ગાંધીનગરના લોકભવન ખાતે ઐતિહાસિક આઠ દિવસીય શ્રીરામકથાનું ભક્તિસભર માહોલમાં ભવ્ય સમાપન
ગુજરાત લોકભવન ખાતે આયોજિત ઐતિહાસિક આઠ દિવસીય શ્રીરામકથાનું અત્યંત ભક્તિમય, ઉલ્લાસપૂર્ણ અને ભાવુક વાતાવરણમાં ભવ્ય સમાપન થયું છે. કથાના આઠમા અને અંતિમ દિવસે સુપ્રસિદ્ધ કથાવાચક આચાર્ય શ્રી કુલદીપજી મહારાજે શ્રી હનુમાનજીના અજોડ શૌર્ય, રામ-રાવણ યુદ્ધ અને વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે થયેલા શ્રીરામના રાજ્યાભિષેકનું અત્યંત વિસ્તૃત અને માર્મિક વર્ણન કર્યું હતું.
હનુમાનજીનો પુરુષાર્થ અને વિનમ્રતા જીવનનો શ્રેષ્ઠ પાઠ
કથાના અંતિમ દિવસના સત્રનો પ્રારંભ કરતા આચાર્યશ્રીએ શ્રી હનુમાનજીના મહિમાનું સુંદર વર્ણન કર્યું હતું. તેમણે જણાવ્યું કે, સાચા પુરુષાર્થી માટે આ દુનિયામાં કોઈ પણ કાર્ય અશક્ય નથી. સમસ્યા ગમે તેટલી મોટી કેમ ન હોય, બજરંગબલીએ પોતાના પુરુષાર્થ અને શ્રીરામના આશીર્વાદથી માતા સીતાની શોધનું કઠિન કાર્ય પણ સહજતાથી પૂર્ણ કર્યું હતું. લંકામાં જઈને તેમણે શ્રીરામ નામના વિજયધ્વજને લહેરાવ્યો, જે આજે પણ આપણને ગૌરવની અનુભૂતિ કરાવે છે. આચાર્યશ્રીએ વિશેષ રૂપે હનુમાનજીની વિનમ્રતાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આટલી મોટી સફળતા પ્રાપ્ત કર્યા પછી પણ તેમણે તેનો સંપૂર્ણ શ્રેય પ્રભુ શ્રીરામના ચરણોમાં અર્પણ કર્યો હતો, જે આપણને વિનમ્રતા શીખવે છે.


અધર્મ પર ધર્મના વિજયનું આધ્યાત્મિક દર્શન
સમુદ્ર પર સેતુ બાંધીને લંકા પર ચઢાઈ કરવાના પ્રસંગનું વર્ણન કરતા મહારાજશ્રીએ જણાવ્યું કે, દુષ્ટતા ગમે તેટલી વિશાળ કેમ ન હોય, અંતે સજ્જનતા અને સત્ય સામે તેનો પરાજય નિશ્ચિત છે. રાવણને દુષ્ટતાનું પ્રતીક ગણાવતા તેમણે રામ-રાવણ યુદ્ધના આધ્યાત્મિક રહસ્યો સમજાવ્યા હતા.
જ્યારે વિભીષણે ગભરાઈને શ્રીરામને કહ્યું કે, રાવણ પાસે અજેય રથ અને ભયાનક અસ્ત્ર-શસ્ત્ર છે. ત્યારે આપ રથ વિના આ યુદ્ધ કેવી રીતે જીતશો? આ પ્રસંગે ભગવાન શ્રીરામે વિભીષણને જીવનનું એક મોટું દર્શન આપતા કહ્યું હતું કે, “હે વિભીષણ! જેનાથી વિજય પ્રાપ્ત થાય છે. તે રથ કોઈ ભૌતિક રથ નથી. હું ધર્મરૂપી રથ પર સવાર છું. ભગવાનનું નામ હંમેશા મારી રક્ષા કરે છે અને યમ-નિયમ રૂપી અશ્વો આ રથ સાથે જોડાયેલા છે.”
ભવ્ય દીપોત્સવ અને શ્રીરામ રાજ્યાભિષેક
આચાર્યશ્રીએ આગળ ઉમેર્યું કે, પોતાના ધર્મરૂપી રથ પર સવાર શ્રી રઘુવીરે અંતે રાવણનો વધ કર્યો અને માતા સીતાને પૂરા સન્માન સાથે મુક્ત કરાવ્યા. ત્યારબાદ વિભીષણને લંકાના રાજા બનાવી, 14 વર્ષનો વનવાસ પૂર્ણ કરી પ્રભુ શ્રીરામે અયોધ્યા તરફ પ્રયાણ કર્યું. શ્રીરામના આગમન ટાણે સમગ્ર અયોધ્યા નગરીને દુલ્હનની જેમ શણગારવામાં આવી હતી. અને ભવ્ય દીપોત્સવ મનાવાયો હતો.
કથાના અંતિમ ચરણમાં, વેદોના પવિત્ર મંત્રોચ્ચાર વચ્ચે પ્રભુ શ્રીરામનો રાજ્યાભિષેક સંપન્ન થયો હતો. ‘સિયાવર રામચંદ્ર કી જય’ અને ‘જય શ્રીરામ’ના ગગનભેદી જયઘોષ સાથે આઠ દિવસીય જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિની આ દિવ્ય ગંગાનું વિધિવત સમાપન થયું હતું.
મહાનુભાવોની પ્રેરણાદાયી ઉપસ્થિતિ
આ આધ્યાત્મિક મહોત્સવમાં ગુજરાતના માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, લેડી ગવર્નર શ્રીમતી દર્શના દેવીજી, વન-પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઇ મોઢવાડીયા, વન-પર્યાવરણ રાજ્ય મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી, ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અધ્યક્ષ શ્રી હિમાંજય પાલિવાલ, ધારાસભ્ય શ્રી બાબુભાઇ પટેલ, અગ્રણી ઉદ્યોગપતિ શ્રી ગોવિંદભાઈ વરમોરા, મહારાષ્ટ્ર લોકભવનના અગ્ર સચિવ ડૉ. પ્રશાંત નારનવરે, પૂર્વ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તથા ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ ડૉ. હર્ષદભાઈ પટેલ સહિતના આમંત્રિત મહેમાનો, લોકભવન પરિવાર તેમજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને કથા શ્રવણ કરી ધન્યતા અનુભવી હતી.
- Advertisement -
- Advertisement -