દેશમાં કેશ (રોકડ)ની સતત વધી રહેલી ભારે ડિમાન્ડ વચ્ચે ભારતીય રિઝર્વ બેંક (RBI) કરન્સી નોટોને લઈને એક ખૂબ જ મોટો અને ક્રાંતિકારી નિર્ણય લેવા જઈ રહી છે. આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ સત્તાવાર જાહેરાત કરી છે કે, કેન્દ્રીય બેંક દેશમાં હાલની પરંપરાગત કાગળની નોટોના સ્થાને હાઈટેક પોલિમર (પ્લાસ્ટિક) કરન્સી નોટો લાવવાના પ્રસ્તાવ પર ગંભીરતાથી કામ કરી રહી છે. હાલમાં આ ઐતિહાસિક પ્રોજેક્ટ તેના પ્રારંભિક તબક્કામાં છે.
રોકડના ચલણમાં ઉછાળો આવતા ૧૦ વર્ષ જૂની ફાઈલ ફરી ખુલી
રસપ્રદ વાત એ છે કે, કેન્દ્રીય બેંકે અંદાજે એક દાયકા પહેલા જ દેશમાં પ્લાસ્ટિકની નોટો છાપવાનો વિચાર રજૂ કર્યો હતો. પરંતુ હવે ડિજિટલ પેમેન્ટના જમાનામાં પણ બજારમાં રોકડના ચલણમાં આવેલા જબરદસ્ત ઉછાળાને કારણે આરબીઆઈએ આ યોજનાને ફાઈલોમાંથી બહાર કાઢીને ફરી ઝડપથી શરૂ કરવી પડી છે.
કાગળની નોટો કેમ બનતી હતી માથાનો દુખાવો?
બજારમાં કેશની માંગ વધવાને કારણે કાગળની નોટો છાપવાનો વાર્ષિક ખર્ચ અને સરકારી તિજોરી પરનો બોજ સતત વધી રહ્યો છે. કાગળની નોટો ખૂબ જ ઝડપથી ગંદી થઈ જાય છે, ફાટી જાય છે અથવા ચોમાસામાં સડી જાય છે. આ કારણે દર વર્ષે અબજો રૂપિયાની નોટોને ચલણમાંથી બહાર (ડિસકાર્ડ) કરવી પડે છે, જે આર્થિક રીતે મોટું નુકસાન છે.
વર્ષ 2014માં આ 5 શહેરોમાં થવાની હતી ટ્રાયલ
આ પહેલા ફેબ્રુઆરી 2014માં સરકારે સંસદમાં માહિતી આપી હતી કે, દેશના 5 પસંદગીના શહેરોમાં 10 રૂપિયાના મૂલ્યની 1 અબજ પ્લાસ્ટિક નોટો ફિલ્ડ ટ્રાયલ માટે બજારમાં મુકાશે. દેશની ભૌગોલિક અને આબોહવાની વિવિધતા (Geographical and Climatic Diversity)ને ધ્યાનમાં રાખીને આ શહેરો પસંદ કરાયા હતા:
-
કોચ્ચિ (કેરળ)
-
મૈસૂર (કર્ણાટક)
-
જયપુર (રાજસ્થાન)
-
શિમલા (હિમાચલ પ્રદેશ)
-
ભુવનેશ્વર (ઓડિશા)
ત્યારે કેમ અટકી ગઈ હતી યોજના? વર્ષ ૨૦૧૪માં શરૂ થયેલી આ પ્રક્રિયાને પાછળથી કેટલીક ટેકનિકલ અને ઓપરેશનલ ખામીઓ સામે આવવાને કારણે અધવચ્ચે જ રોકવી પડી હતી. પરંતુ હવે આરબીઆઈ તમામ જૂના પડકારો અને મુશ્કેલીઓને દૂર કરીને આ પ્રોજેક્ટને આધુનિક ટેકનોલોજી સાથે નવા છેડેથી લાગુ કરવા સજ્જ થઈ છે.
કેમ ખાસ છે આ પ્લાસ્ટિક નોટો? જાણો તેના ૩ મોટા ફાયદા:
-
૧. લાંબુ આયુષ્ય (ટકાઉપણું): આ નોટો પાણીમાં પલળવાથી ઓગળતી નથી કે વાળવાથી ફાટતી નથી. કાગળની નોટોની સરખામણીમાં તેનું આયુષ્ય ઘણું વધારે હોય છે.
-
૨. નકલી નોટો પર લાગશે લગામ: પોલિમર નોટોમાં એવા હાઈ-ટેક સિક્યોરિટી ફીચર્સ ઉમેરી શકાય છે. જેની નકલ કરવી કે ડુપ્લિકેટ નકલી નોટ (Fake Currency) બનાવવી માફિયાઓ માટે બિલકુલ અશક્ય બની જશે.
-
૩. ઈકો-ફ્રેન્ડલી અને સ્વચ્છ: પ્લાસ્ટિક નોટો પર ગંદકી, પાણી કે બેક્ટેરિયા સરળતાથી ચોંટતા નથી. આ સિવાય જ્યારે આ નોટો જૂની કે ખરાબ થશે. ત્યારે તેને સંપૂર્ણપણે રીસાઈકલ (પુનઃપ્રાપ્ય) કરીને બીજી વસ્તુઓ બનાવી શકાશે.


