સોમનાથ મંદિર પુનઃનિર્માણના 75 વર્ષ: ‘શક્તિ’ અને ‘ભક્તિ’ના અદભૂત સંગમનો મહોત્સવ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘હર હર મહાદેવ’ના પવિત્ર નાદ સાથે જનમેદનીને સંબોધતા સોમનાથ મંદિરના પુનઃનિર્માણના અમૃત મહોત્સવની ઉજવણી કરી હતી. તેમણે જણાવ્યું કે, આજે સોમનાથની પાવન ધરા પર જે ભક્તિમય ઉર્જા સર્જાઈ છે. તે ભારતની અસ્મિતા અને પુનરુત્થાનની પ્રતીક છે.
ભારતીય ચેતનાનું પુનરુત્થાન
વડાપ્રધાને ભાવુક થતા કહ્યું કે, “સોમનાથ દાદાના ભક્ત તરીકે મને અનેકવાર અહીં નતમસ્તક થવાનું સૌભાગ્ય મળ્યું છે. પરંતુ આજનો અવસર અવિસ્મરણીય છે.” તેમણે ભારપૂર્વક જણાવ્યું કે:
-
1947માં ભારતને રાજકીય આઝાદી મળી, પરંતુ 1951માં સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાએ ભારતની સ્વતંત્ર સાંસ્કૃતિક ચેતનાનો ઉદ્ઘોષ કર્યો હતો.
-
આ જીર્ણોદ્ધાર માત્ર એક ઇમારતનું નવનિર્માણ નહોતું. પરંતુ વિદેશી આક્રમણો સામે ભારતની અજેય આસ્થાનો વિજય હતો.
સરદાર પટેલ અને અખંડ ભારતનું સ્મરણ
પીએમ મોદીએ ઐતિહાસિક સંદર્ભ આપતા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કર્યા હતા. તેમણે જણાવ્યું કે, જે રીતે સરદારે 500થી વધુ રજવાડાઓનું એકીકરણ કરી અખંડ ભારતનું સર્જન કર્યું, તે જ દ્રઢ ઈચ્છાશક્તિથી સોમનાથ મંદિરના પુનઃનિર્માણનો પાયો નખાયો હતો. આ સફર ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’થી શરૂ થઈને આજે આધુનિક સ્વરૂપ સુધી પહોંચી છે.
ભક્તિ અને શક્તિનો સુવર્ણ સંગમ
11 મેનો દિવસ ભારત માટે બેવડો ગૌરવશાળી દિવસ છે. વડાપ્રધાને આ દિવસે ‘ભક્તિ’ અને ‘શક્તિ’ના સંગમની વાત કરી:
-
ભક્તિ (સોમનાથ): મંદિરના પુનઃનિર્માણનો પવિત્ર ઇતિહાસ.
-
શક્તિ (પોખરણ): 11 મે, 1998ના રોજ ભારતે પોખરણમાં પરમાણુ પરીક્ષણ કરી વિશ્વને પોતાની સામર્થ્ય શક્તિનો પરિચય કરાવ્યો હતો.
દેશવાસીઓને શુભકામનાઓ
વડાપ્રધાને આ પાવન મહોત્સવ નિમિત્તે વિશ્વભરમાં વસેલા તમામ શિવભક્તો અને દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે અંતમાં જણાવ્યું કે, સોમનાથ દાદાનો આ આશીર્વાદ ભારતને ‘વિકસિત ભારત’ બનાવવાના સંકલ્પમાં નવી ઉર્જા પૂરી પાડશે.
- Advertisement -
- Advertisement -