18 C
Ahmedabad
Saturday, November 21, 2026

ગિરનાર ખાતે આગામી તા.20 થી 24 નવેમ્બર દરમિયાન પવિત્ર ‘લીલી પરિક્રમા-2026’નું ભવ્ય આયોજન: લાખો ભાવિકોની સુવિધા અને સુરક્ષા માટે જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ


વન-પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાનો શ્રદ્ધાળુઓને પ્રકૃતિના જતન અને નિયમોના પાલન માટે અનુરોધ

450 એસ.ટી. બસ, 11 દવાખાના, 2500થી વધુ શૌચાલય, અવિરત પાણી-વીજળી અને 2,200થી વધુ સુરક્ષાકર્મીઓ તૈનાત: જિલ્લા કલેકટર શ્રી યોગેશ ચૌધરી

પરિક્રમા દરમિયાન દત્ત ચોક ખાતે 24 કલાક કંટ્રોલ રૂમ કાર્યરત રહેશે

વન વિભાગના સંકલનથી જંગલ રૂટ પર ૨૦ સ્થળોએ ડી.જી. સેટ સાથે હંગામી સિક્યુરિટી લાઈટિંગ

વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ગાંધીનગર ખાતેથી સર્વે શ્રદ્ધાળુઓને ગિરનાર લીલી પરિક્રમાની શુભકામનાઓ પાઠવતા પ્રકૃતિનું જતન કરવા અને સુરક્ષાના નિયમોનું પાલન કરવા નમ્ર અપીલ કરી છે. તેમણે પરિક્રમા પથની પવિત્રતા જાળવવા પ્લાસ્ટિકની થેલીઓ, બોટલો કે અન્ય ચીજવસ્તુઓ સાથે ન લઈ જવા અને કચરાનો યોગ્ય નિકાલ કરવા જણાવ્યું છે. આ ઉપરાંત, પીવાના પાણીની મર્યાદિત વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને વૃદ્ધો, અશક્ત વ્યક્તિઓ અને બાળકોને સાથે ન લાવવા, જંગલમાં સૂકા ઘાસને કારણે આગ લાગવાના ભયથી બીડી, સિગારેટ કે જ્વલનશીલ વસ્તુઓનો ઉપયોગ ટાળવા તથા ગીર વિસ્તારમાં વન્ય પ્રાણીઓની વધુ વસ્તી હોવાથી નિર્ધારિત રૂટની બહાર ન જઈ સમૂહમાં જ ચાલવા ખાસ અનુરોધ કર્યો છે.

ભક્તિ, પ્રકૃતિ અને અતૂટ શ્રદ્ધાના મહાસંગમ સમાન પવિત્ર ‘લીલી પરિક્રમા-૨૦૨૬’નો આગામી તા. ૨૦ થી ૨૪ નવેમ્બર દરમિયાન જૂનાગઢના ગિરનાર ખાતે ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ વર્ષે લાખોની સંખ્યામાં આવનાર ભાવિકોના ઉત્સાહને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા અભૂતપૂર્વ તૈયારીઓ કરવામાં આવી છે.

પરિક્રમા દરમિયાન યાત્રિકો કોઈપણ અગવડતા વિના નિર્વિઘ્ને અને સુરક્ષિત રીતે આ પવિત્ર યાત્રા પૂર્ણ કરી શકે તે હેતુથી જિલ્લા કલેકટર શ્રી યોગેશ ચૌધરીના અધ્યક્ષસ્થાને વહીવટી તંત્રની એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં શ્રદ્ધાળુઓ માટે સુરક્ષા, પીવાના પાણી, વીજળી, આરોગ્ય, સ્વચ્છતા અને પરિવહન સહિતની તમામ પાયાની સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે તંત્રને સંપૂર્ણપણે સજ્જ કરવામાં આવ્યું છે.

ગિરનાર લીલી પરિક્રમા-૨૦૨૬ અંગે વિગતો આપતા જૂનાગઢના જિલ્લા કલેકટર શ્રી યોગેશ ચૌધરીએ જણાવ્યું હતું કે, તા. ૨૦ નવેમ્બરની મધ્યરાત્રીએ પરિક્રમાનો વિધિવત પ્રારંભ થશે. આ વર્ષે પરિક્રમા રૂટના સૌથી ઊંચા અને કઠિન ગણાતા નળ પાણીની ઘોડી વિસ્તાર સહિત સમગ્ર માર્ગ પર પીવાના પાણીની કોઈ અછત ન રહે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, તેમજ વન વિભાગ દ્વારા રૂટની મરામત, વિવિધ સ્થળોએ રાવટીઓ અને ૪૨૫થી વધુ વનકર્મીઓને ફરજ સોંપવામાં આવી છે.

કલેકટર શ્રી ચૌધરીએ જણાવ્યું હતું કે, પીવાના પાણીની સુવિધા માટે પાણી પુરવઠા બોર્ડ દ્વારા ૩૩ બોર, ૯ કૂવા, ૭ હેન્ડપંપ અને ૫,૦૦૦ લિટરની ક્ષમતાવાળી ૫૦ ટાંકીઓ મારફતે સતત પાણી પૂરું પાડવામાં આવશે, જેના માટે ૨૮ પંપ અને ૩૦ ડી.જી. સેટ કાર્યરત રહેશે. ત્રણ ઝોનમાં ૧૬ કર્મચારીઓ મોનિટરિંગ કરશે અને ૧૧ કર્મચારીઓ સાથે ૨૪ કલાક કંટ્રોલ રૂમ તથા લેબોરેટરી દ્વારા પાણીનું નિયમિત ક્લોરિનેશન અને પરીક્ષણ કરવામાં આવશે. આ સાથે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા તા. ૧૮ નવેમ્બરથી ૪૩ લાખ લિટરના ભૂગર્ભ સંપ, બે ઊંચી ટાંકી, ૧૮ બોર અને ૧૦ હેન્ડપંપ દ્વારા સતત પાણી પુરવઠો અપાશે, તેમજ ભવનાથ અને પાર્કિંગ વિસ્તારના દબાણો હટાવી રસ્તાનું પેચવર્ક પૂર્ણ કરવામાં આવ્યું છે.

સ્વચ્છતા અંગે વિગતો આપતા તેમણે જણાવ્યું હતું કે, સ્વચ્છતા અને જાહેર સુવિધાઓના ભાગરૂપે મહાનગરપાલિકાના ૨૦૦ સફાઈ કામદારો અને ૧૭ સુપરવાઈઝરો દ્વારા ૨૪ કલાક સફાઈ તથા જંતુનાશક દવાનો છંટકાવ કરાશે, અને કચરાના નિકાલ માટે ૫ પિકઅપ વાન, ૧ JCB, ૩ ટ્રેક્ટર અને ૧ ડમ્પર કાર્યરત રહેશે. આઠ સ્થળોએ વિનામૂલ્યે જાહેર શૌચાલયો ઊભા કરાયા છે, જેમાં દિવ્યાંગો અને ટ્રાન્સજેન્ડર માટે અલગ વ્યવસ્થા છે, ઉપરાંત ૩ મોબાઈલ ટોયલેટ, ૨ પે-એન્ડ-યુઝ અને સમાજ તથા વાડીઓના ૨,૫૨૨ શૌચાલયો ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત ૪૦૦થી વધુ LED ફ્લડ લાઈટ, ૬ ડી.જી. સેટ અને આઠ સ્થળોએ ફાયર ટેન્ડર, એમ્બ્યુલન્સ તથા ડ્રાઈવર, ફાયરમેન અને તરવૈયાઓ મળી કુલ ૩૨ કર્મચારીઓ તૈનાત રહેશે.

વીજ પુરવઠા અને માર્ગ-મકાન વિભાગની કામગીરી અંતર્ગત PGVCL દ્વારા ભવનાથ સબસ્ટેશન ઉપરાંત ૫ વૈકલ્પિક બેકઅપ ફીડર તૈયાર રાખવામાં આવ્યા છે તેમજ દત્ત ચોક ખાતે તા. ૨૦ થી ૨૪ નવેમ્બર સુધી ૨૪ કલાક કંટ્રોલ રૂમ કાર્યરત રહેશે. માર્ગ-મકાન વિભાગ અને વન વિભાગના સંકલનથી જંગલ રૂટ પર ૨૦ સ્થળોએ ડી.જી. સેટ સાથે હંગામી સિક્યુરિટી લાઈટિંગ અને હિંસક પ્રાણીઓની અવરજવરવાળા વિસ્તારોમાં વિશેષ પ્રકાશની વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રથમ વખત માળવેલા ઘોડીની ટોચ પર ડી.જી. સેટ મુકાશે, તેમજ જાંબુડી નાકા ફોરેસ્ટ ઓફિસ સામે ઈમરજન્સી ટ્રબલશૂટિંગ કેમ્પ કાર્યરત રહેશે, તેમ તેમણે ઉમેર્યું હતું.

