કોસોવો સંસદમાં હોબાળો: વિપક્ષી સાંસદે વચગાળાના વડાપ્રધાન એલ્બિન કુર્તી પર ફેંક્યા ઈંડા
પ્રિસ્ટિના: કોસોવોની એસેમ્બલીની કાર્યવાહી શનિવારે વિપક્ષના ભારે હોબાળા બાદ સ્થગિત કરવી પડી હતી. સંસદની કાર્યવાહી દરમિયાન એક વિપક્ષી સાંસદે સદનની અંદર જ વચગાળાના વડાપ્રધાન એલ્બિન કુર્તી પર ઈંડા ફેંક્યા હતા. આ હોબાળો ત્યારે થયો જ્યારે વચગાળાના વડાપ્રધાન એલ્બિન કુર્તીની પાર્ટી ‘વેતેવેન્ડોસ્જે’ (Vetevendosje) 7 જૂનની સામાન્ય ચૂંટણી બાદ સરકાર બનાવવા માટે વિપક્ષી જૂથો સાથે સમજૂતી કરવાનો પ્રયાસ કરી રહી હતી. જોકે, ‘વેતેવેન્ડોસ્જે’ 120 સંસદીય બેઠકોમાંથી 53 બેઠકો જીતીને સૌથી મોટી રાજકીય પાર્ટી તરીકે ઉભરી આવી છે. પરંતુ ગઠબંધન સહયોગીઓ વગર સરકાર ચલાવવા માટે જરૂરી સ્પષ્ટ બહુમત તેની પાસે નથી.
વચગાળાના વડાપ્રધાને આપી પ્રતિક્રિયા
આ હોબાળા પર પ્રતિક્રિયા આપતા કુર્તી આ હુમલાથી વિચલિત દેખાયા નહોતા. તેમણે કહ્યું કે જો તેમના પર ઈંડા ફેંકવા એ રાજકીય વાતચીતને જીવંત રાખવાની કિંમત છે, તો “હું આ કિંમત ચૂકવવા તૈયાર છું.” વાસ્તવમાં, એસેમ્બલીની બેઠક એટલા માટે બોલાવવામાં આવી હતી કે કુર્તી સંસદના સ્પીકર પદ માટે કોઈ ઉમેદવારના નામની જાહેરાત કરશે. તેના બદલે, તેમણે નવા રાષ્ટ્રપતિની ચૂંટણી પર સમજૂતી કરવા માટે વધુ સમય માંગ્યો. તેમણે સ્વીકાર્યું કે રાષ્ટ્રપતિ પદને લઈને ચાલી રહેલી વાતચીતમાં કોઈ સર્વસંમતિ સધાઈ શકી નથી. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ કોસોવોની સંસદમાં આ પ્રકારની હોબાળાની ઘટનાઓ સામે આવી ચૂકી છે.
બે વર્ષમાં થઈ ચૂકી છે ત્રણ ચૂંટણી
કોસોવો લાંબા સમયથી રાજકીય અસ્થિરતાનો સામનો કરી રહ્યો છે. અહીં વારંવારના સંસદીય અવરોધના કારણે બે વર્ષથી પણ ઓછા સમયમાં ત્રણ સામાન્ય ચૂંટણી યોજાઈ ચૂકી છે. 7 જૂને ચૂંટણી એટલા માટે યોજવી પડી હતી કારણ કે સાંસદો નિર્ધારિત સમયની અંદર રાષ્ટ્રપતિ ચૂંટી શક્યા નહોતા. એક કામકાજ કરતી સરકાર બનાવવા અને રાજ્યના અગત્યના અધિકારીઓની પસંદગી કરવા માટે, કુર્તીની પાર્ટી ‘વેતેવેન્ડોસ્જે’ ને હજુ પણ વિપક્ષી જૂથોના સમર્થનની જરૂર છે. જોકે ‘ડેમોક્રેટિક લીગ ઓફ કોસોવો’ (LDK), જેની પાસે 18 બેઠકો છે, તેને મુખ્ય ગઠબંધન સહયોગી તરીકે જોવામાં આવી રહી છે, પરંતુ કુર્તી અને LDKના નેતા લુમિર અબ્દિક્સિકુ વચ્ચે અનેક તબક્કાની વાતચીત છતાં કોઈ જ પરિણામ આવ્યું નથી. બીજી તરફ, વિપક્ષી ‘કોસોવો ડેમોક્રેટિક પાર્ટી’ (PDK) પાસે 22 બેઠકો છે.
ફરીથી ચૂંટણી યોજવાની નોબત આવી શકે છે
કોસોવોના નિયમો અનુસાર, ચૂંટણીના અંતિમ પરિણામોની પુષ્ટિ થયાના 30 દિવસની અંદર વિધાનસભાની રચના થઈ જવી જોઈએ. જો કે, તે સમયમર્યાદા હવે વીતી ચૂકી છે. પરંતુ તેના કાનૂની પરિણામો હજુ પણ સ્પષ્ટ નથી કારણ કે બંધારણમાં સમયમર્યાદા ચૂકી જવાના પરિણામો વિશે સ્પષ્ટપણે કંઈ કહેવામાં આવ્યું નથી. આ સાથે જ, રાષ્ટ્રપતિની ચૂંટણી માટે બે મહિનાની એક અલગ સમયમર્યાદા પણ લાગુ થાય છે. તે સમયમર્યાદાની અંદર રાષ્ટ્રપ્રમુખને ન ચૂંટી શકવાની સ્થિતિમાં આપોઆપ નવા સંસદીય ચૂંટણી યોજવાની નોબત આવી જશે. જેના કારણે એ વાતની સંભાવના વધી ગઈ છે કે કોસોવોને ફરી એકવાર ચૂંટણીનો સામનો કરવો પડી શકે છે.
- Advertisement -
- Advertisement -