ફતેપુરા ખાતે સંસ્કૃત સપ્તાહ નિમિત્તે ભવ્ય જાગૃતિ રેલી યોજાઈ: સમગ્ર નગર સંસ્કૃતમય બન્યું
પ્રાચીન અને સમૃદ્ધ સંસ્કૃત ભાષાનો વ્યાપ વધે અને લોકોમાં તેના પ્રત્યે જિજ્ઞાસા તથા રસ રુચિ કેળવાય તેવા શુભ આશયથી ફતેપુરા તાલુકા કન્યા શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સંસ્કૃત સપ્તાહની ઉજવણીના ભાગરૂપે એક ભવ્ય જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
માનનીય પ્રાંત અધિકારીશ્રીની પ્રેરણાદાયી અધ્યક્ષતામાં યોજાયેલી આ રેલીનું સુંદર માર્ગદર્શન સરકારી માધ્યમિક શાળા ચીખલીના આચાર્યશ્રી રાજુભાઈ ખડીયા સાહેબ દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું. આ પ્રસંગે ફતેપુરા QDCના કન્વીનર અને શ્રી આઈ. કે. દેસાઈ હાઈસ્કૂલના આચાર્યશ્રી હેમંતભાઈ પંચાલ સાહેબ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આ રેલીમાં ફતેપુરા QDC (ક્લસ્ટર) હેઠળ આવતી તમામ શાળાઓના વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓ, સંસ્કૃત વિષય પ્રત્યે વિશેષ અનુરાગ ધરાવતા શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા હતા. રેલી દરમિયાન વિદ્યાર્થીઓએ સંસ્કૃત ભાષાના મહત્વ અને પ્રચાર-પ્રસારને લગતા વિવિધ પ્રેરણાદાયી સૂત્રોચ્ચાર કરીને સમગ્ર ફતેપુરા નગરને સંસ્કૃતમય અને ભક્તિમય બનાવી દીધું હતું.
સંસ્કૃત ભાષાનો પ્રચાર-પ્રસાર વધુ વેગવંતો બને અને નવી પેઢી આ ભાષા પ્રત્યે આકર્ષાય તે હેતુથી આયોજિત આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
અહેવાલ : યાસીર ગુડાલા,દાહોદ
- Advertisement -
- Advertisement -