24.6 C
Ahmedabad
Monday, November 9, 2026

પાકિસ્તાનમાં મહિલા ટીવી એન્કરની ગોળી મારી હત્યા, પતિ પર શંકા; પોલીસે કરી અટકાયત


પાકિસ્તાનમાં મહિલા ટીવી એન્કર રાબિયા અહસાનની હત્યાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. રાવલપિંડીના ગુલશનાબાદ વિસ્તારમાં આવેલા તેમના જ ઘરમાં ગોળી મારીને તેમની હત્યા કરવામાં આવી હતી. પોલીસે ઘરમાંથી તેમનો મૃતદેહ કબજે કર્યો છે. આ મામલે પોલીસે તેમના પતિને અટકાયતમાં લીધા છે. ઘટનાસ્થળેથી કથિત રીતે હત્યામાં ઉપયોગમાં લેવાયેલું હથિયાર પણ જપ્ત કરવામાં આવ્યું છે.

રાબિયા અહસાન એક સ્થાનિક ખાનગી ટેલિવિઝન ચેનલમાં એન્કર અને પ્રોગ્રામ હોસ્ટ તરીકે કામ કરતાં હતાં. રાવલપિંડીના સિટી પોલીસ ઓફિસર હસન મુશ્તાક સુખેરાએ પતિને અટકાયતમાં લીધાની પુષ્ટિ કરી હતી અને જણાવ્યું હતું કે આ મામલે તપાસ ચાલી રહી છે.

પતિએ ઘટનાને અકસ્માત ગણાવી

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, ઘરમાં કામ કરતા એક પુરુષ કર્મચારીએ તપાસકર્તાઓને જણાવ્યું હતું કે રાબિયાના પતિએ ગોળીબારની ઘટનાને અકસ્માત ગણાવી હતી. જોકે, પોલીસ આ દાવાની તપાસ કરી રહી છે. પંજાબ ફોરેન્સિક સાયન્સ એજન્સીની ટીમે ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કર્યા છે. રાબિયાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે, કેસ નોંધવાની પ્રક્રિયા ચાલી રહી છે.

મૃત્યુના થોડા કલાકો પહેલાં જ રાબિયાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં તેમણે સાયબર છેતરપિંડી અને ઓનલાઇન ફ્રોડ અંગે વાત કરી હતી. સાથે જ ડિજિટલ મીડિયાના માધ્યમથી લોકોમાં જાગૃતિ ફેલાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેઓ અગાઉ હમ ન્યૂઝ, જીટીવી અને 92 ન્યૂઝ ચેનલ સાથે પણ કામ કરી ચૂક્યાં હતાં.

આસિફા ભુટ્ટોએ નિષ્પક્ષ તપાસની માગ કરી

પાકિસ્તાનનાં ફર્સ્ટ લેડી આસિફા ભુટ્ટો-ઝરદારીએ રાબિયા અહસાનની હત્યા અંગે દુઃખ વ્યક્ત કરી ઘટનાની કડક નિંદા કરી છે. તેમણે સમગ્ર મામલે નિષ્પક્ષ અને પારદર્શક તપાસ કરાવી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માગ કરી છે.

રાષ્ટ્રપતિ સચિવાલય દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં તેમણે એક જ મહાનગર વિસ્તારમાં વ્યવસાયિક મહિલાઓની હત્યાની વધતી ઘટનાઓ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ઓગસ્ટ મહિનામાં ડિજિટલ મીડિયા સાથે સંકળાયેલાં 45 વર્ષીય હિના જાવેદની હત્યાનો ઉલ્લેખ કર્યો હતો. હિના જાવેદનો મૃતદેહ પણ રાવલપિંડીમાં તેમના ઘરેથી મળી આવ્યો હતો. તેમના શરીર પર મારપીટના નિશાન હોવાનું સામે આવ્યું હતું.

આસિફા ભુટ્ટો-ઝરદારીએ જણાવ્યું હતું કે હિના જાવેદની હત્યાની તપાસનું પરિણામ પણ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -