દિવાળી ખુશીઓની એક ઈદ છે’ : કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવેદનથી વિવાદ, ભાજપે કહ્યું- કોંગ્રેસની નીતિ સનાતન વિરોધી
રવિવારે સમગ્ર દેશમાં દિવાળીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક હસ્તીઓએ દેશવાસીઓને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી. જોકે, આ દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના દિવાળીની શુભેચ્છા આપતા નિવેદનને લઈને રાજકીય વિવાદ ઊભો થયો છે. ખડગેએ દિવાળીને ‘ખુશીઓની એક ઈદ’ ગણાવતા ભાજપે કોંગ્રેસ અને ખડગે પર નિશાન સાધ્યું છે. ભાજપે આ નિવેદનને સનાતન વિરોધી ગણાવ્યું છે.
શું કહ્યું હતું મલ્લિકાર્જુન ખડગેએ?
દિવાળીના અવસરે દેશવાસીઓને શુભેચ્છા પાઠવતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે, “હું સૌને દિવાળીની શુભેચ્છાઓ આપું છું. આપણા હિન્દુસ્તાનમાં આ એક મોટો તહેવાર છે, જે તમામ લોકો ઉજવે છે. તેનું કારણ એ છે કે આ ખુશીઓની એક ઈદ છે. લાંબા સમય સુધી ચાલતો આ તહેવાર લોકોને સુખ-શાંતિથી રહેવા અને પોતાના લોકો સાથે મળવાનો અવસર આપે છે. હું દેશના તમામ લોકોને શુભેચ્છાઓ પાઠવું છું.”
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે પણ ‘નફરત ફેલાવવી એ હિન્દુત્વ છે’ તેવું નિવેદન આપ્યું હોવાનો ઉલ્લેખ આ રાજકીય ચર્ચામાં થઈ રહ્યો છે.
કોંગ્રેસની નીતિ સનાતન વિરોધી હોવાનો ભાજપનો આક્ષેપ
ખડગેના નિવેદન સામે ભાજપે વળતો પ્રહાર કર્યો છે. ભાજપનો આક્ષેપ છે કે દિવાળી જેવા પવિત્ર તહેવારના અવસરે પણ કોંગ્રેસ તુષ્ટિકરણની રાજનીતિ કરી રહી છે.
ભાજપના પ્રવક્તા પ્રદીપ ભંડારીએ ખડગે અને કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, “દિવાળીના અવસરે પણ કોંગ્રેસે વોટબેંકની રાજનીતિ પસંદ કરી. કોંગ્રેસ અધ્યક્ષે દિવાળીને ‘ખુશીઓની ઈદ’ ગણાવી. યાદ કરો, સોનિયા ગાંધી બાબરી માટે રડ્યાં હતાં. અગાઉ જ્યારે સનાતન ધર્મને ‘ડેન્ગ્યુ, મેલેરિયા અને એડ્સ’ ગણાવવામાં આવ્યો હતો ત્યારે કોંગ્રેસ મૌન રહી હતી. ગાંધી-વાડ્રા પરિવારના નેતૃત્વમાં કોંગ્રેસની નીતિ સનાતન વિરોધી અને હિન્દુ વિરોધી છે.”
આ નિવેદન બાદ દિવાળીના તહેવારને લઈને રાજકીય નિવેદનબાજી તેજ બની છે.
- Advertisement -
- Advertisement -