આવતીકાલે ગુજરાતના 28 જિલ્લાઓમાં ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’નાં 101 નવા કેન્દ્રોનું લોકાર્પણ
મંત્રીશ્રીઓ વિવિધ જિલ્લાઓના ભોજન વિતરણ કેન્દ્રોનું લોકાર્પણ કરશે નવાં કેન્દ્રો શરૂ થવાથી દૈનિક ભોજન વિતરણની સંખ્યામાં 10 હજારનો વધારો થશે. અંદાજે દૈનિક 45 હજાર શ્રમિકોને ભોજન વિતરણ કરાશે બાંધકામ શ્રમિકોને માત્ર રૂ. 5/-માં પૌષ્ટિક ભોજન પૂરું પાડવાની કલ્યાણકારી પહેલ
ગુજરાતના વિકાસમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપતા બાંધકામ શ્રમિકો અને તેમના પરિવારજનોને ન્યૂનતમ દરે પૌષ્ટિક ભોજન ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ્ય સાથે ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળ ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’નો વ્યાપ સતત વિસ્તૃત કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત આવતીકાલે (શુક્રવારે) રાજ્યના 28 જિલ્લાઓમાં કુલ 101 નવાં શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રોનું લોકાર્પણ કરાશે. કરશે. આ સાથે રાજ્યમાં આ યોજનાના કુલ 372 ભોજન વિતરણ કેન્દ્રો કાર્યરત થશે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના ચાણક્યપુરી ખાતેના શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રનો શુભારંભ કરાવશે. મુખ્યમંત્રીશ્રી આ પ્રસંગે શ્રમદાનની સાથે શ્રમિકોને ભોજન પીરસીને તેમની સાથે સંવાદ પણ કરશે. આ ઉપરાંત મંત્રીશ્રીઓ, સાંસદસભ્યશ્રીઓ, તથા ધારાસભ્યશ્રીઓ પણ રાજ્યના વિવિધ સ્થળોએ ભોજન વિતરણ કેન્દ્રો પર ઉપસ્થિત રહી શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રોનું લોકાર્પણ કરશે.
શ્રમિકોને પોષણયુક્ત ભોજન સરળતાથી ઉપલબ્ધ કરાશે
‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ અંતર્ગત બાંધકામ શ્રમિકો તથા તેમના પરિવારજનોને પ્રતિ વ્યક્તિ માત્ર રૂ. 5/ના ન્યૂનતમ દરે પૌષ્ટિક ભોજન પૂરું પાડવામાં આવે છે. આ ભોજનમાં રોટલી, શાક, કઠોળ, ભાત, અથાણું, મરચાં અને ગોળનો સમાવેશ થાય છે. અઠવાડિયામાં એક વાર સુખડી અને શીરા જેવાં મિષ્ટાન્ન પણ આપવામાં આવે છે. આ યોજનાથી શ્રમિકોને પોષણયુક્ત ભોજન સરળતાથી ઉપલબ્ધ થવાની સાથે તેમના દૈનિક ભોજન ખર્ચમાં પણ રાહત મળે છે.
અત્યાર સુધીમાં કુલ 05 કરોડથી વધુ શ્રમિકોને ભોજન વિતરણ
શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રો દ્વારા શ્રમિકોને દરરોજ સરેરાશ 35 હજારથી વધુ ભોજનનું વિતરણ કરવામાં આવે છે. યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ 05 કરોડથી વધુ ભોજનનું વિતરણ કરવામાં આવ્યું છે.101 નવાં કેન્દ્રો શરૂ થવાથી દૈનિક ભોજન વિતરણની સંખ્યામાં 10 હજારનો વધારો થઈ અંદાજે દૈનિક 45 હજાર જેટલા લોકોને ભોજન વિતરણ થશે.
બાંધકામ શ્રમિકોની સુવિધાને ધ્યાનમાં રાખીને કડીયાનાકા ખાતેના સ્થાયી શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રો ઉપરાંત, બાંધકામ સાઇટ પર 50થી વધુ શ્રમિકો યોજનાનો લાભ મેળવવા ઈચ્છતા હોય ત્યાં ડોરસ્ટેપ ડિલિવરીની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. અત્યાર સુધીમાં સાઇટ પર અંદાજીત 27 લાખ ભોજન વિતરણ કરવામાં આવ્યા છે.
- Advertisement -
- Advertisement -