33.2 C
Ahmedabad
Saturday, October 17, 2026

ભરવાડ સમાજની ‘લાકડીથી લેપટોપ સુધી’ની યાત્રા દેશના વિકાસમાં સહયોગી બનશે: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી


નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે ‘યુવા રોજગાર યોજના’ હેઠળ ગાંધીનગરથી ભરવાડ સમાજના યુવાનો માટે 221 નવીન JCB વિતરણ કાર્યક્રમ યોજાયો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની લેપટોપથી તુલા: સમાજની હોંશિયાર દીકરીઓ માટે ભરવાડ સમાજની અનોખી પહેલ

ભરવાડ અને માલધારી સમાજની પ્રગતિ તથા આત્મનિર્ભરતાને બિરદાવતા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, “ભરવાડ સમાજની લાકડી હંમેશા સમાજની લાજ રાખતી આવી છે અને હવે સમાજના હાથમાં આવેલું લેપટોપ આ દેશના વિકાસમાં હંમેશાં સહયોગી બનશે.”લાકડીથી લેપટોપ સુધીની આ યાત્રા ભલે કઠિન અને સંઘર્ષપૂર્ણ રહી હોય, પરંતુ માલધારી સમાજની લાકડી જે રીતે સમાજના રક્ષણ માટે ઉપયોગી રહી છે, તે જ રીતે લેપટોપ પણ સમાજના રક્ષણ અને ઉત્થાન માટે કાર્યરત રહેશે.

ભરવાડ યુવા સંગઠન દ્વારા યુવા સશક્તીકરણ પહેલ અંતર્ગત ‘યુવા રોજગાર યોજના’હેઠળ ગાંધીનગરના ટાઉનહોલ ખાતે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે 221 નવીન JCB મશીન વિતરણનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.

ભરવાડ સમાજ દ્વારા આયોજિત કાર્યક્રમમાં 221 JCBના વિતરણ પ્રસંગે તેમણે ઉમેર્યું કે, આત્મનિર્ભર ભરવાડ સમાજના અનેક પરિવારોને આનાથી રોજગારી ઉપલબ્ધ થશે. સામાન્ય પરિવાર કે ગામડામાં રહેતા ગરીબ પરિવાર માટે બેંકમાંથી લોન મેળવવી મુશ્કેલ હોય છે, પરંતુ સમાજના સંયુક્ત પ્રયાસોથી આ કાર્ય અત્યંત સરળ બન્યું છે. અગાઉ પણ હજારો યુવાનોને સ્વરોજગારી માટે ઈકો તેમજ બોલેરો ગાડીઓ પૂરી પાડવામાં આવી હતી.

દ્વારકાધીશ મંદિર આસપાસના વિસ્તાર અંગે વાત કરતા તેમણે સ્પષ્ટ કર્યું કે, દેશ અને દુનિયાભરમાંથી આવતા લાખો ભક્તોની સુવિધા માટે જે જગ્યાઓ પર ગેરકાયદેસર કબ્જો હતો, તે ખાલી કરાવીને ભક્તોના ઉપયોગમાં આવે તેવું દ્રઢ કાર્ય કરવામાં આવ્યું છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા નાના માણસોને વ્યાજના વિષચક્રમાંથી બચાવવા માટે ગેરંટી વગર મદદ કરતી યોજનાઓ લાવવામાં આવી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભરવાડ સમાજે સામાજિક, શિક્ષણ અને વેપાર ક્ષેત્રે અદભૂત પ્રગતિ કરી છે.

તેમણે ખાસ અનુરોધ કર્યો કે સમાજની દીકરીઓને વધુમાં વધુ ભણાવવી જોઈએ. લેપટોપ વિતરણના આ અદભૂત પ્રયાસથી ગામડામાં રહેતી માલધારી પરિવારની દીકરીઓ 100 ટકા શિક્ષણ મેળવશે અને રમતગમત ક્ષેત્રે પણ આગળ વધીને દેશનું નામ રોશન કરશે.

સમાજમાં આવી રહેલી સામાજિક ક્રાંતિનો ઉલ્લેખ કરતા તેમણે સમૂહ લગ્ન પ્રથાને બિરદાવી હતી, જેમાં આગેવાનો પોતાના દીકરા – દીકરીના લગ્ન પણ સમૂહમાં કરાવીને સમાજના સમય અને નાણાં બચાવવાની સાથે એકતાનો સંદેશ આપે છે.

ગૌરક્ષણ અંગે વાત કરતા નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં પ્રથમ ગૌહત્યા વિરોધી કાયદો લાવ્યો હતો. સરકાર માત્ર ગૌહત્યારાઓને પકડતી નથી, પરંતુ છેલ્લા એક વર્ષમાં 15 ગૌહત્યાઓના કિસ્સામાં 7 વર્ષથી લઈને આજીવન કેદ સુધીની સજા અપાવવામાં સફળ રહી છે. ગૌહત્યારાઓએ કાં તો ગુનો છોડવો પડશે કાં તો રાજ્ય છોડવું પડશે.

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ ભરવાડ સમાજના યુવાનો અને આગેવાનોને આ ઉત્કૃષ્ટ સામાજિક કાર્ય બદલ હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.

પૂર્વ ધારાસભ્ય શ્રી ભવનભાઈ ભરવાડે સ્વાગત સંબોધન કરતા જણાવ્યું હતું કે,”અમારો સમાજ સમૂહ લગ્નો જેવી સમાજ જાગૃતિની પરંપરામાં ખૂબ આગળ વધી રહ્યો છે અને લગભગ 90 ટકા સમાજ શિક્ષિત બન્યો છે. દીકરાઓને ભણાવવા માટે અમરેલી, આણંદ, ધરમપુર, નૈના ગામ અને રણુજા સહિત અનેક જગ્યાએ હોસ્ટેલ બનાવવામાં આવી છે. સમાજના ઉત્થાન માટે હોસ્ટેલ અને ધર્મશાળાઓનું નિર્માણ કરીને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શિક્ષણ પૂરું પાડવામાં આવે છે.”

કાર્યક્રમના અંતે સંગઠનના પ્રમુખશ્રી દિલીપભાઈ ભરવાડે નાયબ મુખ્યમંત્રીશ્રી, ઉપસ્થિત મહાનુભાવો અને આયોજનમાં યોગદાન આપનાર તમામ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ તકે ભરવાડ સમાજ દ્વારા બદલાતા સમય પ્રમાણે ડિજિટલ યુગમાં નવી પેઢીને મજબૂત બનાવવાના ભાગરૂપે ભરવાડોની ઓળખ સમી ‘લાકડી થી લેપટોપ સુધી’ના વિચાર સાથે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની તુલા કરવામાં આવી હતી. આ લેપટોપ આવનાર સમયમાં ધોરણ ૧૦-૧૨ બોર્ડમાં સારું પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ભેટ આપવામાં આવશે.

આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના 221 યુવા લાભાર્થીઓને સ્વ-રોજગાર પૂરો પાડી આજીવિકા વધુ મજબૂત કરવાનો અને ટકાઉ આર્થિક તકો ઊભી કરવાનો છે. સામુદાયિક મશીનરીની ખરીદી અને વિતરણ ક્ષેત્રે આ એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ પગલું છે.

આ પ્રસંગે વિવિધ જિલ્લાના ભરવાડ સમાજના યુવાનોએ નાયબ મુખ્યમંત્રીશ્રીનું ભરવાડની ઓળખ એવી લાકડી,પાઘડી અને કોટીથી સન્માન કર્યું હતું. આ ઉપરાંત સમાજના યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષા માટે વિના મૂલ્યે તાલીમ આપતા ફેકલ્ટી અને અધિકારીઓને નાયબ મુખ્યમંત્રીશ્રીના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં ભરવાડ સમાજના અગ્રણી સર્વે શ્રી લાખાભાઈ ભરવાડ, શ્રી રાજાભાઈ ભરવાડ, ભાવનગરના શ્રી ભરતભાઈ બુધેલીયા સહિત સમાજના અનેક યુવા પ્રતિનિધિઓ, સામાજિક આગેવાનો અને અમીન JCBના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -