18 C
Ahmedabad
Saturday, November 21, 2026

‘કોકરોચ જનતા પાર્ટી’નો દેશભરમાં વિસ્તાર, 10 રાજ્યોમાં સંગઠનાત્મક સમિતિઓની રચના


‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP)એ દેશભરમાં સંગઠનનો વ્યાપ વધારવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. પાર્ટીએ શનિવારે સંગઠનાત્મક માળખામાં ફેરફાર અને વિસ્તરણની જાહેરાત કરતાં ઝોનલ પ્રભારીઓની નિમણૂક કરી છે. આ સાથે જ 10 રાજ્યો અને વિસ્તારોમાં રાજ્ય તથા પ્રાદેશિક સંકલન સમિતિઓની રચના કરવામાં આવી છે.

પાર્ટીનું કહેવું છે કે આ પહેલનો મુખ્ય હેતુ દેશના અલગ-અલગ વિસ્તારોમાં પાયાના સ્તરે સંગઠનની હાજરી મજબૂત બનાવવી, પ્રાદેશિક સ્તરે સંકલન વધારવું અને સ્થાનિક નેતૃત્વનું નેટવર્ક તૈયાર કરવાનો છે. નવી રચાયેલી સમિતિઓ સામાન્ય લોકોની સમસ્યાઓને વાચા આપવા ઉપરાંત સંગઠનની પ્રવૃત્તિઓને વેગ આપવાનું કામ કરશે.

ક્ષિતિજ પાગરને પશ્ચિમ અને ડૉ. વિવેક સાંગવાનને ઉત્તર ઝોનની જવાબદારી

સંગઠનાત્મક વિસ્તરણ અંતર્ગત ક્ષિતિજ પાગરને પશ્ચિમ ઝોનના પ્રભારી અને ડૉ. વિવેક સાંગવાનને ઉત્તર ઝોનના પ્રભારી બનાવવામાં આવ્યા છે. જ્યારે મુહમ્મદ જુનૈદ અને ગીગરાજ જોરલીનો ઉત્તર ઝોનની સંકલન સમિતિમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

પાર્ટીએ જમ્મુ-કાશ્મીર, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, હરિયાણા, ઝારખંડ, પૂર્વોત્તર ભારત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, બિહાર અને ઉત્તરાખંડ માટે સમિતિઓની રચના કરી છે. આ સમિતિઓમાં ઉત્તર પ્રદેશમાં 16, મહારાષ્ટ્રમાં 15, ઝારખંડ અને પૂર્વોત્તરમાં 14-14, બિહારમાં 13 અને પશ્ચિમ બંગાળમાં 12 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે હરિયાણા અને ઉત્તરાખંડમાં છ-છ, રાજસ્થાનમાં પાંચ તથા જમ્મુ-કાશ્મીરમાં ચાર સભ્યોની નિમણૂક કરવામાં આવી છે.

પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસ રિલીઝ અનુસાર, આ સમિતિઓ પોતાના સંબંધિત વિસ્તારોમાં પાર્ટીની પ્રવૃત્તિઓનું સંચાલન અને સંકલન કરશે. સાથે જ સ્થાનિક સ્તરે લોકો સાથે સંપર્ક વધારીને સંગઠનનો વ્યાપ વિસ્તારવાનો પ્રયાસ કરશે.

બેરોજગાર યુવાનોને ‘કોકરોચ’ કહેવામાં આવ્યા બાદ પાર્ટીની શરૂઆત

કોકરોચ જનતા પાર્ટીની શરૂઆત આ વર્ષે મે મહિનામાં વ્યંગાત્મક ઓનલાઇન પહેલ તરીકે થઈ હતી. ભારતના મુખ્ય ન્યાયાધીશ દ્વારા બેરોજગાર યુવાનો માટે ‘કોકરોચ’ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાના વિવાદ બાદ આ પહેલ શરૂ થઈ હતી. અભિજીત દીપકેએ તેની શરૂઆત કરી હતી. ત્યારબાદ આ મંચ યુવાનોના નેતૃત્વ હેઠળના આંદોલન તરીકે વિકસ્યો હતો. જેમાં બેરોજગારી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં થતી અનિયમિતતાઓ જેવા મુદ્દાઓને મુખ્યત્વે ઉઠાવવામાં આવ્યા હતા.

NEET-UG પેપર લીક સામે 36 દિવસ સુધી આંદોલન

આ સંગઠને NEET-UG પેપર લીકના મુદ્દે દિલ્હીના જંતર-મંતર ખાતે સતત 36 દિવસ સુધી વિરોધ પ્રદર્શન કર્યું હતું. આંદોલન દરમિયાન સંગઠને જવાબદારી નક્કી કરવાની અને તત્કાલીન શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગણી કરી હતી. ત્યારબાદ 25 જુલાઈએ ધર્મેન્દ્ર પ્રધાને પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું.

આ ઉપરાંત સંગઠને મતદાર યાદીઓની વિશેષ સઘન સુધારણા પ્રક્રિયા (SIR) સહિતના અનેક મુદ્દાઓ પર પણ અવાજ ઉઠાવ્યો છે. પાર્ટીએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગણી કરી છે. પહેલી નવેમ્બરે દિલ્હીમાં SIRના વિરોધમાં INDIA ગઠબંધન દ્વારા આયોજિત રેલીને પણ સંગઠને સમર્થન આપ્યું હતું.

SIRથી પ્રભાવિત લોકો માટે ફોર્મ જાહેર કર્યું

કોકરોચ જનતા પાર્ટીએ SIR પ્રક્રિયાને લઈને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ પણ શેર કરી છે. જેમાં પુનરીક્ષણ દરમિયાન જેમનાં નામ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યાં છે તેવા લોકો માટે ફોર્મ જાહેર કરવામાં આવ્યું છે.

પાર્ટીનું કહેવું છે કે તે એવા લોકોનો અવાજ ઉઠાવવા માગે છે, જેમની સમસ્યાઓ ઘણીવાર સમાચારોમાં સ્થાન મેળવી શકતી નથી. પોસ્ટમાં લોકોને અપીલ કરવામાં આવી છે કે જો તેઓ SIR પ્રક્રિયાથી પ્રભાવિત થયા હોય તો જાહેર કરેલું ફોર્મ ભરે, જેથી તેમની ફરિયાદો સામે લાવી શકાય અને તેમનો અવાજ સંબંધિત મંચો સુધી પહોંચાડી શકાય.

આ પહેલાં પાર્ટીના સ્થાપક અભિજીત દીપકેએ કોચીમાં યોજાયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન જણાવ્યું હતું કે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધનો તેમનો સંઘર્ષ ત્યાં સુધી ચાલુ રહેશે, જ્યાં સુધી તેમનું રાજીનામું ન આવે અને દેશમાં સ્વતંત્ર તથા નિષ્પક્ષ ચૂંટણી વ્યવસ્થા સુનિશ્ચિત ન થાય.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -