26.6 C
Ahmedabad
Saturday, November 7, 2026

વ્હાઇટ હાઉસમાં પણ દિવાળીની ધામધૂમ: ટ્રમ્પને ભેટમાં અપાઈ હનુમાન ચાલીસા, ઓવલ ઓફિસમાં પ્રગટાવાયા દીવા


અમેરિકાના વ્હાઇટ હાઉસમાં પણ દિવાળીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ભારતીય મૂળના લોકોએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ઓવલ ઓફિસમાં દિવાળીની ઉજવણી કરી હતી. આ ખાસ પ્રસંગે ટ્રમ્પને હનુમાન ચાલીસાની ભેટ આપવામાં આવી હતી. દિવાળીના અવસરે ઓવલ ઓફિસમાં પરંપરાગત રીતે દીવા પણ પ્રગટાવવામાં આવ્યા હતા.

ભારતીય ટેક ઉદ્યોગસાહસિક વિશાલ ગોંડલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ કાર્યક્રમની તસવીરો અને વિગતો શેર કરી હતી. તેમણે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે દિવાળીની ઉજવણી કરવી તેમના માટે ગૌરવની વાત છે. આ પ્રસંગે તેમણે ટ્રમ્પને હનુમાન ચાલીસા ભેટ આપી હતી. હનુમાન ચાલીસાનું કરોડો લોકો સાહસ, ભક્તિ અને શક્તિ મેળવવા માટે પઠન કરે છે.

ભારત-અમેરિકાની મિત્રતા માટે કરી પ્રાર્થના

વિશાલ ગોંડલે જણાવ્યું હતું કે ઓવલ ઓફિસમાં દીવા પ્રગટાવવામાં આવ્યા ત્યારે તેમણે ભારત અને અમેરિકા વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બને તેવી પ્રાર્થના કરી હતી. સાથે જ વિશ્વમાં અંધકાર પર પ્રકાશનો વિજય થાય અને સૌના જીવનમાં શાંતિ, સમૃદ્ધિ, સારું સ્વાસ્થ્ય તથા દીર્ઘાયુ પ્રાપ્ત થાય તેવી શુભેચ્છા પાઠવી હતી.

તેમણે ભારતીય પરંપરાના આશીર્વાદ ‘જુગ જુગ જિયો’નો પણ ઉલ્લેખ કર્યો હતો. તેનો અર્થ લાંબું અને સુખી જીવન જીવો એવો થાય છે.

વિકાસ ખન્ના સહિત અનેક જાણીતી હસ્તીઓ હાજર

વ્હાઇટ હાઉસમાં યોજાયેલા દિવાળી સમારોહમાં જાણીતા મિશેલિન સ્ટાર શેફ વિકાસ ખન્ના અને કેનેડાનાં પૂર્વ સાંસદ રૂબી ધલ્લા સહિત ભારતીય મૂળની અનેક જાણીતી હસ્તીઓ ઉપસ્થિત રહી હતી. આ કાર્યક્રમ દ્વારા અમેરિકાના રાષ્ટ્રપતિ ભવનમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરાની ઝલક જોવા મળી હતી.

ઉલ્લેખનીય છે કે વ્હાઇટ હાઉસમાં દિવાળીની આ ઉજવણી એવા સમયે યોજાઈ હતી, જ્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના વહીવટીતંત્રમાં મોટા ફેરફારની જાહેરાત કરી હતી. તેમણે સ્ટીફન મિલરને નવા ચીફ ઓફ સ્ટાફ તરીકે નિયુક્ત કરવાની જાહેરાત કરી હતી. તેઓ સોમવારથી સુઝી વાઇલ્સનું સ્થાન સંભાળશે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -