ફતેપુરાની ખાનગી શાળામાં સરકારી શૈક્ષણિક સાહિત્ય મળ્યાના મામલે તપાસનો ધમધમાટ
ફતેપુરા નગરમાં આવેલી ‘ટચ ધ લાઇટ’ ઇંગ્લિશ અને ગુજરાતી મીડિયમ ખાનગી શાળામાંથી સરકારી શૈક્ષણિક સાહિત્ય તેમજ સ્માર્ટ બોર્ડ મળી આવ્યાના મામલે શિક્ષણ વિભાગ સહિતના તંત્રમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે.

મળતી માહિતી મુજબ, સરકારી શાળાઓ અને સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓ માટે ફાળવવામાં આવતી શૈક્ષણિક સામગ્રી ખાનગી શાળામાં મળી આવતાં સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે. સરકારી શાળાઓ માટે ફાળવવામાં આવેલી આ સામગ્રી ખાનગી શાળા સુધી કેવી રીતે પહોંચી તે અંગે હવે તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈ ગુજરાત રાજ્યના પ્રાદેશિક કમિશનર, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તથા જિલ્લા શિક્ષણ અધિકારી સહિતના અધિકારીઓ દ્વારા તપાસની કાર્યવાહી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
સરકારી શૈક્ષણિક સાહિત્ય અને સ્માર્ટ બોર્ડનો ખાનગી શાળામાં ઉપયોગ થયો હતો કે કેમ, તેમજ આ સામગ્રી કયા માધ્યમથી ખાનગી શાળા સુધી પહોંચી તે સહિતના મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે.
તપાસ પૂર્ણ થયા બાદ સમગ્ર મામલે હકીકત શું છે અને જવાબદારી કોની છે તે અંગે વધુ વિગતો સામે આવવાની શક્યતા છે. હાલ સમગ્ર મામલે શિક્ષણ વિભાગની તપાસ પર સૌની નજર છે.
કિશોર પણદા, ફતેપુરા
- Advertisement -
- Advertisement -