31.4 C
Ahmedabad
Monday, August 3, 2026

ધરાશાયી થયેલા બાગાયતી પાકને ફરી બેઠા કરવા કૃષિ વૈજ્ઞાનિકોની ટીમો ખેડૂતોના ખેતરોમાં જઈને આપી રહી છે પ્રત્યક્ષ તાલીમ


દક્ષિણ ગુજરાતમાં કુદરતી આફત અને ભારે વરસાદને કારણે લીલીછમ વાડીઓમાં વર્ષોની મહેનતથી ઉછેરેલી બાગાયતી કલમો અને વૃક્ષો જમીનદોસ્ત થતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે. જોકે, આ કટોકટીના સમયે ખેડૂતોએ નિરાશ થવાની જરૂર નથી. જમીનદોસ્ત થયેલા કે નમેલા વૃક્ષોના મૂળ જો હજુ પણ જમીન સાથે જોડાયેલા હોય, તો વિજ્ઞાન અને યોગ્ય માવજત દ્વારા તેમને ફરી પુનર્જીવિત કરી શકાય છે. ખેડૂતોની વર્ષોની મહેનત પાણીમાં ન જાય તે માટે રાજ્ય સરકાર અને કૃષિ વિજ્ઞાન તાત્કાલિક ધોરણે ખેડૂતોની વહારે આવ્યા છે.

કૃષિ નિષ્ણાતોના મતે, જો જમીનદોસ્ત થયેલી કલમો કે નમેલા વૃક્ષોના મૂળ હજુ પણ જમીન સાથે જોડાયેલા હોય, તો વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા તેમને ફરી જીવંત કરવા શક્ય છે. આ વૈજ્ઞાનિક અભિગમ ધ્યાનમાં રાખીને કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ બાગાયત વિભાગના અધિકારીઓ અને નવસારી કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોને તાત્કાલિક ધોરણે અસરગ્રસ્ત ગામોની રૂબરૂ મુલાકાત લઈ, ખેડૂતોને આ કલમો પુનર્જીવિત કરવાની પ્રત્યક્ષ તાલીમ આપવાના આદેશ આપ્યા છે.

કૃષિ મંત્રીશ્રીના આદેશના પગલે પાણી ઓસરવાની રાહ જોયા વિના, ગત શુક્રવારથી ચાલુ વરસાદ વચ્ચે પણ બાગાયત વિભાગ અને નવસારી કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોની સંયુક્ત ટીમો ખેડૂતોના ખેતર સુધી પહોંચી રહી છે. હાલમાં વલસાડ, નવસારી, સુરત, ડાંગ અને તાપી જિલ્લાના અસરગ્રસ્ત ગામોમાં વૈજ્ઞાનિકો પ્રત્યક્ષ ડેમોન્સ્ટ્રેશન આપીને ખેડૂતોને ધરાશાયી થયેલા વૃક્ષોને ફરી જીવિત કરવાની અને તેની માવજત અંગેની તાલીમ આપી રહ્યા છે.

નવસારીના ઘેજ ગામના પ્રગતિશીલ ખેડૂત મોહનભાઈ પટેલે પોતાનો અનુભવ વર્ણવતા જણાવ્યું હતું કે, તાઉતે વાવાઝોડા વખતે મારી વાડીમાં નાના-મોટા અનેક આંબા ધરાશાયી થયા હતા. તે સમયે બાગાયત વિભાગ અને નવસારી કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોના માર્ગદર્શન હેઠળ મેં આ ઝાડોને પુનર્જીવિત કરવાનો પ્રયાસ કર્યો, જેના પરિણામે ૭૦ થી ૮૦ ટકા જેટલા જમીનદોસ્ત થયેલા આંબા ફરી બેઠા થઈ ગયા હતા અને આજે તો એ ઓળખવા પણ મુશ્કેલ છે કે કયા ઝાડ પડી ગયા હતા.

