દેશની સર્વોચ્ચ અદાલતને મળ્યા 5 નવા ન્યાયાધીશ: વકીલમાંથી સીધા જજ બનનારા વી. મોહના દેશના બીજા મહિલા બન્યા

સુપ્રિમ કોર્ટને સોમવારે 5 નવા જજ મળ્યા છે. જેનાથી દેશની સર્વોચ્ચ અદાલતમાં કુલ જજોની સંખ્યા વધીને 37 થઈ ગઈ છે. કેન્દ્ર સરકારે 1 જૂન 2026ના રોજ આ અંગેનું જાહેરનામું બહાર પાડ્યું હતું. તાજેતરમાં જ કેન્દ્ર સરકારે એક વટહુકમ દ્વારા સુપ્રિમ કોર્ટમાં જજોની મંજૂર સંખ્યા (CJI સહિત) વધારીને 38 કરી હતી. જેથી હવે દેશની સર્વોચ્ચ અદાલતમાં માત્ર એક જ પદ ખાલી રહ્યું છે. સુપ્રિમ કોર્ટ કોલેજિયમે ગત 27 મેના રોજ આ નામોની ભલામણ કરી હતી. જેને સરકારે માત્ર ચાર દિવસમાં મંજૂરી આપી દીધી છે.
સુપ્રિમ કોર્ટના 5 નવા જજ કોણ છે?
-
જસ્ટિસ શીલ નાગૂ: સુપ્રિમ કોર્ટમાં બઢતી મેળવતા પહેલા તેઓ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે સેવા આપી રહ્યા હતા. તેમની મૂળ હાઈકોર્ટ મધ્યપ્રદેશ છે. જ્યાં તેઓ વર્ષ 2011માં જજ બન્યા હતા. તેમણે અનેક મોટા બંધારણીય અને પર્યાવરણને લગતા કેસોમાં મહત્વના ચુકાદા આપ્યા છે.
-
જસ્ટિસ શ્રી ચંદ્રશેખર: તેઓ બોમ્બે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ પદે તૈનાત હતા અને તેમની મૂળ હાઈકોર્ટ ઝારખંડ છે. દિલ્હી યુનિવર્સિટીમાંથી કાયદાનો અભ્યાસ કરનારા જસ્ટિસ ચંદ્રશેખરના આગમનથી સુપ્રિમ કોર્ટમાં ઝારખંડનું પ્રતિનિધિત્વ સુનિશ્ચિત થયું છે.
-
જસ્ટિસ સચદેવા: જસ્ટિસ સચદેવા અગાઉ મધ્યપ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ હતા અને તેમની મૂળ હાઈકોર્ટ દિલ્હી છે. તેઓ વર્ષ 1995માં સુપ્રિમ કોર્ટમાં એડવોકેટ-ઓન-રેકોર્ડ બન્યા હતા અને વર્ષ 2013માં દિલ્હી હાઈકોર્ટના જજ તરીકે નિયુક્ત થયા હતા.
-
જસ્ટિસ અરુણ પલ્લી: બઢતી પહેલા તેઓ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકેની જવાબદારી સંભાળી રહ્યા હતા. તેમણે વર્ષ 1988માં પંજાબ અને હરિયાણા હાઈકોર્ટથી વકાલાત શરૂ કરી હતી અને વર્ષ 2013માં ત્યાં જજ બન્યા હતા.
-
સિનિયર એડવોકેટ વી. મોહના: આ યાદીમાં સૌથી ખાસ નામ વરિષ્ઠ વકીલ વી. મોહનાનું છે. તેઓ બાર (સિધા વકીલમાંથી) માંથી સુપ્રિમ કોર્ટના જજ બનનારા દેશના બીજા મહિલા વકીલ બનીને ઈતિહાસ રચ્યો છે. આ પહેલા વર્ષ 2018માં જસ્ટિસ ઇન્દુ મલ્હોત્રા સીધા વકીલમાંથી સુપ્રિમ કોર્ટના જજ બન્યા હતા. કોઈમ્બતુરથી કાયદાનો અભ્યાસ કરનારા વી. મોહના વર્ષ 2015માં સુપ્રિમ કોર્ટના સિનિયર એડવોકેટ તરીકે નિયુક્ત થયા હતા.
આ નિયુક્તિઓ કેમ મહત્વની છે?
સુપ્રિમ કોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા વધવાથી અદાલતોમાં પેન્ડિંગ પડેલા 92,000 થી વધુ કેસોના નિકાલમાં તેજી આવશે. આ સાથે જ સુપ્રિમ કોર્ટમાં હવે નિયમિત ધોરણે બંધારણીય બેંચની રચના કરવાનું સરળ બનશે. આ નિમણૂકોમાં પ્રાદેશિક પ્રતિનિધિત્વ, વરિષ્ઠતા અને લિંગ વિવિધતાનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું છે.
- Advertisement -
- Advertisement -