29.7 C
Ahmedabad
Thursday, July 30, 2026

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: મહેસૂલ વિભાગના વર્ગ-૩ના કર્મચારીઓની જિલ્લા આંતરિક બદલીની સત્તા હવે કલેક્ટરને


મુખ્ય વિશેષતાઓ

  • સત્તાનું વિકેન્દ્રીકરણ: મહેસૂલ વિભાગ હસ્તકના ખાતાના વડાઓની કચેરીઓમાં કાર્યરત વર્ગ-૩ના કર્મચારીઓની જિલ્લા પૂરતી આંતરિક બદલી કરવાની સત્તા સીધી જિલ્લા કલેક્ટરશ્રીઓને સોંપાઈ છે.

  • ત્વરિત વહીવટી નિર્ણયો: અનિવાર્ય કે તાકીદની વહીવટી જરૂરિયાત ઊભી થાય ત્યારે સ્થાનિક કક્ષાએ તુરંત જ બદલી કરી શકાશે.

  • મૂળ સત્તા યથાવત: જે તે ખાતાના વડાની બદલીઓની મૂળ સત્તા યથાવત રહેશે અને આ બદલીઓ જે તે ખાતાના વડાના મહેકમ પૂરતી જ સીમિત રહેશે.

  • અનિવાર્ય સંકલન: બદલી કરતા પહેલા સંબંધિત જિલ્લા કક્ષાના વિભાગીય અધિકારીશ્રી સાથે જરૂરી સંકલન કરવું ફરજિયાત રહેશે.

વિગતવાર અહેવાલ

ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વધુ ઝડપી, સુદ્રઢ અને લોકાભિમુખ બનાવવા માટે એક અત્યંત મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં જિલ્લા કક્ષાએ મહેસૂલી તંત્રની સંપૂર્ણ દેખરેખ અને સંકલન કલેક્ટરશ્રીઓ દ્વારા કરવામાં આવે છે. અગાઉ કલેક્ટરશ્રીને નાયબ મામલતદાર, મહેસૂલી કારકૂન અને મહેસૂલી તલાટીઓની બદલી કરવાની સત્તા હતી.

ઘણીવાર અનિવાર્ય કે તાકીદના સંજોગોમાં સ્થાનિક કક્ષાએ કર્મચારીઓની પર્યાપ્ત બદલી સત્તાના અભાવે અરજદારોના કામો વિલંબમાં પડતા હતા. આ સમસ્યાના નિવારણ અર્થે રાજ્ય સરકારની પુખ્ત વિચારણાના અંતે હવે આ નવો અભિગમ અપનાવવામાં આવ્યો છે.

કયા કર્મચારીઓની બદલી થઈ શકશે?

આ નિર્ણયના પરિણામે કલેક્ટરશ્રીઓ હવે મહેસૂલ વિભાગના અન્ય ખાતાના વડાઓની જિલ્લા તથા તાલુકા કચેરીઓમાં કાર્યરત વર્ગ-૩ના કર્મચારીઓ જેવા કે:

  • સબ રજીસ્ટ્રાર ગ્રેડ-૧ અને ગ્રેડ-૨

  • સિનિયર સર્વેયર અને સર્વેયર

  • વર્ગ-૩ ના અન્ય કારકૂનો

આ તમામ કર્મચારીઓની જિલ્લા પૂરતી આંતરિક બદલી કરી શકશે.

મહેકમ મર્યાદા અને નિયમો:

  • આ બદલીઓ જે તે ખાતાના વડાના મહેકમ પૂરતી જ મર્યાદિત રહેશે. ઉદાહરણ તરીકે: સેટલમેન્ટ કમિશનરશ્રી તાબા હેઠળના સર્વેયરની બદલી તેમની જ કચેરીના મહેકમ હેઠળ થશે; નોંધણી સર નિરીક્ષક કે સ્ટેમ્પ ડ્યુટી કચેરીમાં તેની ફેરબદલી કરી શકાશે નહીં.

  • કલેક્ટરશ્રીએ બદલી કરતી વખતે સંબંધિત જિલ્લા કક્ષાના વિભાગીય અધિકારીશ્રી સાથે જરૂરી સંકલન કરવાનું રહેશે, જેથી કચેરીઓની રોજબરોજની કામગીરી પર કોઈ વિપરીત અસર ન પડે.

  • આ બદલીઓની પ્રક્રિયા સામાન્ય વહીવટ વિભાગ તથા મહેસૂલ વિભાગના પ્રવર્તમાન બદલી નિયમો અને માર્ગદર્શિકાના ચુસ્ત પાલન સાથે કરવાની રહેશે.

આ નિર્ણયથી જિલ્લા કક્ષાએ વહીવટી નિર્ણયો વધુ ઝડપી બનશે. કોઈ ચોક્કસ કચેરી કે તાલુકામાં અરજીઓનો નિકાલ બાકી હોય,,અચાનક કામનું ભારણ વધે ત્યારે કલેક્ટરશ્રી ત્વરિત આંતરિક બદલી કરીને જનહિતની કામગીરીને વેગ આપી શકશે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -