રાજસ્થાનમાં 2 મહિનામાં 18 પ્રસૂતાઓનું નિધન, સિઝેરિયન પછી કિડની ફેલ થવાના કિસ્સાઓથી તંત્ર હચમચી ગયું
રાજસ્થાનની સરકારી હોસ્પિટલોમાંથી અત્યંત ચોંકાવનારા અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં મે મહિનાથી અત્યાર સુધીમાં ડિલિવરી બાદ 18 મહિલાઓના મોત નિપજ્યા છે. જ્યારે સિઝેરિયન ઓપરેશન બાદ કિડની ફેલ થવાના કારણે અન્ય 7 મહિલાઓ હાલ ડાયાલિસિસ પર જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે સમગ્ર મામલાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે.
મામલો ત્યારે વધુ ગંભીર બન્યો જ્યારે 5 થી 10 જુલાઈની વચ્ચે માત્ર ભીલવાડા અને બાંસવાડામાં જ 9 મહિલાઓએ જીવ ગુમાવ્યા હતા.
ક્યાં અને કેવી રીતે બની ઘટનાઓ?
-
ભીલવાડા: મહાત્મા ગાંધી હોસ્પિટલમાં માત્ર છ દિવસમાં 5 મહિલાઓના સિઝેરિયન ડિલિવરી બાદ મોત થયા છે. સર્જરી પછી તબિયત લથડતા તેમને આઈસીયુમાં ખસેડવામાં આવી હતી.જ્યાં સારવાર દરમિયાન તેમણે દમ તોડ્યો હતો.
-
કોટા: મે મહિનામાં એક સરકારી હોસ્પિટલમાં ૫ પ્રસૂતાઓના મોતની ઘટના સામે આવી હતી.
-
બીકાનેર: જૂન મહિનામાં સિઝેરિયન ઓપરેશન બાદ 6 મહિલાઓની કિડની ફેલ થઈ ગઈ હતી. જેમાંથી 2 ના મોત થયા છે અને બાકીની 7 મહિલાઓ હજુ પણ ડાયાલિસિસ પર છે.
“મોતનું આ પેટર્ન રહસ્યમય છે, અમે પણ સ્તબ્ધ છીએ” – સ્વાસ્થ્ય મંત્રી વધતી જતી ઘટનાઓ પર ચિંતા વ્યક્ત કરતા રાજસ્થાનના સ્વાસ્થ્ય મંત્રી ગજેન્દ્ર સિંહ ખીંવસરે કહ્યું કે, આ મોતનું પેટર્ન અધિકારીઓ માટે પણ આશ્ચર્યજનક છે. મંત્રીએ જણાવ્યું હતું કે, “આટલા ટૂંકા ગાળામાં અને એકસાથે આટલી મોટી સંખ્યામાં મોત શા માટે થઈ રહ્યા છે તેનું ચોક્કસ કારણ સમજાયું નથી. શરૂઆતમાં અમને લાગ્યું કે કદાચ અતિશય ગરમીને કારણે આવું થતું હશે, પરંતુ હવે તો ગરમી પણ ઓછી થઈ ગઈ છે. બ્લડ રિપોર્ટ્સ અને અન્ય તમામ તપાસના અહેવાલો સામાન્ય આવી રહ્યા છે, છતાં મોત થઈ રહ્યા છે. અમારે આની પાછળનું સાચું કારણ શોધવું જ પડશે.”
મંત્રીએ અસરગ્રસ્ત જિલ્લાઓના વરિષ્ઠ અધિકારીઓ અને તબીબી નિષ્ણાતો સાથે બેઠક બોલાવી છે. સરકાર એઈમ્સ (AIIMS) દિલ્હીની ટીમ અને રાજ્યના ટોચના ગાયનેકોલોજિસ્ટ્સની મદદ પણ લઈ રહી છે.
તપાસના દાયરામાં હોસ્પિટલની વ્યવસ્થા સ્વાસ્થ્ય વિભાગે હોસ્પિટલોના મેડિકલ રેકોર્ડ્સ, સારવારની પદ્ધતિઓ અને વપરાતી દવાઓનું ઓડિટ કરવાનો આદેશ આપ્યો છે. આ દરમિયાન ભીલવાડા હોસ્પિટલમાં સંસાધનોની ભારે અછત પણ સામે આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, હોસ્પિટલમાં દરરોજ 30 થી 40 સિઝેરિયન થાય છે. પરંતુ સર્જરી માટે માત્ર 8 ઇન્સ્ટ્રુમેન્ટ સેટ જ ઉપલબ્ધ છે. નિયમ મુજબ દરેક સેટને ફરીથી વાપરતા પહેલા 3 કલાક સુધી સ્ટરિલાઈઝ (સંક્રમણ મુક્ત) કરવો જરૂરી હોય છે. વધુ પડતા કામના ભારણને કારણે ઈન્ફેક્શન ફેલાવાનું જોખમ વધી રહ્યું છે.
- Advertisement -
- Advertisement -