33.2 C
Ahmedabad
Saturday, October 17, 2026

ભાવનગરમાં યોજાનારા ROBOFEST-GUJARAT – 6.0 હેકાથોનમાં દેશભરની 52 ટીમો ભાગ લેશે


ROBOFEST-GUJARAT 6.0 અંતર્ગત “AI-Powered Robotics Innovation Challenge” થીમ સાથે 6થી 9 ઓક્ટોબર દરમિયાન ભાવનગર સ્થિત રિજનલ સાયન્સ સેન્ટર (RSC) ખાતે 36 કલાકના AI આધારિત રોબોટિક્સ ઇનોવેશન હેકાથોનનું આયોજન કરવામાં આવ્યું છે. આ હેકાથોનમાં ગુજરાત ઉપરાંત દેશનાં અન્ય છ રાજ્યોની કુલ 52 ટીમો ભાગ લેશે.

ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST) દ્વારા આ હેકાથોનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. યુવા ઇનોવેટરોને રોબોટિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઓટોમેશન, ઇલેક્ટ્રોનિક્સ અને અન્ય ઉભરતી ટેકનોલોજીના ઉપયોગથી પોતાના વિચારોને કાર્યક્ષમ ટેકનોલોજી ઉપાયોમાં રૂપાંતરિત કરવા માટે આ હેકાથોન એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પૂરું પાડશે.

ROBOFEST-GUJARAT 6.0નો મુખ્ય ઉદ્દેશ સ્વદેશી રોબોટિક્સ ક્ષમતાઓને પ્રોત્સાહન આપવાનો તેમજ વિદ્યાર્થીઓના નવીન વિચારોને સ્વાયત્ત અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક રોબોટિક સોલ્યુશન્સમાં પરિવર્તિત કરવાનો છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ દેશમાં રોબોટિક્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્ષેત્રે નવીનતાને એક નવી દિશા અને પરિમાણ મળ્યું છે.

ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, “મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય ભાવનગર ખાતે ભારતનો સૌથી મોટો રોબોટિક્સ ફેસ્ટિવલ યોજવા જઈ રહ્યું છે. આ પહેલનો ઉદ્દેશ નવીનતાને પ્રોત્સાહન આપવાનો તેમજ સમાજના પડકારોના ટેકનોલોજી આધારિત ઉકેલો વિકસાવવા માટે યુવાનોને પ્રોત્સાહિત કરવાનો છે.”

GUJCOSTના ડિરેક્ટર જનરલ શ્રી દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યું કે, આ કાર્યક્રમને દેશભરમાંથી નોંધપાત્ર પ્રતિસાદ મળ્યો છે. આઇડિયેશન તબક્કા બાદ દેશભરમાંથી પ્રાપ્ત થયેલી 480 ટીમોની નોંધણી અને 100થી વધુ વિચારોમાંથી 52 ટીમોની પસંદગી કરવામાં આવી છે. પસંદગી પામેલી ટીમોમાં ગુજરાતના નવ જિલ્લાની 37 ટીમો તેમજ મહારાષ્ટ્ર, પંજાબ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, કર્ણાટક અને પશ્ચિમ બંગાળની 15 ટીમોનો સમાવેશ થાય છે.

36 કલાક ચાલનારા આ સઘન હેકાથોન દરમિયાન ભાગ લેનારી ટીમો વાસ્તવિક જીવનના પડકારોના ઉકેલ માટે કાર્યરત ટેકનોલોજી સોલ્યુશનો વિકસાવશે, તેનું પરીક્ષણ કરશે, તેમાં જરૂરી સુધારા કરશે અને તેનું પ્રદર્શન કરશે. સમગ્ર પ્રક્રિયા દરમિયાન મેન્ટરો, શિક્ષણવિદો અને ટેકનિકલ નિષ્ણાતો સ્પર્ધકોને માર્ગદર્શન આપશે. આ દરમિયાન નવીનતા, ટેકનિકલ શક્યતા, વ્યવહારુ ઉપયોગિતા અને વ્યાપક સ્તરે અમલીકરણની ક્ષમતા પર વિશેષ ભાર મૂકવામાં આવશે.

આ હેકાથોન ROBOFEST-GUJARAT 6.0ના મુખ્ય ઉદ્દેશોને વધુ મજબૂત બનાવે છે. તેના દ્વારા રોબોટિક્સ ક્ષેત્રમાં રસ ધરાવતી નવી પેઢીમાં નવીનતા, સ્વદેશી ટેકનોલોજી વિકાસ, માર્ગદર્શન અને વાસ્તવિક જીવનની સમસ્યાઓના ઉકેલ માટેની ક્ષમતાને પ્રોત્સાહન આપવામાં આવશે.

વર્તમાન ટેકનોલોજીકલ જરૂરિયાતોને અનુરૂપ આ સ્પર્ધામાં ભાગ લેનાર ટીમોને સુરક્ષા, સમુદ્રના ઊંડાણમાં સંશોધન, રમતગમતમાં ચોકસાઈ, સ્વાયત્ત ડ્રાઇવિંગ, માનવતાવાદી કામગીરી અને શૈક્ષણિક હેતુઓ જેવી વિવિધ કામગીરી માટે સ્વાયત્ત રોબોટિક સિસ્ટમ્સ વિકસાવવાનો પડકાર આપવામાં આવશે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -