વેશ્યાવૃત્તિ પર સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો: સ્વેચ્છાએ દેહવ્યાપાર કરવો એ ગુનો નથી, પુખ્ત વયની મહિલાને જબરદસ્તીથી ‘રેસ્ક્યૂ’ ન કરી શકાય

સુપ્રીમ કોર્ટે દેશમાં દેહવ્યાપાર સાથે જોડાયેલા આશરે 70 વર્ષ જૂના કાયદાની અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક વ્યાખ્યા કરી છે. સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, જો કોઈ મહિલા માત્ર પોતાના ગુજરાન અથવા આજીવિકા માટે એકલી દેહવ્યાપાર કરે છે. તો તેના રહેઠાણને કાયદાકીય રીતે ‘બ્રોથલ’ એટલે કે કોઠો માની શકાય નહીં. કોર્ટે સ્પષ્ટતા કરી છે કે જો તે જગ્યા પર અન્ય કોઈ સેક્સ વર્કર અથવા કોઈ વચેટિયો (દલાલ) સામેલ ન હોય, તો પોલીસ માત્ર આ આધાર પર તે પરિસર વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરી શકે નહીં.
જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ આર. મહાદેવનની ખંડપીઠે ‘ઇમ્મોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ’ (ITPA), 1956નું બારીકાઈથી વિશ્લેષણ કર્યા બાદ આ મહત્વનો ચુકાદો આપ્યો છે. આશરે 298 પાનાના આ ઐતિહાસિક ચુકાદામાં સુપ્રીમ કોર્ટે નોંધ્યું કે, “આ કાયદાનો મુખ્ય ઉદ્દેશ્ય દેહવ્યાપારને સંપૂર્ણપણે નાબૂદ કરવાનો કે તેને સંપૂર્ણ રીતે ગુનો જાહેર કરવાનો નથી. પરંતુ, તેનો અસલી હેતુ તેના વ્યાપારીકરણ અને સંગઠિત રીતે ચલાવવામાં આવતા ગેરકાયદેસર ધંધાઓ પર રોક લગાવવાનો છે.”
જાહેર સ્થળો પર ગ્રાહકો શોધવા એ જ અપવાદ
અદાલતે કાયદાની કલમ ૭ અને ૮ નો હવાલો આપતાં સમજાવ્યું હતું કે, ખુલ્લેઆમ જાહેર સ્થળો અથવા ધાર્મિક-રસ્તા જેવા વિસ્તારોની આસપાસ ગ્રાહકોને રીઝવવા કે દેહવ્યાપારનું પ્રદર્શન કરવું એ જ આ કાયદા હેઠળ અપવાદ અને દંડનીય છે. કારણ કે તે જાહેર શિષ્ટાચાર અને સામાજિક નૈતિકતાની વિરુદ્ધ છે. પરંતુ ખાનગી દાયરામાં પોતાની મરજીથી જીવનનિર્વાહ માટે આવું કરનારી એકલ મહિલા પર આ કાયદો સીધો લાગુ પડતો નથી.
પોતાની મરજીથી જોડાયેલી સેક્સ વર્કરને પોલીસ બળજબરીથી ‘રેસ્ક્યૂ’ ન કરે
સુપ્રીમ કોર્ટે પીડિત સુરક્ષા યોજના હેઠળ મેજિસ્ટ્રેટ અને પોલીસ વહીવટીતંત્રને કડક નિર્દેશો આપ્યા છે. કોર્ટે જણાવ્યું કે, જ્યારે પણ કોઈ શંકાસ્પદ સ્થળ પર દરોડા પાડવામાં આવે, ત્યારે ત્યાં હાજર દરેક મહિલાને ગુનેગાર કે પીડિત તરીકે ન જોવી જોઈએ. મેજિસ્ટ્રેટે સૌથી પહેલા પ્રાથમિક તપાસમાં એ નક્કી કરવું પડશે કે શું તે મહિલા પુખ્ત વયની (બાલિગ) છે અને પોતાની મરજીથી આ કામ કરી રહી છે?
અદાલતે સાફ શબ્દોમાં કહ્યું કે, જે પુખ્ત વયની મહિલાઓ સ્વેચ્છાએ આ વ્યવસાયમાં છે. તેમને તેમની મરજી વિરુદ્ધ જબરદસ્તીથી ‘રેસ્ક્યૂ’ કરીને લાંબા સમય સુધી સુધારગૃહ કે શેલ્ટર હોમ્સમાં બંધ રાખી શકાય નહીં. રાજ્યને પુનર્વસનની સુવિધાઓ આપવાનો ચોક્કસ અધિકાર છે. પરંતુ તે કોઈ પણ નાગરિક પર તેની ઈચ્છા વિરુદ્ધ થોપી શકાય નહીં.
- Advertisement -
- Advertisement -