છે, જેને વાસ્તવિકતા સાથે કોઈ સંબંધ નથી.
તેમણે કહ્યું હતું કે રાજકારણમાં તેમના સાથીઓ અને મિત્રોએ પણ આવા અનુભવો કર્યા હશે. લોકો વિશે મનઘડંત વાતો બનાવવામાં આવે છે અને ખોટી માહિતી ફેલાવવામાં આવે છે. આથી તેમણે પોતાના પરિવાર વિશેની લાગણીઓ અને અનુભવો લોકો સમક્ષ મૂકવા માટે સંસ્મરણો લખવાનું નક્કી કર્યું હતું. તેમને આશા છે કે લોકો તેમની વાત સાંભળવા અને સમજવા માટે તૈયાર થશે.
- Advertisement -
- Advertisement -