સામાજિક અને આધ્યાત્મિક સિનેમામાં નવો ઇતિહાસ: ‘હનુમાન અંશ’થી રાતોરાત સ્ટાર બનનાર શોભિનવ સત્ય કોણ છે?
સિનેમા જગતમાં ઘણીવાર એવું બનતું હોય છે કે મોટા સ્ટાર્સ અને કરોડોના પ્રમોશનવાળી ફિલ્મો ફ્લોપ સાબિત થાય છે.જ્યારે કોઈ સાદી અને લો-બઝેટ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધમાકો મચાવી દે છે. હાલમાં દેશભરના સિનેમાઘરોમાં આવી જ એક ઐતિહાસિક અદ્ભુત ઘટના જોવા મળી રહી છે. કોઈ પણ મોટા હોબાળા કે ભવ્ય પ્રચાર વગર શાંત પ્રવાહની જેમ રિલીઝ થયેલી ફિલ્મ ‘હનુમાન અંશ’ હવે બોક્સ ઓફિસ પર સુનામી બનીને છવાઈ ગઈ છે..
સામાન્ય શરૂઆત કરનાર આ ફિલ્મે કરોડોની કમાણી કરીને ટ્રેડ એનાલિસ્ટોને પણ ચોંકાવી દીધા છે. આ સફળતાના કેન્દ્રમાં એક એવા યુવા કલાકાર છે, જેમને અગાઉ ક્યારેય મોટા પડદા પર જોવામાં આવ્યા નહોતા—શોભિનવ સત્ય. મહાન સંત નીમ કરોલી બાબાના જીવન પર આધારિત આ બાયોપિકમાં તેમણે પોતાની અદ્ભુત સાદગીથી દર્શકોના દિલ જીતી લીધા છે.
7 ઓગસ્ટ 2026ના રોજ સિનેમાઘરોમાં આવેલી ‘હનુમાન અંશ’ માત્ર એક ફિલ્મ નથી.પરંતુ એક દિવ્ય આધ્યાત્મિક અનુભવ બની ગઈ છે. ફિલ્મમાં ઉત્તર પ્રદેશના અકબરપુર ગામના સાધારણ બાળક લક્ષ્મણ નારાયણ શર્માની ગાથા રજૂ કરવામાં આવી છે, જેઓ આગળચાલીને પૂજનીય સંત ‘નીમ કરોલી બાબા’ તરીકે પ્રખ્યાત થયા. પડદા પર આ મહાન હસ્તીના વ્યક્તિત્વને જીવંત કરવું અત્યંત મુશ્કેલ કાર્ય હતું. પરંતુ ન્યૂકમર અભિનેતા શોભિનવ સત્યાએ આ ભૂમિકામાં પોતાની સમગ્ર આત્મા રેડી દીધી છે. તેમણે બાબા મહારાજની વેશભૂષા જ નહીં, પરંતુ તેમના હાવભાવ અને આધ્યાત્મિક વિચારોને એટલી સહજતાથી આત્મસાત કર્યા કે થિયેટરમાં બેઠેલા દર્શકો ભાવવિભોર થઈ ગયા.
રાતોરાત ચર્ચામાં આવેલા શોભિનવ સત્ય લખનૌના શાંત વાતાવરણમાં ઉછર્યા છે. બાળપણથી જ તેમના લોહીમાં અભિનયનો નશો વણાયેલો હતો. અભિનયના સપનાને સાકાર કરવા તેમણે લખનૌની ‘ઓપુલન્ટ સ્કૂલ ઓફ એક્ટિંગ એન્ડ ફિલ્મ્સ’માંથી કલાના ગુણ શીખ્યા અને ત્યારબાદ પૂણેની પ્રતિષ્ઠિત ‘ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા’ (FTII) ખાતે ફિલ્મ નિર્માણની બારીકાઈઓ સમજી.
ખાસ વાત એ છે કે ‘હનુમાન અંશ’ ભલે અભિનેતા તરીકે શોભિનવની પહેલી ફિલ્મ હોય, પરંતુ તેઓ ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે અજાણ્યા નથી. પડદા પર આવતા પહેલા તેમણે વર્ષો સુધી પડદા પાછળ રહીને આકરી તપસ્યા કરી છે. IMDb ના રેકોર્ડ મુજબ, તેમણે વર્ષ 2019માં આવેલી વેબ સિરીઝ ‘રાગિની એમએમએસ રિટર્ન્સ’માં ટ્રેઈની આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પછી,2020માં ‘હેપ્પીલી એવર આફ્ટર’માં તેમણે સ્ક્રીપ્ટ અને કન્ટિન્યુટી ડિપાર્ટમેન્ટ સંભાળ્યો હતો. એટલું જ નહીં, લોકપ્રિય ટેલિવિઝન શો ‘સીઆઈડી’ (2025) ના અનેક એપિસોડ્સમાં પણ તેમણે સેકન્ડ આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે મહત્વની ભૂમિકા ભજવી છે.
- Advertisement -
- Advertisement -