વિશ્વયુદ્ધનો ખતરો ટળ્યો: ટ્રમ્પે ઈરાન સામે બે સપ્તાહના ‘યુદ્ધવિરામ’ની કરી જાહેરાત, પણ હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા મુદ્દે મૂકી આકરી શરત

સમગ્ર વિશ્વ જ્યારે ભારે તણાવમાં હતું, ત્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી રાહતભરી જાહેરાત કરી છે.ટ્રમ્પે જણાવ્યું છે કે, ઈરાન પર થનારા સંભવિત હુમલા અને બોમ્બમારાને હાલ પૂરતો બે અઠવાડિયા માટે રોકી દેવામાં આવ્યો છે. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, આ ‘બંને પક્ષો દ્વારા લાગુ કરવામાં આવેલો યુદ્ધવિરામ’ (સીઝફાયર) હશે.જેનો અર્થ છે કે,આ સમયગાળા દરમિયાન ન તો અમેરિકા હુમલો કરશે અને ન તો ઈરાન કોઈ આક્રમક પગલું ભરશે. જોકે, આ સમજૂતી માટે એક મોટી શરત રાખવામાં આવી છે. ઈરાને તાત્કાલિક, સંપૂર્ણ અને સુરક્ષિત રીતે ‘હોર્મુઝ જલડમરુમધ્ય’ (Strait of Hormuz) ને વ્યાપારી જહાજો માટે ખોલવું પડશે.
અમેરિકાએ પોતાના લક્ષ્યો હાંસલ કરી લીધા છે: ટ્રમ્પ
રાષ્ટ્રપતિ ટ્રમ્પના મતે, અમેરિકાએ તેના ઘણા સૈન્ય લક્ષ્યો પહેલેથી જ પ્રાપ્ત કરી લીધા છે. હવે ઈરાન સાથે લાંબા ગાળાના શાંતિ કરારની દિશામાં ઝડપથી કામ ચાલી રહ્યું છે. તેમણે કહ્યું કે, ઈરાન તરફથી ૧૦ મુદ્દાઓનો એક પ્રસ્તાવ મળ્યો છે. જેને હાલ વાટાઘાટોના આધાર તરીકે જોવામાં આવી રહ્યો છે. ટ્રમ્પનો દાવો છે કે, અમેરિકા અને ઈરાન વચ્ચેના જૂના વિવાદોના મોટાભાગના મુદ્દાઓ પર સહમતિ બની ગઈ છે. હવે આ બે અઠવાડિયામાં કરારને આખરી ઓપ આપવાનો પ્રયાસ કરવામાં આવશે. તેમણે ઉમેર્યું કે, જો બધું યોજના મુજબ ચાલશે, તો પશ્ચિમ એશિયામાં લાંબા સમયથી ચાલી રહેલા તણાવને ખતમ કરવાની દિશામાં આ એક ઐતિહાસિક પગલું હશે.
અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન સંઘર્ષની પૃષ્ઠભૂમિ
આ સંઘર્ષની શરૂઆત ૨૮ ફેબ્રુઆરીએ અમેરિકા-ઈઝરાયેલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા હુમલાથી થઈ હતી. જેમાં ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈનું મૃત્યુ થયું હતું.આ હુમલાના જવાબમાં ઈરાને ખાડી દેશોમાં આવેલા અમેરિકી સૈન્ય મથકો પર વળતો પ્રહાર કર્યો હતો. ઈરાને ઈઝરાયેલ પર પણ મિસાઈલો છોડી હતી. આ યુદ્ધ દરમિયાન હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજોની અવરજવર મોટા પાયે ખોરવાઈ ગઈ હતી.
ટ્રમ્પની કડક ચેતવણી અને અલ્ટીમેટમ
અમેરિકી રાષ્ટ્રપતિએ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રૂથ સોશિયલ’ પર સ્પષ્ટપણે ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે, જો ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ નહીં ખોલે અને સમજૂતી નહીં કરે, તો તેણે ગંભીર પરિણામો ભોગવવા પડશે. ટ્રમ્પે અગાઉ કહ્યું હતું કે, જો રસ્તો ખોલવામાં નહીં આવે તો અમેરિકા ઈરાનના એનર્જી સેક્ટર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સંપૂર્ણપણે તબાહ કરી શકે છે. તેમણે પાવર પ્લાન્ટ્સ અને બ્રિજને નિશાન બનાવવાની પણ ધમકી આપી હતી.
નોંધનીય છે કે, ટ્રમ્પે અગાઉ ઈરાનને ૪૮ કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું. જેની સમયમર્યાદા અનેકવાર લંબાવ્યા બાદ અંતે ૮ એપ્રિલની રાત સુધી કરવામાં આવી હતી. એક ઇન્ટરવ્યુમાં ટ્રમ્પે દાવો કર્યો હતો કે, ઈરાનના સામાન્ય લોકો તેમની સરકારથી ખુશ નથી અને તેઓ અમેરિકાની કાર્યવાહીનું સમર્થન કરી શકે છે. જોકે, હાલ પૂરતો યુદ્ધવિરામ જાહેર થતા વિશ્વએ રાહતનો શ્વાસ લીધો છે.
- Advertisement -
- Advertisement -