ગાંધીનગર: વૈશ્વિક આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને પેટ્રોલ-ડીઝલની બચત કરવા, સોનાની ખરીદી અને બિનજરૂરી વિદેશ પ્રવાસો ટાળવા તેમજ સરકારી કાર્યક્રમોના ખર્ચમાં કાપ મૂકવા અપીલ કરી હતી. આ અપીલને ગુજરાત સરકારે સત્તાવાર રીતે અપનાવી લીધી છે. રાજ્યપાલ અને મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો અને અધિકારીઓએ પોતાના કાફલામાં ગાડીઓની સંખ્યા ઘટાડીને તથા જાહેર પરિવહનનો ઉપયોગ શરૂ કરીને આની શરૂઆત કરી દીધી છે.
આ જ કડીમાં એક ડગલું આગળ વધીને, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગમાં પસંદગી પામેલા યુવાનોને ગાંધીનગર ખાતે કોઈ પણ પ્રકારના ઠાઠ-માઠ કે મોટા ખર્ચા વિના, તદ્દન સાદગીપૂર્ણ સમારોહમાં નિમણૂંક પત્રો એનાયત કર્યા હતા.
415 યુવાનોને ડિજિટલ માધ્યમથી પત્રો મોકલાયા
સામાન્ય રીતે સરકારી વિભાગોમાં મોટી સંખ્યામાં નિમણૂંક આપવા માટે ભવ્ય અને ખર્ચાળ કાર્યક્રમો યોજાતા હોય છે. પરંતુ આ વખતે સરકારે નવી રાહ ચીંધી છે:
-
સમગ્ર રાજ્યમાંથી ખેતી મદદનીશ તરીકે કુલ 415 યુવાનો પસંદગી પામ્યા છે.
-
ગાંધીનગરમાં પ્રતીક રૂપે માત્ર 21 યુવાનોને જ રૂબરૂ બોલાવીને પત્રો અપાયા હતા.
-
બાકીના તમામ ઉમેદવારોને ઈ-મેઈલ (E-mail) દ્વારા ડિજિટલ માધ્યમથી નિમણૂંક પત્રો મોકલી આપીને સરકારી નાણાં અને સમયનો મોટો બચાવ કરાયો છે.
પ્રાકૃતિક ખેતી એ ઈશ્વરીય કાર્ય: મુખ્યમંત્રી
નવા જોડાયેલા યુવા વર્કફોર્સને પ્રેરણા આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વર્તમાન વૈશ્વિક સ્થિતિમાં દેશને આત્મનિર્ભર બનાવવો અનિવાર્ય છે. રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટાડીને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા એ માત્ર સરકારી ફરજ નથી, પરંતુ લોકોને સ્વાસ્થ્યપ્રદ જીવન આપવાનું એક ‘ઈશ્વરીય કાર્ય’ છે.
“વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાતરની વૈશ્વિક અછત અને આયાત પરની નિર્ભરતા ઘટાડવા માટે જે પ્રાકૃતિક ખેતીનું આહવાન કર્યું છે, તેને ગામે-ગામ ખેડૂતો સુધી પહોંચાડવાની મુખ્ય જવાબદારી હવે આ નવનિયુક્ત યુવાનોના શિરે છે.” — ભૂપેન્દ્ર પટેલ, મુખ્યમંત્રી


