31.7 C
Ahmedabad
Wednesday, June 24, 2026

ગુજરાત લોકભવનમાં રામકથા: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મંત્રી ઋષિકેશ પટેલ અને ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા સહિતના મહાનુભાવોએ લીધો કથામૃતનો લહાવો


ગાંધીનગર સ્થિત ગુજરાત લોકભવન ખાતે આયોજિત ઐતિહાસિક શ્રીરામકથાના ચોથા દિવસે શ્રોતાઓ ભક્તિરસમાં તરબોળ થયા હતા. સુપ્રસિદ્ધ કથાવાચક આચાર્ય શ્રી કુલદીપજી મહારાજે શ્રીરામ-જાનકી વિવાહ બાદ અયોધ્યા પુનરાગમન, રાજ્યાભિષેકની પૂર્વતૈયારીઓ અને કૌટુંબિક મૂલ્યો પર અત્યંત સચોટ અને પ્રેરણાદાયી પ્રવચન આપ્યું હતું. ભજન અને રામચરિત માનસની ચોપાઈઓના દિવ્ય ગાન સાથે સમગ્ર લોકભવન ‘જય શ્રી રામ’ના નાદથી ગુંજી ઉઠ્યું હતું.

સંબંધોમાં આંખ અને પાંપણજેવી કોમળતા જરૂરી: આચાર્ય કુલદીપજી

કથા દરમિયાન આચાર્યશ્રીએ રાજા દશરથ અને ત્રણેય રાણીઓ વચ્ચેના સંવાદનો ભાવવાહી પ્રસંગ વર્ણવ્યો હતો. તેમણે જણાવ્યું કે, જ્યારે પુત્રવધૂઓ પ્રથમવાર અયોધ્યા આવી ત્યારે રાજા દશરથે રાણીઓને સુંદર ઉપદેશ આપ્યો હતો કે:

“પુત્રવધૂઓ સાથે માત્ર દીકરી જેવો જ નહીં, પરંતુ આંખ અને પાંપણ જેવો અતૂટ સંબંધ રાખવો. જેવી રીતે પાંપણ અત્યંત કોમળતાથી આંખનું રક્ષણ કરે છે. તેવી જ રીતે પરિવારના સભ્યોએ એકબીજા પ્રત્યે સંવેદનશીલ રહેવું જોઈએ.”

તેમણે ઉમેર્યું કે, ઘર ચલાવવાની માત્ર પુત્રવધૂની જ જવાબદારી નથી; સાસુ, સસરા અને પતિએ પણ સંબંધોને મજબૂત કરવા માટે સમાન પ્રયાસો કરવા જોઈએ. જેથી પરિવારમાં ક્યારેય વિખવાદ ન સર્જાય.

જ્યાં પરસ્પર આદર છે, ત્યાં જ સ્વર્ગ છે

મહારાજે ભારપૂર્વક કહ્યું કે, સ્વર્ગ કોઈ આકાશમાં નથી હોતું. જે ઘરમાં સભ્યો એકબીજાનો આદર કરે છે અને પ્રેમથી રહે છે. તે ઘર જ સ્વર્ગ સમાન બની જાય છે. જ્યાં એકબીજા સાથે દેવતુલ્ય વ્યવહાર થાય છે. ત્યાં પ્રભુનો વાસ આપોઆપ થઈ જાય છે.

કુસંગરૂપી મંથરાથી સાવધ રહો અને શુભ કાર્યમાં વિલંબ ન કરો

રાજા દશરથ દ્વારા રાજસભામાં શ્રીરામના રાજ્યાભિષેકનો પ્રસ્તાવ મુકાતા અયોધ્યામાં છવાયેલા આનંદના પ્રસંગને વર્ણવતા મહારાજે સમયનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે કહ્યું કે:

  • સમયનું મહત્વ: શુભ કાર્યમાં ક્યારેય વિલંબ ન કરવો જોઈએ. જે કામ આજે કરવાનું છે તે અત્યારે જ કરી લેવું જોઈએ.કારણ કે સમય વહી ગયા પછી પસ્તાવો જ હાથ લાગે છે.

  • કુસંગથી બચો: તેમણે મંથરાને કુસંગનું પ્રતીક ગણાવીને દરેક પરિવારને આવી નકારાત્મકતાથી હંમેશા સુરક્ષિત રહેવા અપીલ કરી હતી.

મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિ

કાર્યક્રમની શરૂઆતમાં પ્રારંભિક દીપ પ્રાગટ્ય અને વ્યાસપીઠનું પૂજન-સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય અતિથિ તરીકે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, ઊર્જા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, રાજ્યસભા સાંસદ અને અગ્રણી ઉદ્યોગપતિ શ્રી ગોવિંદભાઈ ધોળકિયા, મુખ્ય સચિવ શ્રી એમ.કે. દાસ તથા ધર્મનંદન ડાયમંડના ચેરમેન શ્રી લાલજીભાઈ પટેલે આચાર્યશ્રીને પુષ્પહાર અર્પણ કરી આશીર્વાદ મેળવ્યા હતા.

આ પ્રસંગે લેડી ગવર્નર શ્રીમતી દર્શના દેવીજી, પૂર્વ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ શ્રી ડૉ. હર્ષદભાઈ પટેલ, સુરત મહાનગરપાલિકાના પૂર્વ મેયર ડૉ. જગદીશભાઈ પટેલ સહિતના અનેક રાજકીય, સામાજિક મહાનુભાવો અને વિશાળ સંખ્યામાં નગરજનોએ ઉપસ્થિત રહી કથામૃતનું રસપાન કર્યું હતું.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -