લોરેન્સ બિશ્નોઈ ગેંગના નજીકના ગેંગસ્ટર હેરી બોક્સરની અમેરિકામાં ધરપકડ, હરિયાણાનો મોસ્ટ વોન્ટેડ આરોપી
લોરેન્સ બિશ્નોઈ ગેંગના નજીકના ગણાતા ગેંગસ્ટર હેરી બોક્સરની અમેરિકામાં ધરપકડ કરવામાં આવી છે. હરિયાણા એસટીએફના જણાવ્યા અનુસાર, હરિયાણાના મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર હેરી બોક્સરને અમેરિકાથી કસ્ટડીમાં લીધા બાદ ધરપકડ કરવામાં આવી છે. આરોપ છે કે તે અમેરિકામાં રહીને લોરેન્સ બિશ્નોઈ ગેંગનું નેટવર્ક ચલાવતો હતો.
રોહિત શેટ્ટીના ઘર બહાર ફાયરિંગની જવાબદારી લીધી હતી
હેરી બોક્સર એ જ ગેંગસ્ટર છે, જેણે બોલિવૂડ ફિલ્મ નિર્માતા રોહિત શેટ્ટીના ઘર બહાર થયેલા ફાયરિંગની જવાબદારી લીધી હતી. ફાયરિંગની ઘટના બાદ તેણે સોશિયલ મીડિયા પોસ્ટ અને ઓડિયો સંદેશ દ્વારા બોલિવૂડની કેટલીક હસ્તીઓને ધમકી પણ આપી હતી. તેની સામે હત્યા, હત્યાના પ્રયાસ, મારામારી, ફાયરિંગ અને ધમકી આપીને ખંડણી વસૂલવા સહિતના અનેક ગુનાઓ નોંધાયેલા છે.
કોણ છે હેરી બોક્સર?
હેરી બોક્સરનું અસલી નામ હરિચંદ જાટ છે. તે મૂળ રાજસ્થાનના કોટપૂતલી-બહેરોડ જિલ્લાના બાંસૂર વિસ્તારનો રહેવાસી હોવાનું જાણવા મળે છે. જયપુરમાં રહેતી વખતે તેણે બોક્સિંગની તાલીમ લીધી હતી. જેના કારણે તેને બોક્સર તરીકે ઓળખ મળી હતી. શરૂઆતમાં તેણે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી હતી અને બોક્સિંગ કોચ તરીકે પણ કામ કર્યું હતું. જોકે, બાદમાં તે ગુનાખોરીની દુનિયામાં જોડાયો હતો.
હેરી બોક્સરનું નામ દિલ્હી, રાજસ્થાન, પંજાબ અને હરિયાણામાં નોંધાયેલા અનેક ગુનાહિત કેસોમાં સામે આવ્યું છે. વિદેશમાં રહીને લોરેન્સ બિશ્નોઈ ગેંગના ખંડણી નેટવર્કને સંચાલિત કરવામાં તેની મહત્વની ભૂમિકા હોવાનો આરોપ છે.
કેનેડામાં કપિલ શર્માના કેફે પર થયેલા ફાયરિંગ તેમજ બોલિવૂડ હસ્તીઓ રોહિત શેટ્ટી, રણવીર સિંહ અને તુષાર કપૂરને ધમકી આપવાના મામલામાં પણ તેનું નામ સામે આવ્યું હતું.
મળતી માહિતી મુજબ, દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ અને હરિયાણા એસટીએફ પાસેથી મળેલા ઇનપુટના આધારે અમેરિકાની એજન્સીઓએ કેલિફોર્નિયામાં તેને કસ્ટડીમાં લઈને ધરપકડ કરી છે. હવે ભારતીય એજન્સીઓ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને નોડલ એજન્સી સીબીઆઈની મદદથી તેને ભારત લાવવાની કાર્યવાહી કરશે.
હેરી બોક્સરની પૂછપરછ દરમિયાન ભારતમાં થયેલા અનેક ગુનાહિત હુમલાઓ અને ગેંગના નેટવર્ક અંગે મહત્વની વિગતો બહાર આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
- Advertisement -
- Advertisement -