અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે આગામી ૩૧મી ઓક્ટોબરે એકતા નગર ખાતે યોજાનાર ‘રાષ્ટ્રીય એકતા દિવસ પરેડ’ના ઉપલક્ષ્યમાં, કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા ‘ફાઇટ અગેઇન્સ્ટ ડ્રગ્સ’ થીમ હેઠળ આયોજિત ભવ્ય ‘નેશનલ મોટરસાઇકલ રેલી’ને આજે ગાંધીનગર સચિવાલય સંકુલ ખાતેથી રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પ્રસ્થાન કરાવ્યું હતું. સુરક્ષા દળોના પ્રચંડ ઉત્સાહ વચ્ચે મુખ્યમંત્રીશ્રીએ લીલી ઝંડી આપી રેલીને સ્ટેચ્યુ ઓફ યુનિટી–એકતા નગર (કેવડિયા) તરફ રવાના કરાવી હતી.
આ પ્રસંગે રાજ્યના પોલીસ વડા શ્રી જ્ઞાનેન્દ્રસિંહ મલિકે રેલી અંગે વિગતો આપતાં જણાવ્યું હતું કે, “આ મોટરસાઇકલ રેલીમાં દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPF)ની ટીમો સહભાગી થઈ છે. દરેક રાજ્યમાંથી 5-5બાઇકર્સ આ રેલીમાં જોડાયા છે. જેમાં લદ્દાખ, જમ્મુ અને કાશ્મીર, પંજાબ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન સહિતના રાજ્યો તેમજ CAPFના જવાનોનો સમાવેશ થાય છે. આ રેલીમાં દેશના વિવિધ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPF)ની કુલ 45 ટીમો અને 550થી વધુ જવાનો/અધિકારીઓ 4 અલગ-અલગ ઝોન મારફતે 275થી વધુ બાઇક સાથે ભાગ લઈ રહ્યા છે.”

