રાજ્યના 919 સંવેદનશીલ સ્થળો પર એક્સ્ટ્રા વિજિલન્સ; ડ્રોન, CCTV અને બોડી-વોર્ન કેમેરાથી રખાશે બાજ નજર

ગાંધીનગર, ૨૩ જૂન:
મહોરમના પવિત્ર તહેવાર નિમિત્તે સમગ્ર ગુજરાતમાં કાયદો, વ્યવસ્થા અને કોમી સૌહાર્દની સ્થિતિ જળવાઈ રહે તે માટે રાજ્યના પોલીસ વડા (DGP) શ્રી જી. એસ. મલિકના અધ્યક્ષસ્થાને આજે પોલીસ ભવન ખાતેથી એક ઉચ્ચ સ્તરીય વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યના તમામ પોલીસ કમિશનરો, રેન્જ વડાઓ અને જિલ્લા પોલીસ વડાઓને સુરક્ષા અંગે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવા અને સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ તકેદારી રાખવા કડક આદેશો આપવામાં આવ્યા છે.

ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ સાથે કડક ‘બંદોબસ્ત સ્કીમ’
DGP શ્રી જી. એસ. મલિકે તમામ પોલીસ વડાઓને મહોરમના જુલૂસ અને તાજીયાના રૂટ્સ પર ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી ચુસ્ત આયોજન કરવા સૂચના આપી છે.
-
ડ્રોન અને CCTV: મોટા જનમેદની વાળા સ્થળો અને સરઘસના માર્ગો પર ડ્રોન તેમજ સીસીટીવી કેમેરા દ્વારા સતત મોનિટરિંગ કરાશે.
-
બોડી-વોર્ન કેમેરા: બંદોબસ્તમાં તૈનાત પોલીસ કર્મચારીઓને ફરજ દરમિયાન ‘બોડી-વોર્ન કેમેરા’ પહેરવા ફરજિયાત કરાયું છે.
-
સોશિયલ મીડિયા પર નજર: કોમી સૌહાર્દ બગાડે તેવી અફવાઓ, ફેક ન્યૂઝ કે વાંધાજનક પોસ્ટ મૂકનારા તત્વો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવા સાયબર સેલને સતત મોનિટરિંગ કરવા આદેશ અપાયા છે.
૯૧૯ સંવેદનશીલ સ્થળો પર વિશેષ વોચ અને ફૂટ પેટ્રોલીંગ
સમગ્ર રાજ્યમાં તાજીયા જુલૂસના સંદર્ભમાં આઇડેન્ટિફાઇડ કરવામાં આવેલા ૯૧૯ જેટલા સંવેદનશીલ સ્થળો પર એક્સ્ટ્રા એલર્ટ રહેવા જણાવાયું છે. આ ઉપરાંત:
-
છેલ્લા પાંચ વર્ષમાં જે વિસ્તારોમાં નાની-મોટી ઘટનાઓ નોંધાઈ છે, ત્યાં એડવાન્સ ‘રિસ્ક એસેસમેન્ટ’ કરવામાં આવશે.
-
નાગરિકોમાં સુરક્ષાનો અહેસાસ વધારવા માટે સંવેદનશીલ વિસ્તારોમાં ૮ થી ૧૦ પોલીસ કર્મચારીઓની વિશેષ ટીમ બનાવી સઘન ‘ફૂટ પેટ્રોલીંગ’ કરવામાં આવશે.
SRPF ની તૈનાતી અને સ્થાનિક સ્તરે સંવાદ
કોમી એકતાનો સંદેશ: શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટે સ્થાનિક સ્તરે શાંતિ સમિતિઓ (Peace Committees), મોહલ્લા સમિતિઓ, ધાર્મિક અગ્રણીઓ અને સમુદાયના અગ્રણીઓ સાથે સંયુક્ત બેઠકો યોજીને પરસ્પર સંવાદ સાધવા તાકીદ કરાઈ છે.