પૂર કે વાવાઝોડાથી હારી ગયા વગર જો ખેડૂતો આ વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવે, તો વર્ષોની મહેનતથી ઉછેરેલા બાગાયતી પાકને ચોક્કસપણે બચાવી શકાય છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

નવસારી કૃષિ યુનિવર્સિટીના સહસંશોધન વૈજ્ઞાનિક ડૉ. અંકુર પટેલે ખેડૂતો જાતે જ પોતાના બાગાયતી પાકને બચાવી શકે તે માટે ચાર તબક્કાની સરળ વૈજ્ઞાનિક પદ્ધતિ દર્શાવી છે:

1. વરસાદમાં આડી પડી ગયેલી કલમને ઊભી કેવી રીતે કરવી?

જમીનદોસ્ત થયેલી કલમોને અચાનક કે જોરથી ઊભી કરવાનો પ્રયાસ ન કરવો; તેનાથી મૂળ તૂટી જવાનો ભય રહે છે. કલમને અત્યંત ધીમે-ધીમે ઊભી કરવી, થોડી ઊભી કર્યા બાદ ૧૦ સેકન્ડનો વિરામ લેવો અને ત્યારબાદ ફરી પ્રયાસ કરવો.

2. ડાળીઓની છાંટણી (પ્રુનિંગ) કરવી:

પૂરને કારણે વૃક્ષને ઈજા થઈ હોય છે, તેથી તેના ખોરાકનો વપરાશ ઘટાડવો જરૂરી છે. આ માટે લાંબી અને નમી ગયેલી ડાળીઓ કાપી નાખવી અને માત્ર મર્યાદિત પાંદડાં રહેવા દેવાં. ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે કાપેલી ડાળીઓ પરથી ટૂંક જ સમયમાં નવી ફૂટ નીકળશે.

3. ફૂગનાશક પેસ્ટનો ઉપયોગ:

જેટલી ડાળીઓ કાપેલી હોય તેના ખુલ્લા ભાગ પર કોપર ઓક્સિક્લોરાઇડ (COC)ની પેસ્ટ લગાવવી. આ પેસ્ટમાં રહેલું ‘ઓક્ઝિન’ તત્ત્વ ડાળીને સડતી અટકાવશે અને નવી ફૂટ નીકળવામાં મદદરૂપ થશે.

4. જમીન અને મૂળની સારવાર (ડ્રેન્ચિંગ):

પૂરના પાણીને કારણે ચોમાસામાં છાણિયા ખાતરનો ઉપયોગ ટાળવો અને તેના બદલે ૧ કિલો વર્મી કમ્પોસ્ટમાં ૫૦ ગ્રામ કાર્બેન્ડાઝીમ પાવડર મિક્સ કરવો. આ મિશ્રણને ૪-૫ દિવસ પલટાવતા રહીને તૈયાર કરવું અને ત્યારબાદ થળની આસપાસ માટી ખોતરીને દાટી દેવું.

મૂળને કોહવાટ ન લાગે તે માટે ટ્રાયકોડર્મા વિરિડીનું ડ્રેન્ચિંગ કરવું. ૨૦૦ લિટર પાણીમાં ૧ કિલો ટ્રાયકોડર્મા અને ૨ કિલો યુરિયા ભેળવવું. યુરિયા ઉમેરવાથી છોડ ટ્રાયકોડર્માને ઝડપથી શોષી લે છે. દરેક કલમ દીઠ ૧ લિટર આ મિશ્રણ આપવું અને મહિનામાં બે થી ત્રણ વાર આ પ્રક્રિયા કરવી.

ભારે વરસાદમાં બાગાયતી પાકને નુકસાનથી કેવી રીતે બચાવવો?

નવસારી કૃષિ યુનિવર્સિટીના સહસંશોધન વૈજ્ઞાનિકના જણાવ્યા મુજબ, ચોમાસા પહેલાં નદી કે નાળાના પાણીના પ્રવાહની દિશાને ધ્યાનમાં રાખીને કલમોની આસપાસ ઓછામાં ઓછા બે ફૂટ ઊંચા પાળા બનાવવા જોઈએ. આ પાળા પાણીના વહેણમાં કલમને બચાવે છે અને તેને મજબૂતાઈ આપીને ધરાશાયી થતાં બચાવે છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -