ક્રિકેટ જગતમાં પણ દિવાળીની ધૂમધામ: ધોનીથી લઈને અભિષેક શર્મા સુધી, સ્ટાર ક્રિકેટર્સના ફેસ્ટિવ લુકની તસવીરો વાયરલ
દેશભરમાં પ્રકાશના પર્વ દિવાળીની 8 નવેમ્બરે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. સામાન્ય લોકોની સાથે ભારતીય ક્રિકેટ જગતના જાણીતા ખેલાડીઓએ પણ પરિવાર અને મિત્રો સાથે દિવાળીની ખુશીઓ મનાવી હતી. ક્રિકેટરોના દિવાળી સેલિબ્રેશનની સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. જેને જોઈને ચાહકો પણ ખુશ થઈ રહ્યા છે. મહેન્દ્રસિંહ ધોની, અભિષેક શર્મા અને સચિન તેંડુલકર સહિતના દિગ્ગજ ક્રિકેટરોએ સોશિયલ મીડિયા પર દિવાળી ઉજવણીની તસવીરો શેર કરી હતી.
સાક્ષી ધોનીએ શેર કરી પરિવારની તસવીરો

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ પરિવાર સાથે સાદગીભર્યા અંદાજમાં દિવાળીની ઉજવણી કરી હતી. ધોનીની પત્ની સાક્ષી ધોનીએ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી હતી. તસવીરોમાં ધોની હળવા લીલા રંગના કુર્તામાં જોવા મળી રહ્યા છે, જ્યારે સાક્ષી કાળા રંગના પરંપરાગત પોશાકમાં સુંદર લાગી રહી છે. ધોની, સાક્ષી અને તેમની પુત્રી જીવા કપાળે તિલક લગાવીને હસતાં જોવા મળે છે.
અભિષેક શર્માએ પરિવાર સાથે મનાવી દિવાળી

ભારતીય ક્રિકેટ ટીમના આક્રમક બેટ્સમેન અભિષેક શર્માએ પણ પરિવાર સાથે દિવાળીની ઉજવણી કરી હતી. તેણે સોશિયલ મીડિયા પર ઉજવણીની કેટલીક તસવીરો શેર કરી હતી. આ તસવીરોમાં અભિષેક જાંબલી રંગના પરંપરાગત પોશાકમાં જોવા મળી રહ્યો છે. તેની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
સચિન તેંડુલકરે પત્ની સાથે કરી લક્ષ્મીપૂજા

ક્રિકેટના દિગ્ગજ સચિન તેંડુલકરે પણ પત્ની અંજલિ તેંડુલકર સાથે દિવાળીની ઉજવણી કરી હતી. બંનેએ ઘરે લક્ષ્મીપૂજન કર્યું હતું. તસવીરોમાં સચિન અને અંજલિ હાથ જોડીને ભગવાનની પ્રાર્થના કરતા જોવા મળે છે. તેમની સામે પૂજાની થાળી, ફળ, ફૂલો અને પ્રગટાવેલા દીવાઓ જોવા મળે છે. પરંપરાગત અને ભક્તિમય માહોલમાં બંનેએ દિવાળીના પર્વની ઉજવણી કરી હતી.
- Advertisement -
- Advertisement -