32.8 C
Ahmedabad
Monday, June 8, 2026

કોણ છે અંજલિ કુલ્થે? 26/11 ના આતંકી હુમલામાં 20 સગર્ભા મહિલાઓનો જીવ બચાવનાર વીર નર્સની બહાદુરી હવે કંગના રનૌતની ફિલ્મમાં જોવા મળશે


અભિનેત્રી કંગના રનૌત આજકાલ પોતાની આગામી ફિલ્મ ‘ભારત ભાગ્ય વિધાતા’ ને લઈને ભારે ચર્ચામાં છે. આ ફિલ્મ મુંબઈના ૨૬/૧૧ ના આતંકી હુમલા દરમિયાન કામા હોસ્પિટલમાં બનેલી લોહિયાળ ઘટના પર આધારિત છે. આ સમગ્ર વાર્તાના કેન્દ્રબિંદુ કામા હોસ્પિટલના બહાદુર નર્સ અંજલિ કુલ્થે છે. અંજલિ કુલ્થે એ જ શખ્સ છે જેમણે આતંકી હુમલા દરમિયાન હોસ્પિટલની અંદર હાજર સૌથી અસહાય અને માસૂમ દર્દીઓનું રક્ષણ કરવા માટે પોતાની જાનની પરવા કર્યા વગર મોરચો સંભાળ્યો હતો. હવે આ ઘટનાના ૧૬ વર્ષથી વધુ સમય બાદ તેમની આ અભૂતપૂર્વ બહાદુરીની ગાથા ‘ભારત ભાગ્ય વિધાતા’ ફિલ્મ દ્વારા રૂપેરી પડદે જોવા મળશે. ફિલ્મમાં કંગના રનૌત મુખ્ય ભૂમિકામાં અંજલિ કુલ્થેના પાત્રથી પ્રેરિત રોલમાં નજરે પડશે.

જ્યારે સામાન્ય ફરજ જીવન-મરણની લડાઈમાં ફેરવાઈ ગઈ આતંકી હુમલાની એ કાળી રાત્રે અંજલિ કુલ્થે કામા હોસ્પિટલમાં પોતાની નિયમિત ફરજ પર હતા, ત્યારે જ સમાચાર આવ્યા કે સીએસટી (CST) રેલવે સ્ટેશન પર તાંડવ મચાવનારા આતંકવાદીઓ હવે હોસ્પિટલ તરફ આગળ વધી રહ્યા છે. એક સામાન્ય શિફ્ટ જોતજોતામાં જીવન અને મરણની જંગમાં ફેરવાઈ ગઈ હતી. અંજલિએ અગાઉ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, સુરક્ષાકર્મીઓ પર અંધાધૂંધ ફાયરિંગ કરીને આતંકવાદીઓ હોસ્પિટલ પરિસરમાં ઘૂસી રહ્યા હતા તે દ્રશ્ય તેમણે નજરે જોયું હતું અને ગોળીઓનો અવાજ સમગ્ર ઈમારતમાં ગુંજી રહ્યો હતો. હોસ્પિટલમાં આતંકનો માહોલ ફેલાતા જ તેમને અહેસાસ થઈ ગયો હતો કે તેમની દેખરેખ હેઠળના દર્દીઓને તાત્કાલિક સુરક્ષાની જરૂર છે. પોતાનો જીવ બચાવીને ભાગવાને બદલે તેમણે અદભુત કોઠાસૂઝ વાપરીને વોર્ડમાંથી ૨૦ સગર્ભા (પ્રેગ્નન્ટ) મહિલાઓને એકત્ર કરી અને તેમને હોસ્પિટલની એક નાની પેન્ટ્રીમાં લઈ ગયા. બહાર હુમલો ચાલુ હતો ત્યારે અંદર બધી લાઈટો અને મોબાઈલ ફોન બંધ કરી દેવાયા જેથી આતંકીઓને ખબર ન પડે, અને બધા લોકો અંધારામાં શાંતિથી ભરાઈ રહ્યા.

ગોળીબારની વચ્ચે સગર્ભા દર્દીની ડિલિવરી કરાવી આતંકનો આ ખતરો અહીં જ પૂરો નહોતો થયો. આતંકી ઘેરાબંદી વચ્ચે જ પેન્ટ્રીમાં છુપાયેલી મહિલાઓમાંથી એક સગર્ભા મહિલાને, જે હાઈ બ્લડપ્રેશરથી પીડિત હતી અને ગંભીર રીતે બીમાર હતી, તેને અચાનક પ્રસૂતિની પીડા (લેબર પેઈન) ઉપડી. હોસ્પિટલની અંદર સતત ગોળીબાર થઈ રહ્યો હોવાથી ડૉક્ટરો માટે વોર્ડ કે પેન્ટ્રી સુધી પહોંચવું અશક્ય અને જોખમી હતું. આવી કપરી સ્થિતિમાં પણ હિંમત હાર્યા વગર અંજલિ કુલ્થેએ ભારે સાવચેતીપૂર્વક એ દર્દીને ગોળીબારની વચ્ચે જ લેબર રૂમ સુધી પહોંચાડી અને તેની સુરક્ષિત ડિલિવરી કરાવી નવજાત શિશુ અને માતાનો જીવ બચાવ્યો હતો.

૧૨ જૂને સિનેમાઘરોમાં રિલીઝ થશે ‘ભારત ભાગ્ય વિધાતા’ મનોજ તાપડિયા દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘ભારત ભાગ્ય વિધાતા’ નું ટ્રેલર તાજેતરમાં જ રિલીઝ કરવામાં આવ્યું હતું, જેને દર્શકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. હવે આ ફિલ્મ ૧૨ જૂનના રોજ થિયેટરોમાં રિલીઝ થવા માટે સંપૂર્ણ તૈયાર છે. આ ફિલ્મમાં કંગના રનૌત ઉપરાંત અભિનેત્રી ગિરિજા ઓક પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -