32.6 C
Ahmedabad
Wednesday, June 24, 2026

ગુજરાત રાજભવન ખાતે ભવ્ય રામકથા: પ્રભુ શ્રીરામ-જાનકી વિવાહના પ્રસંગે શ્રોતાઓ ભાવવિભોર


‘દીકરીએ જન્મભૂમિ અને કર્મભૂમિ બંને કુળની લાજ રાખવી જોઈએ’ – આચાર્ય શ્રી કુલદીપજી મહારાજ

ગાંધીનગર સ્થિત લોકભવન (રાજભવન) ખાતે આયોજિત ઐતિહાસિક શ્રીરામકથાના ત્રીજા દિવસે સુપ્રસિદ્ધ કથાવાચક આચાર્ય શ્રી કુલદીપજી મહારાજે શ્રીરામ દ્વારા યજ્ઞ રક્ષા, અહલ્યા ઉદ્ધાર અને પ્રભુ શ્રીરામ-જાનકી વિવાહનું અત્યંત ભાવપૂર્ણ વર્ણન કર્યું હતું.

શિવધનુષ ભંગ અને રામ-જાનકી વિવાહનો દિવ્ય પ્રસંગ

કથાના પ્રારંભમાં આચાર્યશ્રીએ જણાવ્યું કે, મુનિ વિશ્વામિત્રના સિદ્ધ આશ્રમમાં શ્રીરામે અદભૂત પરાક્રમ દાખવી મારીચને પરાજિત કરી અને સુબાહુનો વધ કરીને યજ્ઞની રક્ષા કરી હતી. અહલ્યા ઉદ્ધારના પ્રસંગ પર પ્રકાશ પાડતા તેમણે કહ્યું કે, પ્રભુના ચરણસ્પર્શથી અહલ્યાનું જીવન ધન્ય બન્યું.

કથાના મુખ્ય આકર્ષણ સમાન રામ-જાનકી વિવાહનો પ્રસંગ વર્ણવતા તેમણે ઉમેર્યું કે, રાજા જનકની શરત મુજબ શ્રીરામે જેવા શિવધનુષ પર પ્રત્યંચા ચઢાવી, તે સાથે જ ધનુષ તૂટી ગયું હતું. આ દ્રશ્ય સાથે જ સમગ્ર મંડપ ‘સિયાવર રામચંદ્ર કી જય’ના નાદથી ગુંજી ઉઠ્યો હતો. વૈદિક વિધિ-વિધાન સાથે ચારેય ભાઈઓના વિવાહ સંપન્ન થયા હતા.

ગૃહસ્થાશ્રમ અને દીકરીને સંસ્કારનું મહત્વ

ગૃહસ્થાશ્રમને ચારેય આશ્રમોમાં શ્રેષ્ઠ ગણાવતા આચાર્યશ્રીએ કહ્યું કે, જેના પર બાકીના તમામ આશ્રમોનો આધાર છે તે ગૃહસ્થ જીવન સુધરે તો બધું જ સુધરી જાય છે. સીતાજીની વિદાયના ભાવુક પ્રસંગે માતા સુનૈના અને રાજા જનકના ઉપદેશોને ટાંકીને તેમણે જણાવ્યું કે:

“દરેક માતા-પિતાએ દીકરીને સાસરીમાં જતી વખતે સંસ્કારરૂપી ઘરેણાં આપવા જોઈએ. સાસુ-સસરાને માતા-પિતા સમાન ગણવા, મુખ પર મધુર મુસ્કાન રાખવી, અતિથિ સત્કાર કરવો અને નિત્ય યજ્ઞ કરવો એ સાચા સંસ્કાર છે. ‘બાબુલ કા ઘર જન્મભૂમિ હૈ, કર્મભૂમિ સસુરાલ’ એ વાતને સાર્થક કરી દીકરીએ બંને કુળનું ગૌરવ વધારવું જોઈએ.”

મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિ

સમગ્ર લોકભવન રામચરિતમાનસની ચોપાઈઓ અને ભક્તિમય ભજનોથી ગુંજી ઉઠ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, પૂર્વ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ શ્રી ડૉ. હર્ષદભાઈ પટેલ અને ટ્રસ્ટી શ્રી હસમુખભાઈ પટેલે દીપ પ્રાગટ્ય કરી આચાર્યશ્રીનું સ્વાગત કર્યું હતું.

આ પ્રસંગે લેડી ગવર્નર શ્રીમતી દર્શના દેવીજી, ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીના કુલપતિ ડૉ. સી. કે. ટીંબડીયા, સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. નિરંજનભાઈ પટેલ, આંતરરાષ્ટ્રીય સ્વિમર આર્યન નેહરા સહિતના મહાનુભાવો અને વિશાળ સંખ્યામાં નગરજનોએ ઉપસ્થિત રહી કથા શ્રવણનો લાભ લીધો હતો.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -