અર્થતંત્ર મજબૂત, પણ ગાફેલ રહેવું પોસાય તેમ નથી: ‘માઇન્ડમાઇન સમિટ’માં નાણામંત્રી નિર્મલા સીતારમણની મોટી ચેતવણી

કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારમણે દેશની આર્થિક સ્થિતિ પર એક અત્યંત મહત્વનું અને ગંભીર નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ભારત હાલ આર્થિક મોરચે શાનદાર પ્રદર્શન કરી રહ્યું છે, પરંતુ દેશની આ વિકાસયાત્રા આપમેળે જ ગેરંટીડ ચાલુ રહેશે તેવું માની લેવું ભારે ભૂલભરેલું સાબિત થઈ શકે છે. લાંબા ગાળાની અને ટકાઉ આર્થિક પ્રગતિ સુનિશ્ચિત કરવા માટે દેશે સતત ઇનોવેશન (નવીનતા), આકરા આર્થિક સુધારા અને સરકારી સંસ્થાઓનું મજબૂતીકરણ ચાલુ રાખવું જ પડશે.
વિકાસના લાભો છેવાડાના માનવી સુધી પહોંચવા જરૂરી
રાજધાનીમાં યોજાયેલી પ્રતિષ્ઠિત ‘માઇન્ડમાઇન સમિટ ૨૦૨૬’ ને સંબોધિત કરતા નાણામંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, માત્ર આર્થિક આંકડાઓનો વિકાસ પૂરતો નથી. તેની સાથે મજબૂત સંસ્થાઓ, અસરકારક સરકારી નીતિઓ અને કાર્યક્ષમ સહાય પ્રણાલી પણ એટલી જ અનિવાર્ય છે. જેથી વિકાસના વાસ્તવિક લાભો સમાજના તમામ વર્ગો સુધી પહોંચાડી શકાય અને સર્વસમાવેશી વિકાસ (Inclusive Growth) નું લક્ષ્ય સાકાર થઈ શકે.
આપણી ક્ષમતાઓનું સતત મૂલ્યાંકન કરવું પડશે
નાણામંત્રીએ ઉમેર્યું કે ભારતની અર્થવ્યવસ્થા અત્યારે ઘણી સંતોષજનક અને મજબૂત સ્થિતિમાં છે, પરંતુ આપણે આપણા જ પ્રદર્શનનું સતત મૂલ્યાંકન કરવું જોઈએ અને એવા નબળા ક્ષેત્રોની ઓળખ કરવી જોઈએ જ્યાં હજુ વધુ સુધારાની તાતી જરૂર છે.
-
ઝડપથી બદલાતી વૈશ્વિક પરિસ્થિતિ: વૈશ્વિક આર્થિક પ્રવાહો ખૂબ ઝડપથી પલટાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં ભારતનું નીતિગત માળખું ગમે તેવા કપરા સંજોગો સામે ટકી શકે તેવું મજબૂત અને પરિવર્તનશીલ હોવું જોઈએ. પ્રગતિ આપમેળે ચાલુ રહેશે તેવો ભ્રમ રાખ્યા વિના સતત પ્રયાસો કરવા પડશે.
-
મધ્યવર્તી ક્ષેત્રો પર વિશેષ ધ્યાન: દેશના ઘણા ક્ષેત્રોએ અસાધારણ પ્રદર્શન કર્યું છે, પરંતુ જટિલ અને મધ્યવર્તી (ઇન્ટરમીડિયેટ) ઉત્પાદનો તેમજ સેવાઓ સાથે સંકળાયેલા ક્ષેત્રોને હજુ પણ મોટા નીતિગત સહયોગ અને વિશેષ ધ્યાન આપવાની જરૂર છે.
જુના પડકારોનો સામનો કરવા નવી વ્યુહરચના
લાંબા સમયથી ચાલી આવતી આર્થિક અને માળખાકીય સમસ્યાઓનો ઉલ્લેખ કરતા સીતારમણે કહ્યું કે, નીતિનિર્માતાઓએ જૂના પડકારોનો સામનો કરવા માટે સતત નવી નીતિગત વ્યૂહરચનાઓ અને બહેતર અમલીકરણ પર ગંભીરતાથી કામ કરવું પડશે. આ મુદ્દાઓ પર વર્ષોથી ચર્ચાઓ થઈ રહી છે, પણ હવે સમય તેનો અસરકારક અમલ કરવાનો છે. કોવિડ-૧૯ મહામારીની કેટલીક અસરો હજુ પણ અર્થતંત્રના આયોજન પર ક્યાંક ને ક્યાંક અસર કરી રહી છે, જો કે હાલમાં દેશ સામે કોઈ મોટા આર્થિક અવરોધની આશંકા નથી.
ખેતી અને મોંઘવારી પર મોટો ખતરો: ‘અલ નીનો’ ની અસર સામે સરકાર એલર્ટ
નાણામંત્રીએ દેશના કૃષિ ક્ષેત્ર પર મંડરાતા કુદરતી સંકટ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે, આ વર્ષે ‘અલ નીનો’ (El Niño) ની અસરોને કારણે ચોમાસું સામાન્ય કરતાં નબળું રહેવાની પૂરેપૂરી શક્યતા છે. જેને પગલે દેશના કેટલાક વિસ્તારોમાં ભયાનક દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે, જ્યારે અન્ય વિસ્તારોમાં અતિવૃષ્ટિ થવાની સંભાવના છે.
આ અસંતુલિત ચોમાસું સમગ્ર વર્ષ દરમિયાન અર્થતંત્ર માટે મોટી ચિંતાનો વિષય બની શકે છે. તેથી, સરકાર કૃષિ ઉત્પાદન, ગ્રામીણ અર્થતંત્ર અને દેશના ખાદ્ય પુરવઠા પર પડનારી સંભવિત માઠી અસરોને ઘટાડવા માટે અત્યારથી જ આગોતરી વ્યુહરચના અને યુદ્ધના ધોરણે સજ્જતા મજબૂત કરી રહી છે.
- Advertisement -
- Advertisement -