ભરચોમાસામાં પણ રખિયાલ તરસે! 6 દિવસથી પાણી ન મળતાં મહિલાઓનો પંચાયત કચેરીએ ઉગ્ર હોબાળો; સરપંચ-તલાટી ફરાર”
દહેગામ તાલુકાના રખિયાલ ગ્રામ પંચાયતમાં પાણીની કટોકટીના કારણે રોષે ભરાયેલી મહિલાઓએ પંચાયત કચેરી ખાતે ઉગ્ર હોબાળો મચાવ્યો હતો. ગામમાં છેલ્લા 6 દિવસથી પીવાનું પાણી ન મળતા મહિલાઓ મુશ્કેલીમાં મુકાઈ છે.
સરપંચ વિરુદ્ધ સૂત્રોચ્ચાર:
આક્રોશિત મહિલાઓએ ગ્રામ પંચાયત કચેરીએ પહોંચીને સરપંચ વિરુદ્ધ “હાય હાય” ના નારા લગાવ્યા હતા અને તંત્ર સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો.

અધિકારીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા
આશ્ચર્યની વાત એ છે કે, વિરોધ પ્રદર્શનની અગાઉથી જ જાણ થતાં સરપંચ, ડેપ્યુટી સરપંચ અને તલાટી ફરાર થઈ ગયા હતા. અથવા ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. જેના કારણે પંચાયત કચેરીમાં મહિલાઓને જવાબ આપવા માટે કોઈ જવાબદાર અધિકારી ઉપસ્થિત નહોતો.
પાણી ચોરીના ગંભીર આક્ષેપો:
મહિલાઓએ આક્ષેપ કર્યો હતો કે, “ચોતરા અને ભદ્રકાળી મંદિર વિસ્તારમાં આવેલા બોરનું પાણી બારોબાર દહેગામ-મોડાસા હાઇવે પર આવેલી હોટલો અને ફાર્મહાઉસમાં વેચવામાં આવે છે. ત્યાં 24 કલાક પાણી પૂરું પાડવામાં આવતું હોવાથી રખિયાલ ગામમાં પાણીની કૃત્રિમ ખેંચ ઊભી થઈ છે.”
પશુપાલકો અને ગ્રામજનો મુશ્કેલીમાં:
ભરચોમાસાની ઋતુમાં પણ ગ્રામજનોને પીવાના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે. આ પાણી પ્રશ્ને પશુપાલન સાથે જોડાયેલી મહિલાઓને પોતાના મૂંગા પશુઓને પાણી પિવડાવવામાં પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
મહિલાઓએ ઉગ્ર માગણી કરી છે કે, હાઇવે પરની હોટલો અને ફાર્મહાઉસમાં ગેરકાયદેસર રીતે અપાતું 24 કલાક પાણીનું જોડાણ તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે, જેથી ગામલોકોને રાહત મળી શકે.
આ ઉપરાંત ગામના વડલાવાળા વાસ તથા ઠાકોરવાસ વિસ્તારમાં પણ ત્રણ દિવસથી પીવાના પાણીનો પ્રશ્ન ગંભીર બન્યો છે. પાણી ન મળવાને કારણે સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને પાણીની તલાશમાં આમથી આમ ભટકવું પડી રહ્યું છે. ગામના અન્ય વિસ્તારોમાં પાણીની રેલમછેલ જોવા મળે છે. ત્યારે આ પછાત અને સંવેદનશીલ વિસ્તારો સાથે પંચાયત દ્વારા સતત અન્યાય કરવામાં આવતો હોવાનો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો છે.
ગ્રાહકો અને સ્થાનિક નાગરિકો દ્વારા જ્યારે આ બાબતે ગ્રામ પંચાયતમાં રજૂઆત કરવામાં આવે છે, ત્યારે સત્તાધીશો દ્વારા કોઈ સંતોષકારક જવાબ આપવામાં આવતો નથી. પંચાયત દ્વારા ક્યારેક ‘મોટર બળી ગઈ છે’ તો ક્યારેક ‘લાઈન તૂટી ગઈ છે’ જેવાં જુદાં-જુદાં બેજવાબદાર બહાનાં ધરીને પ્રશ્નને ટાળી દેવામાં આવે છે. લાંબા સમયથી ચાલી રહેલી આ પાણીની સમસ્યાનું જો વહેલી તકે કાયમી નિરાકરણ નહીં આવે, તો ગ્રામજનો દ્વારા ગાંધીનગર તાલુકા અને જિલ્લા કક્ષાના સંબંધિત અધિકારીઓ સમક્ષ ઉચ્ચસ્તરીય લેખિત રજૂઆત કરવામાં આવશે તેવી ઉગ્ર ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
ખાસ કરીને રામજી મંદિરથી આ તરફના સમગ્ર વિસ્તારમાં પાણીની વિતરણ વ્યવસ્થા સાદાસીધી રીતે કાર્યરત ન થતાં લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. સ્થાનિક રહીશો દ્વારા વહેલી તકે પાણીની સુવિધા પૂર્વવત્ કરવા અને અસમાન પાણી વિતરણની નીતિ સામે યોગ્ય કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ કરવામાં આવી છે.
- Advertisement -
- Advertisement -