કલેક્ટરશ્રીએ કહ્યું હતું કે, આરોગ્ય અને પરિવહન સેવાઓમાં જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકા દ્વારા રૂટ પર ૧૧ કામચલાઉ દવાખાનાં, ૮ વધારાની મેડિકલ ટીમ, ૬ સ્થળોએ એમ્બ્યુલન્સ અને ૨ મોબાઈલ હેલ્થ યુનિટ તૈનાત કરાયા છે. નાકોડા UHC ખાતે વેન્ટિલેટર સહિતનું કામચલાઉ ICU અને ટિંબાવાડી CHC ખાતે દાખલ કરવાની સુવિધા ઊભી કરવામાં આવી છે, જ્યારે વૃદ્ધ યાત્રાળુઓનું BP અને હૃદય સંબંધિત સ્ક્રીનિંગ થશે તેમજ મહાનગરપાલિકાના ૫૦ આરોગ્ય કર્મચારીઓ ફરજ બજાવશે. પરિવહન માટે એસ.ટી. વિભાગ દ્વારા કુલ ૪૫૦ બસો દોડાવાશે, જેમાં ભવનાથ તળેટી માટે ૫૦ મીની બસ, મુખ્ય શહેરો માટે ૨૩૦ બસ અને અન્ય વિભાગની ૧૭૦ બસનો સમાવેશ થાય છે, સાથે જ બસ સ્ટેશન પર ૮ ક્યુ-લાઈન, ૨ વધારાના રિઝર્વેશન કાઉન્ટર, ૧૦૦ ટકા GPS ટ્રેકિંગ, ડિજિટલ પેમેન્ટ અને ૭૫૦થી વધુ સ્ટાફ કાર્યરત રહેશે.

વધુમાં, યાત્રિકોની ભોજન વ્યવસ્થા માટે વન વિભાગ દ્વારા ૭૦ જેટલી નાની-મોટી સંસ્થાઓને પ્રસાદ, અન્નક્ષેત્ર અને સદાવ્રત ચલાવવાની મંજૂરી આપવામાં આવી છે. અગાઉના વર્ષોના આંકડાઓ પર નજર કરીએ તો, વર્ષ ૨૦૨૨માં ૧૨.૧૯ લાખ, વર્ષ ૨૦૨૩માં ૧૬.૨૫ લાખ અને વર્ષ ૨૦૨૪માં ૭.૮૪ લાખ અંદાજિત યાત્રિકોએ પરિક્રમાનો લાભ લીધો હતો, જ્યારે વર્ષ ૨૦૨૫માં પરિક્રમાના સમય દરમિયાન વરસાદ પડવાને કારણે તેનું આયોજન થઈ શક્યું ન હતું, તેમ તેમણે ઉમેર્યું હતું.

જિલ્લા પોલીસ વડા શ્રી સુબોધ ઓડેદરાએ જણાવ્યું હતું કે, શહેરમાંથી ભવનાથ જતા યાત્રિકોને મુશ્કેલી ન પડે તે માટે વાહનોની અવરજવર પર નિયંત્રણ રાખી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આઠ ઝોનમાં 40 પોલીસ ચોકીઓ કાર્યરત કરવામાં આવી છે, જ્યાં 7 DySP, 26PI, 75 PSI, 900 પોલીસ કર્મચારીઓ, 500 હોમગાર્ડ,700 GRD, 1 SRP કંપની અને 1 SDRF પ્લાટૂન સુરક્ષા બંદોબસ્ત સંભાળશે. બહારના વાહનો માટે 4 એન્ટ્રી પોઈન્ટ, 2 જાહેર પાર્કિંગ અને 6 ખાનગી પાર્કિંગ બનાવાયા છે તથા ભવનાથ વિસ્તારમાં વન-વે ટ્રાફિક અમલી રહેશે. CCTV લાઈવ ટેલિકાસ્ટ અને 3 ઈમરજન્સી રૂટની સુવિધા સાથે ખાનગી વાહનો, ફટાકડા, ખુલ્લા ખાદ્યપદાર્થો અને ગંદકી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -