રખિયાલ પોલીસની મોટી સફળતા: ૩ વર્ષથી પેરોલ જમ્પ કરી ફરાર થયેલો ખૂન કેસનો કુખ્યાત કેદી ઝડપાયો, સાબરમતી જેલ હવાલે!
ગાંધીનગર જિલ્લાના રખિયાલ પોલીસ સ્ટેશને 3 વર્ષથી પેરોલ જમ્પ કરીને નાસતા ફરતા ખૂન કેસના એક કુખ્યાત કેદીને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. અમદાવાદ મધ્યસ્થ જેલમાંથી પેરોલ રજા પર છૂટ્યા બાદ સમયસર હાજર ન થઈને ફરાર થયેલા આ કેદીને પોલીસે ચોક્કસ બાતમીના આધારે દબોચીને સાબરમતી મધ્યસ્થ જેલ હવાલે કર્યો છે.
આ સફળ કાર્યવાહી ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નરેન્દ્રસિંહ યાદવ, ગાંધીનગર જિલ્લા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમસેટ્ટી અને દહેગામ ડિવિઝનના મદદનીશ પોલીસ અધિક્ષક આયુષ જૈનના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. ઉચ્ચ અધિકારીઓની સૂચનાઓ મુજબ નાસતા ફરતા અને પેરોલ જમ્પ કરનાર આરોપીઓને પકડવાની વિશેષ ઝુંબેશ ચાલી રહી છે.
આ અભિયાન અંતર્ગત રખિયાલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એલ. ગોયલના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન પોલીસ કર્મીઓને મળેલી બાતમીના આધારે, IPC કલમ 302 (મર્ડર) ના ગુનામાં સજા ભોગવતો અને પેરોલ જમ્પ કરનાર ભરતજી ઉદાજી ઠાકોર (કેદી નં. C/15617) રખિયાલ રેલવે સ્ટેશન નજીક ફેફરીયા ગામની સીમ પાસેથી ઝડપાઈ ગયો હતો.
આરોપી તા. 18/02/2023 ના રોજ 10 દિવસની પેરોલ રજા પર મુક્ત થયા બાદ તા. 28/02/2023 ના રોજ જેલમાં પરત હાજર થયો ન હતો. જેથી તેની સામે રાણીપ પોલીસ સ્ટેશનમાં પ્રિઝન્સ એક્ટ મુજબ ગુનો નોંધાયો હતો. હાલ રખિયાલ પોલીસે કાયદેસરની તમામ પ્રક્રિયા પૂર્ણ કરી આરોપીને સાબરમતી મધ્યસ્થ જેલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
- Advertisement -
- Advertisement -