બનાસ જનરલ સિવિલ હોસ્પિટલમાં ડેન્ટલ ઇમ્પ્લાન્ટની સફળ સર્જરી; 58 વર્ષીય મહિલાને મળ્યો કાયમી ઉકેલ
બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ભોંયણ ગામના 58 વર્ષીય પ્રજાપતિ જીવતબેન છેલ્લા પાંચ વર્ષથી મોઢામાં ચાંદા પડવા અને સતત બળતરા રહેવાની સમસ્યાથી પીડાઈ રહ્યા હતા. આ કારણે તેમને ખોરાક લેવામાં ભારે તકલીફ પડતી હતી અને દૈનિક જીવન પણ પ્રભાવિત બન્યું હતું.
અગાઉ તેમણે ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવી હતી. જ્યાં મોઢાના ઉપર તથા નીચેના તમામ દાંત કાઢી ચોકઠું (ડેન્ચર) ફિટ કરવામાં આવ્યું હતું. જોકે, ચોકઠું અનુકૂળ ન આવતા અને માત્ર એકાદ વર્ષ સુધી જ ઉપયોગ કરી શકાતા તેમણે તેનો ઉપયોગ બંધ કરી દીધો હતો.
પરિવારના સ્નેહીજનોની સલાહથી તેઓ પાલનપુર સ્થિત બનાસ જનરલ સિવિલ હોસ્પિટલના ડેન્ટલ વિભાગમાં સારવાર માટે પહોંચ્યા હતા. અહીં ડેન્ટલ નિષ્ણાતોએ તેમની વિગતવાર તપાસ કરી અને જડબાના હાડકાંની સ્થિતિ જાણવા માટે CBCT તપાસ કરાવી હતી.
રિપોર્ટના આધારે અગાઉનું ચોકઠું દૂર કરી દર્દીના જડબાના હાડકામાં ટાઇટેનિયમના વિશેષ સ્ક્રૂ (ડેન્ટલ ઇમ્પ્લાન્ટ) સફળતાપૂર્વક બેસાડીને સર્જરીના ડૉ. સ્વાતિ સાઠે ડૉ. સુનીલ શ્રોફ અને ડેન્ટલ ડીપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવી હતી. ઇમ્પ્લાન્ટ દ્વારા ભવિષ્યમાં કાયમી દાંત ફિટ કરવામાં આવશે. જેના કારણે દર્દીને ફરીથી સરળતાથી ખોરાક ચાવવામાં અને બોલવામાં સુવિધા મળશે તેમજ જીવનની ગુણવત્તામાં સુધારો થશે.
ઉલ્લેખનીય છે કે, બનાસ જનરલ સિવિલ હોસ્પિટલમાં હવે આધુનિક ડેન્ટલ ઇમ્પ્લાન્ટ જેવી વિશિષ્ટ સારવાર પણ ઉપલબ્ધ છે.જેના કારણે બનાસકાંઠા સહિત આસપાસના જિલ્લાના દર્દીઓને આવી સારવાર માટે મોટા શહેરોમાં જવાની જરૂર રહેતી નથી.
- Advertisement -
- Advertisement -