તિબેટમાં છેલ્લા 5 વર્ષનો સૌથી ભયાનક ભૂકંપ: નાગકુ શહેરમાં ભારે તારાજી, કાટમાળ નીચે અનેક લોકો દબાયા
તિબેટ ગુરુવારે રાત્રે ભૂકંપના જોરદાર આંચકાથી ધ્રૂજી ઊઠ્યું હતું. 7 ની તીવ્રતાના તીવ્ર ભૂકંપના કારણે તિબેટમાં ભારે જાનમાલનું નુકસાન થયું છે. અત્યાર સુધીના અહેવાલો મુજબ ભૂકંપના કારણે ઓછામાં ઓછા 16 લોકોના મોત થયા.જ્યારે 32 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું કહેવાય છે. જેમાંથી 11 લોકોની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, ભારતીય સમયાનુસાર રાત્રે આશરે 8:03 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર રાજધાની લ્હાસાથી લગભગ 400 કિલોમીટર દૂર ઉત્તરી તિબેટના નાગકુ શહેરમાં જમીનથી લગભગ 173 કિલોમીટરની ઊંડાઈએ હતું.
નાગકુ શહેરમાં સેંકડો મકાનો ધરાશાયી
ભૂકંપનો આંચકો અનુભવાતાં જ સમગ્ર વિસ્તારમાં ભાગદોડ મચી ગઈ હતી. મકાનો અને વાહનો ધ્રૂજવા લાગ્યા હતા. લોકો જીવ બચાવવા માટે ઘરો અને હોટેલોમાંથી બહાર દોડી આવ્યા હતા. સીસીટીવીમાં દુકાનો અંદર રાખેલો સામાન રેકમાંથી નીચે પડતો કેદ થયો હતો. ભૂકંપના આંચકાથી ઉત્તરી વિસ્તારના નાગકુ શહેરમાં સેંકડો ઘર ધરાશાયી થઈ ગયા છે.
તિબેટ ક્ષેત્રમાં છેલ્લા 5 વર્ષમાં આવેલો આ સૌથી મોટો ભૂકંપ છે. નાગકુ મીડિયા કાર્યાલયે શહેર સરકારના અધિકારીઓને ટાંકીને જણાવ્યું કે ભૂકંપ બાદ ઓછામાં ઓછા 339 ઘરો જમીનદોસ્ત થઈ ગયા છે. કાટમાળમાં ફસાયેલા લોકોને શોધવા અને બચાવવાનું કામ ચાલુ છે. બેઘર થયેલા લોકો માટે ટેન્ટ પણ લગાવવામાં આવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે તિબેટમાં આ ભૂકંપ એવા સમયે આવ્યો છે.જ્યારે થોડા અઠવાડિયા પહેલા નેપાળ અને ચીનના તિબેટ સ્વાયત્ત ક્ષેત્રની સરહદ નજીક પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓએ ભારે તબાહી મચાવી હતી. આ આપત્તિઓમાં 1,400 થી વધુ લોકોના મોત થયા હતા અને હજારો લોકો લાપતા હોવાના અહેવાલ હતા.
તિબેટમાં શા માટે આટલા ભૂકંપ આવે છે?
તિબેટ વિશ્વના એવા વિસ્તારોમાં સામેલ છે જ્યાં ભૂકંપ આવવાનું જોખમ સૌથી વધુ રહે છે. અહીં ભારતીય (Indian) અને યુરેશિયન (Eurasian) ટેક્ટોનિક પ્લેટો એકબીજા સાથે ટકરાય છે, જેની હલચલથી હિમાલય પર્વત બન્યો છે. પરંતુ આ જ કારણે આ વિસ્તારમાં સતત ભૂકંપ આવતા રહે છે.
આ પહેલાં તાજેતરમાં જ પશ્ચિમ નેપાળમાં તિબેટની સરહદને અડીને આવેલા હિમલુંગ હિમાલના બેઝ કેમ્પ પર હિમસ્ખલન (Avalanche) ની ઘટના સામે આવી હતી. જેમાં 10 લોકો લાપતા થયા હતા.
- Advertisement -
- Advertisement -