ગાંધીનગર, 14 જુલાઈ: ગુજરાતના વન્યજીવ સંરક્ષણના ઇતિહાસમાં એક સુવર્ણ પૃષ્ઠ ઉમેરાયું છે. વર્ષ 1950-60ના દાયકામાં ગીરના જંગલોમાંથી લુપ્ત થઈ ગયેલા ‘ઇન્ડિયન ગ્રે હોર્નબિલ’ (ચિલોત્રા) પક્ષીઓને ફરીથી વસાવવાના રાજ્ય સરકારના પ્રોજેક્ટને મોટી સફળતા મળી છે. ગીરમાં હવે આ પક્ષીઓ માત્ર સ્થાયી જ નથી થયા, પરંતુ માળા બનાવીને પ્રજનન પણ કરી રહ્યા છે.
પ્રોજેક્ટની સફળતાની મુખ્ય વિગતો
-
પુનઃસ્થાપન: 2021થી 2023 દરમિયાન બે તબક્કામાં કુલ 40 ચિલોત્રા પક્ષીઓને અરવલ્લીના જંગલોમાંથી લાવી ગીરના જંગલમાં મુક્ત કરવામાં આવ્યા હતા.
-
વૈજ્ઞાનિક મોનિટરિંગ: મુક્ત કરાયેલા પક્ષીઓમાંથી 11 નર પક્ષીઓમાં સેટેલાઇટ ટ્રાન્સમીટર લગાવી તેમની હિલચાલ, વસવાટ અને પ્રજનન પદ્ધતિનું સતત નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
-
અનુકૂલન: સેટેલાઇટ ટ્રેકિંગ મુજબ, શરૂઆતમાં નવા વાતાવરણમાં શોધખોળ માટે પક્ષીઓ લાંબી મુસાફરી કરતા હતા (સરેરાશ 61 ચો.કિમી વિસ્તાર), પરંતુ હવે તેઓ ગીરની ઇકોસિસ્ટમમાં સંપૂર્ણ રીતે અનુકૂલિત થઈ ગયા છે. અને તેમનો સક્રિય વિસ્તાર ઘટીને 5.7 ચો.કિમી થયો છે.
ઈકોલોજીમાં ચિલોત્રાનું મહત્વ
વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ વિનોદ રાવના જણાવ્યા અનુસાર, ચિલોત્રા પક્ષીઓ જંગલના કુદરતી પુનર્જીવન માટે અત્યંત મહત્વના છે. તેઓ લાંબા અંતર સુધી ફળ આપતા વૃક્ષોના બીજનું વહન કરીને જંગલના ફેલાવામાં કુદરતી સહાયક તરીકેની ભૂમિકા ભજવે છે.
આ પણ વાંચો:
ગુજરાત ATSની મોટી સફળતા: પાટણ અને બનાસકાંઠામાંથી ‘જૈશ-એ-મોહમ્મદ’ના 7 આતંકવાદીઓ ઝડપાયા
આંતરરાષ્ટ્રીય જર્નલમાં નોંધ
આ સફળતાની વૈશ્વિક સ્તરે પણ નોંધ લેવાઈ છે. આંતરરાષ્ટ્રીય પીઅર-રીવ્યુડ જર્નલ ‘બર્ડ્સ’ (Birds) માં આ પ્રોજેક્ટ પર એક વ્યાપક સંશોધન પત્ર પ્રકાશિત થયું છે. જેમાં ગીરમાં ચિલોત્રાના સફળ પુનઃવસન અને તેમના વર્તણૂકીય પાસાઓનું વિશ્લેષણ રજૂ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો:
રાજસ્થાનમાં 2 મહિનામાં 18 પ્રસૂતાઓનું નિધન, સિઝેરિયન પછી કિડની ફેલ થવાના કિસ્સાઓથી તંત્ર હચમચી ગયું
નેતૃત્વ અને પ્રતિભાવો
-
વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા: “1950-60ના દાયકામાં અદ્રશ્ય થયેલા પક્ષીનું ગીરમાં પુનઃસ્થાપન એ એક સીમાચિહ્નરૂપ સિદ્ધિ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત વન્યજીવ સંરક્ષણનું મોડેલ વિશ્વ માટે ઉદાહરણરૂપ બન્યું છે.”
-
રાજ્ય મંત્રી પ્રવિણ માળી: “રાજ્યના વન્યજીવ સંરક્ષણના પ્રયાસો પર આજે સમગ્ર દેશ ગર્વ અનુભવી રહ્યો છે. જે આપણી પ્રાકૃતિક વિરાસત પ્રત્યેની નિષ્ઠા દર્શાવે છે.”

