37.3 C
Ahmedabad
Saturday, June 6, 2026

15 વર્ષની નાની ઉંમરે ₹7 કરોડની કમાણી! જાણો વૈભવ સૂર્યવંશી જેવા સગીરોની ઈનકમ પર કેવી રીતે વસૂલાય છે ઈન્કમ ટેક્સ


માત્ર 15 વર્ષની નાની ઉંમરે અંદાજે ₹7 કરોડની નેટવર્થ બનાવીને દેશનો યુવા ક્રિકેટર વૈભવ સૂર્યવંશી આજકાલ મીડિયા અને રમત જગતમાં ભારે સુખર્ખીઓમાં છે. IPL કોન્ટ્રાક્ટ, વિવિધ લીગ મેચો અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સ (જાહેરાતો) દ્વારા તેણે આ નાની ઉંમરે કરોડોની કમાણી કરી છે. પરંતુ અહીં સવાલ એ થાય છે કે, જ્યારે કોઈ સગીર (18 વર્ષથી ઓછી ઉંમરનું બાળક) આટલી મોટી રકમ કમાય છે. ત્યારે ટેક્સનું ગણિત કેવી રીતે કામ કરે છે?

આમ તો સગીર બાળકોની કમાણી તેમના માતા-પિતાની આવકમાં જોડી દેવામાં આવે છે, પરંતુ વૈભવ જેવા ખાસ પ્રતિભાશાળી અને સેલિબ્રિટી બાળકો માટે આવકવેરાના કાયદામાં એક મોટો અને ખાસ અપવાદ રાખવામાં આવ્યો છે.

શું છે કલબિંગ ઓફ ઈનકમ (Clubbing of Income) નો સામાન્ય નિયમ?

ઈન્કમ ટેક્સ એક્ટની સેક્શન ૬૪(૧A) મુજબ, 18 વર્ષથી ઓછી ઉંમરના સગીર બાળકને થતી કોઈપણ સામાન્ય કમાણીને માતા કે પિતામાંથી એ વ્યક્તિની વાર્ષિક આવકમાં જોડી (ક્લબ) દેવામાં આવે છે. જેની વાર્ષિક ટેક્સેબલ આવક વધુ હોય.

  • ₹૧૫૦૦ સુધીની કરમુક્તિ: જો બાળકની વાર્ષિક કમાણી 1500 રૂપિયા સુધીની હોય, તો તે ટેક્સ ફ્રી છે. સેક્શન 10(32) હેઠળ માતા-પિતા આના પર 1500 રૂપિયાની છૂટ મેળવી શકે છે. પરંતુ તેનાથી વધુ રકમ પર માતા-પિતાએ પોતાના ટેક્સ સ્લેબ મુજબ ટેક્સ ભરવો પડે છે.

  • છૂટાછેડા કે અન્ય ખાસ કિસ્સામાં: જો માતા-પિતાના કોર્ટ દ્વારા છૂટાછેડા થયા હોય, તો બાળકની આવક એ પેરેન્ટની ઈનકમમાં ઉમેરાય છે જેની પાસે બાળકની કસ્ટડી (Custody) હોય.

  • જો માતા-પિતા હયાત ન હોય: જો કોઈ દુર્ભાગ્યપૂર્ણ સંજોગોમાં બાળકના માતા-પિતા બંને જીવિત ન હોય, તો બાળકની કમાણી તેના કાનૂની ગાર્ડિયન (વાલી)ની આવકમાં જોડાતી નથી. આવા કિસ્સામાં બાળકના નામે અલગ જ ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ થાય છે. આ ઉપરાંત, સેક્શન 80U હેઠળ આવતા દિવ્યાંગ બાળકોની આવક પણ માતા-પિતાની આવક સાથે ક્યારેય ક્લબ કરવામાં આવતી નથી.

ખાસ અપવાદ: ક્યારે બાળકની આવક પર તેના પોતાના નામે ટેક્સ લાગે છે?

આવકવેરાના કાયદા મુજબ, જો કોઈ સગીર બાળક પોતાની ખાસ કળા, રમતગમત, વિશેષ જ્ઞાન, બુદ્ધિશક્તિ, ડિજિટલ હુનર કે પોતાની અંગત મહેનતથી પૈસા કમાય છે (જેમ કે- ક્રિકેટ, ચેસ, એક્ટિંગ, સિંગિંગ, યુટ્યુબ કન્ટેન્ટ ક્રિએશન કે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ), તો તે કમાણી માતા-પિતાની આવકમાં બિલકુલ ઉમેરાતી નથી.

વૈભવ સૂર્યવંશી પર કેમ લાગુ થયો આ ખાસ નિયમ? વૈભવ સૂર્યવંશી પોતાની ક્રિકેટ સ્કિલ્સ, ટેલેન્ટ અને રમતની મહેનતના જોરે કરોડો રૂપિયા કમાઈ રહ્યો છે, તેથી તેની આ કમાણી તેના માતા-પિતાની આવકમાં ક્લબ નહીં થાય. તેના પર પોતે જ ટેક્સ ભરવાની કાનૂની જવાબદારી (Tax Liability) રહેશે. આ જ નિયમ દેશના તમામ બાળ કલાકારો, બાળ ગાયકો અને રિયાલિટી શો (જેમ કે માસ્ટરશેફ જૂનિયર)ના પ્રતિભાશાળી સ્પર્ધકો પર પણ લાગુ પડે છે.

ટેક્સની ગણતરી અને સગીરોનું ITR ફોર્મ કેવી રીતે ભરાય છે?

ટેક્સ એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, પોતાના હુનર અને ટેલેન્ટથી કમાણી કરતા સગીરોની આવક પર પણ ભારતના એક સામાન્ય પુખ્ત વયના કરદાતાની જેમ જ નોર્મલ ટેક્સ સ્લેબ રેટ લાગુ પડે છે. તેમને કોઈ અલગથી વધારાની છૂટ મળતી નથી.

  • આવકની કેટેગરી: રમતવીરોની ટૂર્નામેન્ટની કમાણી, મેચ ફી કે સ્પોન્સરશિપની આવકને બિઝનેસ અથવા પ્રોફેશનના પ્રોફિટ (PGBP)ની કેટેગરી હેઠળ રિપોર્ટ કરવામાં આવે છે.

  • ITR ફોર્મની પસંદગી: પ્રોફેશનલ સર્વિસીસ અથવા સ્પોર્ટ્સ સાથે જોડાયેલા બિઝનેસ મોડલ માટે સામાન્ય રીતે ITR-3 ફોર્મનો ઉપયોગ થાય છે. જ્યારે પ્રિઝમ્પટિવ ટેક્સેશન (અંદાજિત કરવેરા પદ્ધતિ)નો લાભ લેવો હોય તો ITR-4 પસંદ કરી શકાય છે.

સહી કોણ કરશે? આ ટેક્સ રિટર્ન બાળકના નામે જ ઓનલાઈન સબમિટ થાય છે. પરંતુ સગીર વયના કારણે કાયદાકીય રીતે તેમાં માતા-પિતા અથવા કાનૂની વાલીએ એક પ્રતિનિધિ કરદાતા (Representative Assessee) તરીકે સહી અને વેરિફિકેશન કરવાનું રહે છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -