ગુજરાતમાં સાયબર ક્રાઇમ બ્રાન્ચે એક સનસનાટીપૂર્ણ ઓપરેશન પાર પાડીને વિદ્યાર્થીઓ અને વાલીઓની મજબૂરીનો ફાયદો ઉઠાવતી આંતરરાજ્ય સાયબર ટોળકીનો પર્દાફાશ કર્યો છે. આ શાતિર ગેંગ ટેલિગ્રામ ચેનલો દ્વારા RE-NEET (નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ) પરીક્ષાનું ઓરિજિનલ પ્રશ્નપત્ર આપવાની અને પરીક્ષામાં પાસ કરાવી દેવાની લાલચ આપીને કરોડો રૂપિયા પડાવતી હતી. અમદાવાદ સાયબર ક્રાઇમે આ ગુનાહિત નેટવર્ક પર ત્રાટકીને રાજસ્થાનના બે મુખ્ય સાયબર અપરાધીઓની ધરપકડ કરી લીધી છે.
ટેલિગ્રામ પર ‘પ્રાઇવેટ માફિયા’ બની આચરતા હતા ફ્રોડ
પોલીસના સત્તાવાર નિવેદન અનુસાર, ઝડપાયેલા આરોપીઓમાં જયપુરના રહેવાસી સુમેર સિંહ મીણા અને કોટાના રહેવાસી આકાશ મીણાનો સમાવેશ થાય છે. આ ઠગોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટેલિગ્રામ પર “Raghav_singh_neet” સહિત આશરે 8 જેટલી બોગસ ચેનલો બનાવી રાખી હતી. આ ચેનલો પર RE-NEET પરીક્ષા પાસ કરાવવાના દાવા કરતા ભ્રામક મેસેજો, નકલી પોસ્ટ અને આકર્ષક જાહેરાતો મૂકીને વાલીઓ તથા વિદ્યાર્થીઓને જાળમાં ફસાવવામાં આવતા હતા અને ત્યારબાદ ઓનલાઈન પેમેન્ટ દ્વારા લાખો રૂપિયા પડાવી લેવાતા હતા. તપાસમાં સામે આવ્યું છે કે આ બંને આરોપીઓ ટેલિગ્રામ પર “Private Mafia” નામના કિંગપિન યુઝર આઈડી સાથે પણ સીધા જોડાયેલા હતા.
રોકાણના નામે છેતરપિંડી અને ૪૪ બોગસ વેબસાઇટ્સનો પર્દાફાશ
સાયબર સેલની ઊંડાણપૂર્વકની તપાસમાં આ ગેંગના અન્ય કાળા કારનામા પણ પ્રકાશમાં આવ્યા છે. આ આરોપીઓ માત્ર પેપર લીકના નામે જ નહીં, પરંતુ “Trading With Karol” અને “Pankaj Bhardwaj” જેવી ટેલિગ્રામ ચેનલો ચલાવીને લોકોને શોર્ટ ટર્મમાં બમણા નફાની લાલચ આપી રોકાણના નામે પણ લાખોનો ચૂનો ચોપડતા હતા.
કેસની મુખ્ય અને ચોંકાવનારી વિગતો:
-
₹૧.૫ કરોડના ટ્રાન્ઝેક્શન: પ્રાથમિક બેંક ઓડિટમાં આરોપીઓના ખાતાઓમાંથી અંદાજે ₹૧.૫ કરોડના શંકાસ્પદ આર્થિક વ્યવહારો મળી આવ્યા છે.
-
૬ બેંક ખાતા અને ૧૨ રાજ્યોના કનેક્શન: પોલીસને આરોપીઓના ૬ સક્રિય બેંક ખાતાઓ ફ્રીઝ કરવામાં સફળતા મળી છે, જેની સાથે દેશના વિવિધ રાજ્યોની ૧૨થી વધુ સાયબર ફરિયાદો લિંક થયેલી છે.
-
૧,૦૦૦ મોબાઈલ નંબરનું નેટવર્ક: છેલ્લા માત્ર એક જ મહિનામાં આ ટોળકીએ અંદાજે ૧,૦૦૦ જેટલા મોબાઈલ નંબરો અને અલગ-અલગ ટેલિગ્રામ આઈડી દ્વારા વાલીઓનો સંપર્ક સાધ્યો હતો.
-
૪૪ નકલી વેબસાઇટ્સ: આરોપીઓ ઓનલાઈન ગેમિંગ, ઇલીગલ બેટિંગ (સટ્ટો), જુગાર અને અન્ય ડિજિટલ ફ્રોડ કરવા માટે આશરે ૪૪ જેટલી બોગસ વેબસાઇટ્સ ઓપરેટ કરી રહ્યા હતા.
કોઈ પેપર લીક નથી થયું, વાલીઓ ગેરમાર્ગે ન દોરાય: પોલીસની અપીલ
સાયબર ક્રાઇમ બ્રાન્ચે વિદ્યાર્થીઓ અને વાલીઓની ચિંતા દૂર કરતા એક અત્યંત મહત્વની સ્પષ્ટતા કરી છે. પોલીસે જણાવ્યું છે કે, ઝડપાયેલા આરોપીઓ પાસેથી NEET કે અન્ય કોઈ પણ સરકારી પરીક્ષાનું પ્રશ્નપત્ર અથવા તેને લગતી સત્તાવાર સામગ્રી મળી આવી નથી.
પોલીસ સ્ટેટમેન્ટ: ‘RE-NEET પેપર લીક’ શબ્દનો ઉપયોગ માત્ર એક હથિયાર તરીકે, ભય અને લાલચનો માહોલ ઊભો કરીને વાલીઓ પાસેથી પૈસા પડાવવા માટે જ કરવામાં આવી રહ્યો હતો. કોઈ પણ પ્રકારનું પેપર લીક થયું નથી.

