દહેગામ : રખિયાલના સર્વેશ્વર મહાદેવ મંદિર ખાતે આસ્થાના પર્વ ગૌરી વ્રતની ઉજવણી
રખિયાલ વિસ્તારમાં પવિત્ર શ્રાવણ માસના આગમન પૂર્વે શ્રદ્ધા અને આસ્થાના પર્વ એવા ગૌરી વ્રતની ઉત્સાહભેર ઉજવણી ચાલી રહી છે. વ્રતના બીજા દિવસે રખિયાલના પ્રખ્યાત સર્વેશ્વર મહાદેવ મંદિર અને રામજી મંદિર ખાતે વિશેષ ધાર્મિક અનુષ્ઠાન અને પૂજા-અર્ચનાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
બીજા દિવસની આ પૂજામાં વિસ્તારની મોટી સંખ્યામાં નાની બાળાઓ અને યુવતીઓએ ભારે ઉત્સાહભેર ભાગ લીધો હતો. વ્રતધારી બાળાઓએ સવારથી જ મંદિરમાં ઉપસ્થિત રહીને વિધિવત રીતે માતા ગૌરી અને ભગવાન શિવની પૂજા-અર્ચના કરી હતી.
મંદિરના પ્રાંગણમાં એકત્રિત થયેલી બાળાઓ દ્વારા સામૂહિક રીતે ભગવાનની આરતી ઉતારવામાં આવી હતી, જેનાથી સમગ્ર મંદિર પરિસર ભક્તિમય અને દિવ્ય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું. ધાર્મિક વિધિ પૂર્ણ થયા બાદ ઉપસ્થિત સૌએ ધન્યતા અનુભવી હતી.
આ પર્વને લઈને બાળાઓમાં અનોખો આનંદ જોવા મળ્યો હતો. મંદિરના પદાધિકારીઓ અને સ્થાનિક શ્રેષ્ઠીઓના સહયોગથી પૂજા વિધિ સુચારૂ રૂપે સંપન્ન થઈ હતી, જેમાં ધર્મપ્રેમી નાગરિકો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
- Advertisement -
- Advertisement -