ટ્રમ્પના બેવડા તેવર: પીએમ મોદીને ‘મિત્ર’ કહ્યા પણ ભારતને ‘નર્ક’ ગણાવતા વીડિયોને કર્યો સપોર્ટ, જાણો શું છે વિવાદ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર પોતાના વિરોધાભાસી નિવેદનોને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવ્યા છે..ગુરુવારે ટ્રમ્પે ભારતને એક ‘મહાન દેશ’ ગણાવી પીએમ મોદીની પ્રશંસા કરી હતી.પરંતુ આ નિવેદનના ગણતરીના કલાકો પહેલા જ તેમણે એક અત્યંત વિવાદાસ્પદ અને નસ્લવાદી ટિપ્પણી શેર કરતા વિવાદ છેડાયો છે.ટ્રમ્પે સોશિયલ મીડિયા પર માઈકલ સેવેજનો એક પોડકાસ્ટ શેર કર્યો હતો.જેમાં ભારત અને ચીન જેવા દેશો માટે ‘હેલ હોલ્સ’ (નર્ક) જેવા અપમાનજનક શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો હતો.
વિવાદનું કારણ: ‘બર્થરાઈટ સિટીઝનશિપ’ પર હુમલો
આ વિવાદના મૂળમાં માઈકલ સેવેજનો પોડકાસ્ટ ‘સેવેજ નેશન’ છે. આ કાર્યક્રમમાં અમેરિકાના ‘બર્થરાઈટ સિટીઝનશિપ’ (જન્મજાત નાગરિકતા) કાયદાની આકરી ટીકા કરવામાં આવી હતી. સેવેજે દાવો કર્યો હતો કે, ભારત અને ચીનના લોકો અમેરિકા માત્ર એટલા માટે આવે છે કે જેથી તેમના બાળકનો જન્મ ત્યાં થાય અને તેને તુરંત અમેરિકી નાગરિકતા મળી જાય. ટ્રમ્પે આ પોડકાસ્ટની ટ્રાન્સક્રિપ્ટ પણ શેર કરી હતી.જેમાં ભારતીય અને ચીની પ્રવાસીઓને ‘લેપટોપવાળા ગેંગસ્ટર’ કહીને સંબોધવામાં આવ્યા હતા.સેવેજે એવો પણ આરોપ લગાવ્યો હતો કે આ પ્રવાસીઓ અમેરિકાને માફિયા પરિવારો કરતા પણ વધુ નુકસાન પહોંચાડી રહ્યા છે.
નસ્લવાદ અને નોકરીઓનો મુદ્દો
પોડકાસ્ટમાં સેવેજે વધુમાં આક્ષેપ કર્યો હતો કે કેલિફોર્નિયાની હાઈ-ટેક કંપનીઓમાં હવે ‘શ્વેત પુરુષો’ માટે નોકરીની તકો રહી નથી, કારણ કે ત્યાં ભારતીયોએ કબજો જમાવી લીધો છે. તેમણે પ્રવાસીઓ પર અમેરિકાના સંસાધનો લૂંટવાનો અને મૂળ અમેરિકનોને અન્યાય કરવાનો આરોપ લગાવ્યો હતો.બીજી તરફ, ટ્રમ્પે પણ એક ઈન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે, અમેરિકા વિશ્વનો એકમાત્ર દેશ છે જે જન્મના આધારે નાગરિકતા આપે છે.જોકે આ તથ્ય ખોટું છે કારણ કે કેનેડા અને મેક્સિકો સહિત દુનિયાના આશરે 36 દેશોમાં આવા કાયદા અસ્તિત્વ ધરાવે છે.
ભારતનો રાજદ્વારી સંયમ
આ ગંભીર અને વિવાદાસ્પદ મુદ્દે ભારત સરકારે અત્યંત સંતુલિત વલણ અપનાવ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે આ અંગે પ્રતિક્રિયા આપતા માત્ર એટલું જ જણાવ્યું હતું કે, “અમે કેટલીક રિપોર્ટ્સ જોઈ છે અને હું આ બાબતે વધુ કંઈ કહેવા માંગતો નથી.” જોકે, સોશિયલ મીડિયા પર ટ્રમ્પના આ બેવડા વલણની ઉગ્ર ટીકા થઈ રહી છે.લોકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે પીએમ મોદીને ‘મિત્ર’ ગણાવતા ટ્રમ્પ ભારત વિરુદ્ધ આવી નકારાત્મક ટિપ્પણીઓને સમર્થન કેવી રીતે આપી શકે?
- Advertisement -
- Advertisement -