લક્ષ્ય સેનનો ઐતિહાસિક કમાલ! જાપાનમાં તિરંગો લહેરાવી કુમામોટો માસ્ટર્સ જીતનાર પ્રથમ ભારતીય બન્યા
ભારતના સ્ટાર બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેને જાપાનની ધરતી પર ઐતિહાસિક જીત નોંધાવી છે. કુમામોટો માસ્ટર્સ બેડમિન્ટન ટૂર્નામેન્ટની ફાઇનલમાં લક્ષ્ય સેને જાપાનના ખેલાડી કોકી વતાનાબેને 2-1થી હરાવીને ખિતાબ પોતાના નામે કર્યો છે. આ સાથે લક્ષ્ય સેન કુમામોટો માસ્ટર્સનો ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બની ગયા છે. વર્ષ 2026માં આ તેમનો સતત બીજો BWF વર્લ્ડ ટૂર ખિતાબ છે.
ફાઇનલ મુકાબલામાં લક્ષ્ય સેનની શરૂઆત સારી રહી નહોતી. પ્રથમ ગેમમાં જાપાનના કોકી વતાનાબેએ 21-13થી જીત મેળવી હતી. જોકે, હાર બાદ લક્ષ્ય સેને શાનદાર વાપસી કરી હતી. બીજી ગેમમાં તેમણે 21-18થી જીત મેળવીને મુકાબલો 1-1થી બરાબર કર્યો હતો. ત્યારબાદ નિર્ણાયક ત્રીજી ગેમમાં લક્ષ્ય સેનનો દબદબો જોવા મળ્યો હતો અને તેમણે 21-14થી ગેમ જીતીને ઐતિહાસિક ખિતાબ પોતાના નામે કર્યો હતો. આ ફાઇનલ મુકાબલો જીતવા માટે તેમને 64 મિનિટનો સમય લાગ્યો હતો.
જીત બાદ લક્ષ્ય સેને ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે મુશ્કેલ મુકાબલાઓ છતાં તેમણે પોતાનો આત્મવિશ્વાસ જાળવી રાખ્યો હતો. અનેક મેચમાં શરૂઆત ખરાબ રહી અને પ્રથમ ગેમ ગુમાવવી પડી હતી, પરંતુ તેમણે પોતાની જાત પર ભરોસો રાખીને સંઘર્ષ ચાલુ રાખ્યો હતો. ગયા વર્ષે તેઓ આ ટૂર્નામેન્ટની સેમિફાઇનલ સુધી પહોંચ્યા હતા, જ્યારે આ વખતે ખિતાબ જીતવામાં સફળ રહ્યા છે. સતત બીજો ખિતાબ જીતવો તેમના માટે ખુશીની વાત છે અને આગામી સમયમાં પણ આ જ ફોર્મ જાળવી રાખવાનો પ્રયાસ કરશે.
કુમામોટો માસ્ટર્સમાં મળેલી આ જીતથી હાંગઝોઉમાં યોજાનારી BWF વર્લ્ડ ટૂર ફાઇનલ્સ 2026 માટે લક્ષ્ય સેનની ક્વોલિફાય થવાની દાવેદારી વધુ મજબૂત બની છે. આ જીત બદલ તેમને 9,200 રેન્કિંગ પોઇન્ટ્સ પણ મળ્યા છે. આમ, જાપાનની ધરતી પર ઐતિહાસિક જીત મેળવી લક્ષ્ય સેને આંતરરાષ્ટ્રીય બેડમિન્ટનમાં ભારતનું નામ રોશન કર્યું છે.
- Advertisement -
- Advertisement -